Abtak Media Google News

પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં વીસમો ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ સંપન્ન

ચિત્રકુટધામ તલગાજરડા ખાતે પૂજ્ય પાર્થિવભાઈના જન્મદિવસ ૧૭મી જાન્યુઆરી ના સંદર્ભમાં,  પૂજ્ય મોરારીબાપુ દ્વારા ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકો પૈકીના શિક્ષક સંઘ દ્વારા પસંદ કરવામાં આવેલા શિક્ષક ભાઇ બહેનોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ચિત્રકૂટ એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. ઉપરાંત ચાલુ વર્ષમાં નિવૃત્ત થનારા મહુવા તાલુકાના પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માનિત કરવામાં આવે છે. રાજ્ય માંથી ૩૩ શિક્ષક ભાઈ, બેહનો ને પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે સાલ ઓઢાડી, સન્માન પત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા તલગાજરડા ખાતે વીસમો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કાર્યક્રમ આયોજીત થયો.

Img 20200115 Wa0024 2

 

કાર્યક્રમના પ્રારંભે તલગાજરડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સૈનિકના યુનિફોર્મમાં રાષ્ટ્રભક્તિનું નૃત્ય-ગીત  પ્રસ્તુત કરવામાં આવ્યું.મહુવા તાલુકાના આસરાણા ગામના પ્રાથમિક શિક્ષક રસિકભાઈ અમીન દ્વારા ૨૦૧૧ થી ૨૦૧૯ સુધીના ચિત્રકુટધામ એવોર્ડમાં પૂજ્ય બાપુના પ્રવચનોનાં સંકલન રૂપે તૈયાર થયેલી પુસ્તિકાનું વિમોચન થયું .કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રવચનમાં પ્રાથમિક શાળા શિક્ષક સંઘના હોદ્દેદારોએ શિક્ષકોના – સંઘના જ યજમાન પદે રામકથા આપવા માટે બાપુને વિનંતી કરી.

Victoria Gardence

પૂજ્ય બાપુએ પોતાના પ્રવચનના પ્રારંભે તેત્રીસ કરોડ દેવોનું પ્રતિનિધિત્વ કરતા એવોર્ડ પ્રાપ્ય ૩૩ શિક્ષકોને વંદન કરતાં કહ્યું કે પોતે પૂર્ણત: અહિંસામાં માનતા હોવા છતાં, જેમ સાધુ માળા ન છોડે એમ સૈનિકોએ બંદૂક ન છોડાય. એ સંદર્ભમાં શાળાના બાળકોએ પ્રસ્તુત કરેલ નૃત્ય-ગીત માટે તેમણે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. શિક્ષકોના મનોરથ મુજબ પૂજ્ય બાપુએ કહ્યું કે – “તમારી તૈયારી હોય અને જો શિક્ષકો એમાં હિસ્સો લેવાના હોય, તેમજ શિક્ષકોની પોતાની જ વીત્તસેવા હોય તો અનુકૂળતાએ  ગાંધીનગર ખાતે કથા થશે. જ્યારે પણ આ કથા થશે, ત્યારે  શિક્ષક દિન તરીકે ઉજવાતા સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણન્ ના જન્મદિવસ  ૫ મી સપ્ટેમ્બરની આસપાસના દિવસોમાં કથા આયોજિત થશે. પૂજ્ય બાપુએ સંત વિનોબાજીને યાદ કરતા કહ્યું કે તેમણે ’આચાર્ય કુળ’ ની સ્થાપના કરેલી.આચાર્યના તેમને ત્રણ શીલ આપેલા. નિર્ભય, નિષ્પક્ષ અને નિર્વૈર.

