Abtak Media Google News

ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી ઉપરાંત અન્ય બે ગેલેરી બનશે જ્યારે ફર્સ્ટ ફ્લોર પર પણ બે ગેલેરીનું કરાશે નિર્માણ

શહેરના રેસકોર્ષ સ્થિત શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી જર્જરિત થઇ ગઇ હોય અહિં રૂ.6 કરોડના ખર્ચે અત્યાધુનિક આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. નવા બાંધકામ માટેનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 76 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે રેસકોર્ષ સંકુલમાં આવેલી આર્ટ ગેલેરી નવી બનાવવા માટે રૂ.5.2 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં એલ-1 મેસર્સ નરેન્દ્ર એમ. પટેલે 18.90 ટકા ઓન સાથે કામ કરવાની ઓફર આપી હતી. વાંટાઘાટના અંતે એજન્સી 17.50 ટકા ઓન સાથે કામ કરવા સહમત થઇ ગઇ છે. આર્ટ ગેલેરીના નવનિર્માણ માટે રૂ.5.90 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 976 ચોરસ મીટર સ્લેબ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોરના ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડીંગના કામનો સમાવેશ થાય છે. જેમાં નવી આર્ટ ગેલેરી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક મલ્ટીપર્પઝ ગેલેરી અને અન્ય બે ગેલેરી બનાવવામાં આવશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર પણ બે ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોરરૂમ, ઓફિસ, ટોયલેટ, લીફ્ટ સહિતના ઉપયોગી બાંધકામનો સમાવેશ થાય છે. નવી આર્ટ ગેલેરીની ડિઝાઇન રાજકોટના જાણીતા આર્કિટેક્ટ કિશોરભાઇ ત્રિવેદી દ્વારા બનાવવામાં આવી છે.

Img 20230901 Wa0199

રામવનની અંદર ત્રણ ફૂડ કોર્ટ બહાર ફૂડ પાર્કનું નિર્માણ થશે

શહેરના વોર્ડ નં.15માં આવેલા ફરવા લાયક સ્થળ રામવનમાં સહેલાણીઓની સુખાકારી વધારવામાં આવશે. રામવનની અંદર ત્રણ ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. જ્યારે બહારની જગ્યાએ ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. રામવનની અંદર રામસેતુ, સંજીવની પર્વત પાસે હનુમાનજીના સ્ટેચ્યૂ નજીક અને રામ-સબરીના સ્ટેચ્યૂ પાસે એમ ત્રણ જગ્યાએ ફૂડ કોર્ટનું નિર્માણ કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ રમેશભાઇ પાટડીયાને આપવામાં આવ્યો છે. જેના થકી કોર્પોરેશનને વાર્ષિક રૂ.3.26 લાખની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત રામવનના ગેઇટ સામે ખૂલ્લી જગ્યામાં 430 ચોરસ મીટર વિસ્તારમાં ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને 40 ચોરસ મીટર વિસ્તારમાં ટોયલેટ પણ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.