Abtak Media Google News

“ઢસા જંકશનમાં ચૂંટણી આચારસંહિતા ભંગનો વિચિત્ર અને ગંભીર બનાવ બન્યો જે ચૂંટણી કમિશનર શેષાનની ચકાસણીની એરણ ઉપર ચડે તો ઘણાનો ઘડો લાડવો થાય !”

ગઢડા ફોજદાર જયદેવને સૌ પ્રથમ કડક અને કાયદાની ઘૂંઆધાર અમલવારી કરાવનાર ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનના સમયમાં રાજય વિધાનસભા મધ્યસત્ર ચૂંટણીમાં ફરજ બજાવવાનો મોકો મળ્યો.

ગુજરાતના રાજકીય યુધ્ધ સમી ચૂંટણીના કુરૂક્ષેત્રમાં સેનાઓ બે નહિ પણ ત્રણ સેનાઓ એક બીજાને ભરી પીવા માટે ચૂંટણી યુધ્ધના મેદાનમાં ખાંડા ખખડાવતી ગોઠવાયેલી હતી આમ તો આ ત્રિપાંખીયો જંગ ઉભો કરવાની કુબુધ્ધી તો રાષ્ટ્રીય પાર્ટીની હતી. જેને એમ હતુ કે ‘બે બીલાડા ના યુધ્ધમાં જેમ વાંદરો ફાવે’ તે ન્યાયે મતો અને મતદારોમાં વિભાજન થતા ત્રીપાંખીયો સમરાંગણમાં પોતાને સિંહાસન પાછુ મળી જાય તેવા ભ્રમ ને કારણે હતુ જયારે રાષ્ટ્રવાદી પાર્ટીના જ બળવાખોરો (ખજુરીયા) તેમનું વાજુ વગાડવા માટે ત્રીજા મોરચે શસ્ત્રો સજી ધજી ને ઉભા હતા ! જયારે રાજયની શાણી જનતા આ તમામને પારખીને શાંતીથી આ રાજકીય નાટકની મોજ માણતી હતી.

આખરે ચૂંટણી યુધ્ધ પ્રચાર રૂપે શરૂ થયું. આ યુધ્ધના રેફરી કે નિરીક્ષક તરીકે ચૂંટણી કમિશ્નર રહેલા ટી.એન. શેષાન કડક તો હતા જ સાથે આચાર સંહિતાની કાયદારૂપી અમલવારી અને તેના નિયમોના ભંગ બદલ શિસ્ત ભંગનો કડક દંડ ઉગામીને તેમના નીરીક્ષકોને તૈનાત કરી દીધા હતા. આ કડક ચૂંટણી આચારસંહિતા રૂપી તકાયેલા દંડથી તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રક્રિયા કરનાર વહિવટી તંત્ર અને પોલીસ દળના કર્મચારીઓ, જવાનો અને અધિકારીઓ કયાંક ભૂલ ન થાય કસૂર ન થાય કે ગુન્હા દાખલ ન થાય તે માટે ફફડતા હતા. આવો માહોલ હોવા છતાં જેમ ‘વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે’ તેવો એક કિસ્સો રાજકીય પક્ષે કર્યો !