બાપુએ જણાવ્યું કે વર્તમાન જગતમાં શિક્ષકના ત્રણ શીલ હોવા જોઈએ. એક તો- શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ.વ્યસનનો એક અર્થ સંસ્કૃતમાં દુ:ખ એવો થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ સાવ નિર્વ્યસની ન હોઈ શકે. પરંતુ શિક્ષકોએ એક જ વ્યસન રાખવું કે હંમેશા સમયસર શાળાએ પહોંચવુ.શિક્ષક સમયનો વ્યસની હોવો જોઈએ. શિક્ષકમાં બીજું વ્યસન હોવું જોઈએ – રજાના દિવસે  નબળા વિદ્યાર્થીને (ટ્યુશન ફી લીધા વગર) ભણાવવાનું. અને ત્રીજું વ્યસન- પહેરવેશસાદો અને સ્વચ્છ હોવો જોઈએ. કારણકે વસ્ત્રોનો બહુ જ પ્રભાવ હોય છે.સાગર મંથનમાંથી નીકળેલ લક્ષ્મીજી પીતાંબર વસ્ત્રધારી ભગવાન વિષ્ણુને અપાયા, જ્યારે મંથનમાંથી નીકળેલ વિષ દિગંબર એવા શિવજીને અપાયું. બાપુએ કહ્યું કે વસ્ત્રોથી વૃત્તિ બદલાય છે.

શિક્ષકનું બીજું શીલ બતાવતા બાપુએ કહ્યું કે શિક્ષકની નિર્બંધી હોવો જોઈએ. અભ્યાસ પૂરો કરવાના નિયમો હોય, એ બરાબર. પણ શિક્ષક પર બીજા અકારણ બંધન લદાવા જોઈએ નહીં. ત્રીજું શીલ  શિક્ષક નિર્દંભી હોવો જોઈએ શિક્ષકમાં બહુ મોટો દંભ પોષાતો હોય, એ પછી વિદ્યાર્થીઓમાં સંક્રામિત થતો હોય છે. બાપુએ પ્રસન્નતા સાથે કહ્યું કે દેશના અન્ય પ્રાન્તોમાં શિક્ષણનું પ્રમાણ કદાચ વધારે હોય, તો પણ ત્યાં ભારતીય સંસ્કૃતિનો હ્રાસ થતો જાય છે. ગુજરાતની શાળાઓએ રાષ્ટ્રનાં સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખ્યાં છે. એટલે ગુજરાતનાં શિક્ષણની કક્ષા ઊંચી છે.

બાપુએ આજના પ્રસંગે પાંચ ” ક” નું સ્મરણ કર્યું. સૈનિક, કૃષક, સેવક, ખોજક અને શિક્ષક.

દેશનો સૈનિક મજબૂત હોવો જોઈએ. દેશનો કૃષક સુખી હોવો જોઈએ. તેને પાકનું યોગ્ય વળતર મળતું હોવું જોઈએ. સેવક પારદર્શક હોવો જોઈએ ગામના સરપંચથી લઇને વડાપ્રધાન સુધીના કોઇ સેવકે સુખની કામના ન રાખવી જોઈએ. સુખ મેળવવા માટે બનતા સેવકથી બચવું જોઈએ. દેશમાં ખોજક – વૈજ્ઞાનિક શોધખોળ અને સંશોધન કરનાર- મહાન હોવો જોઈએ. આ ચારે ય ને જે તૈયાર કરે છે, તે શિક્ષક શ્રેષ્ઠ હોવો જોઈએ.

કવિ ઉમાશંકર જોશીને યાદ કરતાં બાપુએ કહ્યું કે હૈયું, મસ્તક ને હાથ- એ ત્રણેનો પૂરેપૂરો ઉપયોગ કરીને શિક્ષક ભારતના ભવિષ્યને ઘડી શકે છે. સાચો કૃષક ધોરિયામાં જતાં પાણીને પાવડો મારીને, જરૂર હોય એ ક્યારામાં વાળે, એ રીતે એક એક શાળા એક ક્યારો છે. શિક્ષકે ક્યારામાં પાણી વાળીને ભવિષ્યની પેઢી રૂપી મબલખ પાક આવવાનો છે. આ કાર્યક્રમમા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશભાઈ પટેલ, હોદ્દેદારો અને સન્માનિત થનારા શિક્ષકો હાજર રહ્યા હતા બાપુના ઉદ્બોધન સાથે સમારોહ સપન્ન થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.