Abtak Media Google News

હસ્તગીરી ડુંગર ઉપર લાગેલી આગ મહામહેનતે કાબુમાં આવ્યા બાદ સાંજે ફરી હાથસણીના જંગલમાં આગ ભભૂકી: પાલીતાણા, ગારીયાધાર અને સિહોરથી ફાયરફાઇટરો બોલાવી આગ ઉપર કાબુ મેળવાયો

પાલીતાણાના ડુંગરોમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગ ઉપર કાબુ મેળવવા પાલીતાણા, ગારીયાધાર અને સિહોરથી ફાયરફાઇટરો બોલાવવામાં આવ્યા હતા. આ ફાયર ફાઈટરોએ પાણીમારો ચલાવીને આગ ઓલવી હતી. જો કે આ દરમિયાન ડુંગરમાં રહેલા ૩ સિંહને વનવિભાગે મહામહેનતે રેસ્ક્યુ કર્યા હતા.

પાલીતાણામા ગત તા.૩ના રોજ સાંજે હસ્તગીરી ડુંગર ઉપર કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે તંત્રને આ મામલે જાણ થતા તુરંત જ પાલિતાણા તેમજ આજુબાજુના સેન્ટરમાંથી ફાયરફાઈટરો બોલાવી લેવામાં આવ્યા હતા. ગઈકાલે વહેલી સવારે આ આગ ઉપર કાબુ મેળવાયો હતો. ત્યાં ફરી ગઈકાલે સાંજના અરસામાં બાજુમાં આવેલ હાથસણી ડુંગર ઉપર પણ આગ ફાટી નીકળી હતી. આ આગની જાણ થતા મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ ફાયર બ્રિગેડ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉપરાંત આ ડુંગરમાં ૩ સિંહો વસવાટ કરતા હોય તેઓને નુકશાન ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા સિંહોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો કે મળતી માહિતી મુજબ આ ડુંગર ખાનગી માલિકીનો છે.

4 Banna For Site

અધિકારીઓના જણાવ્યા મુજબ આગ ખૂબ વિકરાળ હતી. તેથી પાલીતાણાની સાથોસાથ ગારીયાધાર અને સિહોરથી પણ ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા. જો કે ડુંગરની ભૌગોલિક સ્થિતિ એવી હતી કે આગ ઉપર પાણીનો મારો ચલાવવા માટે ત્યાં પહોંચવું ખૂબ કપરું હતું. તેમ છતાં ફાયર વિભાગે મહામહેનતે હાથ ધરેલા ઓપરેશનને સફળતા સાંપડી હતી અને આગ ઉપર અંતે કાબુ મેળવાયો હતો.

સતત બે દિવસથી લાગી રહેલી આગનું કારણ હજુ અકબંધ

પાલિતાણાના એક ડુંગરમા આગ લાગ્યા બાદ બીજા દિવસે ફરી બીજા ડુંગરમાં આગ લાગવાની ઘટનાથી આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મામલતદાર સહિતના અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ આગ કુદરતી છે કે કૃત્રિમ તે અંગે હજુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.