આમ તો રાજકારણનો મૂળ ઉદેશ સમાજ સેવાનો છે.પરંતુ દેશની સ્વતંત્રતા પછી તેના હેતુમાં ક્રમશ: ફેરફાર થતો ગયો. આઝાદી માટે જે લોકોએ અંગ્રેજો સામે સંગ્રામ ખેલ્યો હતો. તે નિ:સ્વાર્થ, દેશના સમર્પણ માટે બલીદાન અને શહીદીનો સમય હતો. પરંતુ અત્યારે હાલના સંજોગોમાં લોકોમાં એમ કહેવાય છે કે જેના (વ્યકિતના) ધંધા પાણી બરાબર ચાલતા નહોય તેઓ રાજકારણમા પડતા હોય છે. રાજકીય પાર્ટીઓનાં કાર્યકરતાઓ અનેક પ્રકારના હોય છે. જેમાં અમુક તો ખરેખર સમાજ સેવકો હોય છે. તો કોઈક અમુક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે. તો વળી કેટલાક સુખી સમૃધ્ધ લોકો શોખ અને પ્રસિધ્ધિ માટે પણ રાજકારણમાં પડતા હોય છે. તો કોઈક લોકો પોતાના આડા અવળા ધંધા ને કોઈ સરકારી તંત્રો ઘોંચ પરોણા ન કરે તે માટે રાજકારણમાં પડતા હોય છે. તો વળી કેટલાક માથાભારે ગુનેગારો, ગુંડાઓ પણ પોલીસથી બચવા રાજકારણનો ઢાલ રૂપે પણ ઉપયોગ કરતા હોય છે. તો કેટલાક રાજકારણીઓ આવા નપાવટ સમાજના ઉતરેલ ગુંડાની ટોળકી રાખી તેમના તમામ ઉદેશો પારપાડતા હોય છે. આવા કાર્યકરોથી તો આમ જનતા કોઈ મત (વોટ) આપે નહી, પરંતુ રાજકીય પક્ષો આવા તત્વોનો ઉપયોગ હરીફ પાર્ટીના લોકપ્રિય અને સીધાસાદા કાર્યકરો હોય તેને દબાવવા કે નમાવવા કે બેસાડી દેવા માટે કરતા હોય છે. આવા તત્વોને પ્રિન્ટમીડીયા (છાપાવાળા) બાહુબલી’ તરીકેના ઉપનામથી ઓળખે છે. જયારે અમુક કાર્યકરો તો ખાસ હરીફ પક્ષના સભ્યોના મારખાવા કે પોલીસમાં ધરપકડો થવા માટે જ પક્ષમાં રાખ્યા હોય છે. આવા રાંકા કાર્યકરો હરીફ પાર્ટીના પોસ્ટરો ફાડી ને કાંઈક નુકશાન કરી હરીફોના બાહુબલી (કાર્યકરો)ના હાથના મારખાઈને છાપામાં ફોટા છપાવી ગોકીરો કરતા હોય છે. કાંતો આવા રાંકાઓની ધરપકડો થાય ત્યારે સસ્તી પ્રસિધ્ધી માટે ધરપકડ સમયે જમીન ઉપર સુઈ જવાનો ઢોંગ કરતા અથવા તેમને ઉપાડવા પોલીસ ટીંગા ટોળી કરે ત્યારે ને કાંતો ઢોલ જેવા મોટાને પોલીસ ઢસરડીને લઈ જતા હોય તેવા ફોટા છાપામાં પ્રસિધ્ધ કરાવી ને ગૌરવ લેતા હોય છે. જો કે આ ચૂંટણી છે કોઈ દેશની આઝાદી માટેની લડાઈ નથી તે તેમને કદાચ યાદ નહી રહેતુ હોય રાજકોટમાં તો એક આવા ગંદા ભૂતકાળ વાળા રાજકીય કાર્યકરે દિલ્હીથી આવેલા તેમના પક્ષના સર્વોચ્ચ નેતા સમક્ષ પોતે પક્ષ માટે કેટલી વખત હરીફ પક્ષોનો અને પોલીસનો માર ખાધેલો તે ઈજાના નીશાનો (ફૂટેલી આંખ) સહિત વર્ણન કરી પોલીસમાં કેટલી વખત પક્ષીય કાર્યક્રમો (આમ તો બંધારણીય કાયદાના ભંગ બદલ જ!) માં પોલીસમાં ધરપકડો થયેલી તેની હૃદયદ્રાવક રીતે રડીને રજૂઆતો કરેલી જે અંગે છાપાઓમાં પણ આ બાબતે પ્રસિધ્ધી થયેલી ! અને પછી પક્ષે તેમને મોટો હોદો પણ (આના બદલામાં; લાયકાત આ?) આપેલો !

