Abtak Media Google News

પરપ્રાંતમાંથી ગુજરાતમાં હથિયાર ઘુસાડવાના રેકેટનો એલસીબીએ કર્યો પર્દાફાશ: રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે

લખતર તાલુકાના વણા ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી પરપ્રાંતમાંથી મજુરી કરવાના બહાને હથિયાર વેંચવાનો રેકેટનો પદરફાશ કરી પાંચ પિસ્તોલ અને ચાર તમંચા સાથે એમપીના બે શખ્સો મળી પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ .૧ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોનુ પરપ્રાંતિય શખ્સો દ્વારા મજુરી કરવાના બહાને ઘુસી વેંચાણ કરતા હોવાની રાજકોટ આર.આર.સેલના વડા સંદિપસિંહ અને જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઈ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આર.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે લખતર તાલુકાના વણા ગામની સીમમાં અને પાટડીના જેજરી ગામનો મુસ્તુફાખાન રહીમખાન જત મલેક નામના શખ્સ પાસે પિસ્તોલ હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે મુસ્તુફાખાન મલેકના કબ્જામાંથી રૂા.૨૦ હજારની કિંમતની પિસ્તોલ અને વણા ગામનો પોપટ ઉર્ફે શકિત લાલજી પચાળાના કબ્જામાંથી તમંચો મળી આવતા બન્નેની અટકાયત કરી પ્રાથમીક પુછપરછ કરતા તેણે મુળ એમ.પી.ના અલીરાજપુર જીલ્લાના વતની અને હાલ વણા ગામની સીમમાં મજુરી કામ કરતા દરબાન રાયસીંગ અવાસીયા નામના શખ્સ પાસેથી લીધી હોવાની કબુલાત આપી હતી.

4 Banna For Site

પોલીસે ઉપરોકત બન્ને શખ્સોએ આપેલી કબુલાતના આધારે દરબાન અવાસીયાની ધરપકડ કરી તેના કબ્જામાંથી તમંચો અને ૨ પિસ્તોલ મળી આવતા તેની પુછપરછ કરતા તેને તેના મામા પાસેથી લાવ્યા હોવાની કબુલાત આપતા કુંવરસિંહ સુનરીયા ચંબુરની વણાના સરપંચની વાડીમાંથી ધરપકડ કરી હતી. જેની પુછપરછ કરતા તેણે અન્ય એક હથિયાર અણીદ્રા ગામની સીમમાં વિરુભા દરબારની વાડીએ રહેતો ડુમા કેમતા આદીવાસી નામના શખ્સને એક હથિયાર આપ્યાની કબુલાત આપતા પોલીસે તેની તમંચા સાથે ધરપકડ કરી હતી.

ઝડપાયેલા ત્રણેય પરપ્રાંતીય શખ્સોની પ્રાથમીક પુછપરછમાં પંદરેક દિવસ પહેલા વતન ગયા હતા ત્યારે ગોવિંદ ઉર્ફે કાલુ આદીવાસી નામના શખ્સે ચાર પિસ્તોલ અને ૪ તમંચા આપ્યા હતા જે હથિયારો કપડાના થેલામાં છુપાવી લકઝરી બસ મારફતે વણા આવ્યો હતો અને તેણે મુસ્તુફા જત મલેક અને પોપટ ઉર્ફે શકિત પચાળાને વેંચ્યા હતા પોલીસે ૫ પિસ્તોલ અને ૪ તમંચા મળી રૂા.૧ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસમાં અન્ય કોઈ શખ્સોને હથિયાર વેંચ્યા છે કે કેમ તેમજ તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તે મુદે વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.