ચૂંટણી કમિશ્નર તરીકે ટી.એન. શેષાન આવ્યા તે પહેલા ચૂંટણીમાં આચારસંહિતા તો નામની હતી સતાધારી પાર્ટીનું મન માન્યું ધાર્યું તુ કેમકે વહીવટી તંત્રમાં તેમના જ માનીતા અધિકારીઓની ફોજ તૈનાત રહેતી સામાન્ય આચાર સંહિતા ભંગની કોઈ નોંધ પણ લેતુ નહી અરે તેતો પ્રથા જ ગણાતી ! પરંતુ શેષાનના કપરા સમયમાં આવો આચારસંહિતા ભંગનો એક કિસ્સો ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો. આચારસંહિતા મુજબ મતદાનના અડતાલીસ કલાક પહેલા જાહેરસભાઓ, રેલીઓ, માઈક ભુંગળા બંધ થયા હતા. મતલબકે ચૂંટણીનું કાયદેસરનું પ્રચાર યુધ્ધ સમાપ્ત થઈ ગયું હતુ. હવે મતદાન શરૂ થવામાં ફકત પંદર સોળ કલાકની જ વાર હતી સાંજના પાંચેક વાગ્યે ફોજદાર જયદેવ, સીપીઅઈ કુબાવત અને ફોજદાર બીજુ ચેમ્બરમાં બેસી ને મતદાન પ્રક્રિયા બંદોબસ્તના કડક સુપરવિઝન અંગે ચર્ચા વિચારણા કરતા હતા, કેમકે મત પેટીઓ અને મતદાન સ્ટાફ પોલીસ દળના જવાનો સાથે ગામે ગામ બુથો ઉપર જવા રવાના થઈ ગયો હતો.માઈક લાઉડ સ્પીકરના ભૂંગળા શાંત થઈ ગયા હતા. હવે તો પ્રચાર થતો હશે તો ડોર ટુ ડોર મીટીંગથી જ થતો હશે તેવામાં ટેલીફોનની ઘંટડી વાગી ફોજદાર બીજુ એ ફોન ઉપાડયો અને ‘હૈ….? બોલતા તેમના મોઢાના હાવભાવ ચિંતાગ્રસ્ત થતા જયદેવે જોયા આથી જયદેવને કાંઈક અમંગળ બન્યાનો અહેસાસ થયો પરંતુ લુચ્ચાઈ પૂર્વક ફોજદાર બીજુ એ ફોન ઉપર જ વળતો જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહી ફોજદાર જયદેવ પાંચ જ મીનીટમાં ત્યાં પહોચ્યા સમજો ને? અને ટેલીફોન રીસીવર નીચે મૂકીને ચહેરાના હાવભાવ બદલાવીને જાણે કશું ગંભીર બન્યું  ન હોય તેમ બીન્દાસ્ત પણે બેઠા ! સીપીઆઈ કુબાવતે આતુરતાથી પૂછયું ‘શું હતુ?’ બીજુએ બીન્દાસ્ત પણે કહ્યું કે કોઈ દારૂડીયાએ ઢસા જંકશન બસ સ્ટેન્ડમાં ડખ્ખો કર્યો છે. અને જયદેવ તરફ જોઈને કહ્યું ‘સાહેબ તમે એમ કરોને જીપ લઈ ઢસા જંકશન એક આંટો મારતા આવો ને?’ જયદેવતો હંમેશા રેડ એલર્ટ તૈયારીમાં રહેવા ટેવાયેલો હતો. આથી રાયટર ગજાનન જાની અને બીજા બે જવાનો ને જીપમા બેસાડી રવાના થયો પણ મનમાં વિચારતો હતો અને તર્ક કરતો હતો કે ફકત દારૂડીયા નીજ બબાલમાં ફોજદાર બીજુના ચહેરાના હાવ ભાવ ફરી જાય નહિ અને ‘હૈ..?’ એ રીતે અવાજ ફરી જાય નહી કાંઈક ગંભીર હોવું જોઈએ કેમકે ઉગામેડી ગામે હીરા ઘસુઓએ ડખો કરેલો અને ટેલીફોન બીજુ ઉપર આવેલો ત્યારે પણ તેણે સત્ય હકિકત છુપાવી હતી જયદેવને ખ્યાલ હતો કે ઢસા જંકશન અને ઢસા ગામ બંનેમાં તેલીયા રાજાઓ, સહકારી અગ્રણીઓ અને ટ્રાવેલ ઓપરેટરોની ખટપટો એક સમાન જ હતી. બંને ગામો વચ્ચે ત્રણ કીલોમીટરનું અંતરતો નામનું હતુ વસ્તી સળંગ હતી. ગઢડા બહાર નીકળતા પેટ્રોલ પંપ આવતા જયદેવે ત્યાં જીપ ને ઉભી રખાવી ત્યાંથી પોલીસ સ્ટેશન ફોન લગાડી સીપીઆઈ કુબાવત જોડે વાત કરીને કહ્યું કે આ ઢસાનો જે ફોન આવ્યો તે કાંઈક આવતીકાલની ચૂંટણી પ્રક્રિયા સંબંધે જ બબાલ હોય તોજ ટેલીફોન આવ્યો હોય અને અને તો જ ફોન ઉપર વાતચીત કરતા ફોજદાર બીજુના હાવભાવ ફરી ગયા હોય ! અને જયદેવે ધીમેથી ઉમેર્યું કે આતો ટી.એન. શેષાન છે.તેથી કોઈ અધિકારીઓ પોતા ઉપર જવાબદારી રાખશે નહી. જયદેવે આટલી વાત કરતા જ નિવૃત્તિના મહિના ગણી રહેલા પીઢ અને અનુભવી કુબાવત કે જેને જયદેવની કુનેહ અને તર્ક શકિતનો અનુભવ ગઢડા ક્ધયાશાળા પ્રકરણમાં થઈ જ ગયો હતો તેણે તુર્તજ કહ્યું ‘હું તો નીકળ્યો જ પરંતુ ફોજદાર બીજુ થોડા બહારગયા છે તેને પણ ઢસા તાત્કાલીક પહોચવાનો કડક આદેશ મૂકતો આવું છું આમ કુબાવત રવાના થયા અને ઢસા ગામ આવતા સુધીમાં તો જયદેવને આંબી ગયા ઢસા ગામમાંથી પસાર થતો રાજકોટ-ભાવનગર હાઈવે ક્રોસ કરી થોડે આગળ જતા જ ઢસા જંકશન સુધીના માર્ગ ઉપર દુકાનો બંધ હતી અને જે રસ્તો સામાન્ય રીતે ધમધમતો હોય તે સુમસામ જણાતો હતો. જયદેવને કાંઈક અમંગળ થયાનો અહેસાસ પાકકો થયો કે કાંઈક મોટાપાયે બબાલ લાગે છે.ઢસા જંકશન ગામમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વચ્ચેથી જ દામનગર તરફ જતો રસ્તો આંબરડી ઢોરે થઈ ને જતો હતો. આંબરડી ઢોરો ઢસા જંકશન રેલવે સ્ટેશન ને અડીને જ આવેલો વિસ્તાર હતો. પરંતુ તે વિસ્તાર અમરેલી જિલ્લાના દામનગર પોલીસ સ્ટેશનનું જયુરીડીકશન હતુ આ ગામની પડતર રાવળી જમીનમાં ઢસા જંકશન રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં આવતા જતા અન્ય લોકોએ ઝુંપડપટ્ટી આવાસ બનાવી નાખ્યા હતા. જોકે પછી તો ખૂબ વિકાસ થઈ આંબરડી ગ્રામ પંચાયત પણ બનેલી આ જગ્યાએ અગાઉ અનેક પ્રકારની અસામાજીક પ્રવૃત્તિઓ થતી તેથી જયારે જયદેવ દામનગર પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આ ઢોરા વાળા કેટલાયને સીધા દોર કરેલા પણ આતો ગુનેગારોનું ‘કુતરાની પુંછડી વાંકી ને વાંકી’ જેવું સુધરે જ નહી જેવું વાતાવરણ હળવું થાય કડક અધિકારી બદલાય એટલે તેમના પાટલા અને રોન કાઢવાનું ચાલુ જ ! ખાસ કરીને આવી બે જીલ્લાની સરહદો ઉપર છેવાડે અને રેલવે જંકશન અને હાઈવે નજીક હોય પછી શું બાકી રહે ? ટુંકમાં આ ઢોરો તમામ ગુનેગારોનું આશ્રય સ્થાન બનેલો.

આ મુખ્ય રોડ અને ઢસા જંકશનની મેઈન બજારમાં જ ગઢડાથાણાની ઢસા આઉટ પોસ્ટ પોલીસ ચોકી આવેલી હતી ત્યાં પહોચતા જ જમાદાર ચુડાસમા અને એક કોન્સ્ટેબલ વિલે મોઢે ઉભા હતા હજુ ચોકીનાં પગથીયા ચડતા હતા ત્યાં જ ફોજદાર બીજુ ‘મારતે ઘોડે’ રીકવીજીટ વાહન લઈને દોડી આવ્યા જમાદારે જે વાત કરી તે સાંભળી કુબાવત આવી પડનાર કડક કાર્યવાહી જે ચૂંટણી પંચ કદાચ જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ કરવાનું હતુ આમ તો (શેષાનની ધાક) તેમાં કાં તો ફરજ મોકૂફી અથવા બદલી તો થાય જ તેની પૂરી સંભાવના હતી તેથી સીપીઆઈ કુબાવત ફફડી ઉઠ્યા તો ફોજદાર બીજુ પણ બનવાની ગંભીરતા અને તેના પ્રત્યાઘાત રૂપે લેવાનાર પગલાની આશંકાએ ચિંતાગ્રસ્ત થતા જ સીગારેટ ઉપર હાથ અજમાવ્યો.

વાત એમ હતી કે જૂની સતાધારી રાષ્ટ્રીય પાર્ટીએ તેની જૂની ચીલાચાલુ પધ્ધતી એ અને આદત મુજબ રાષ્ટ્રવાદીઓ અને તેમના ટેકેદારો તથા મતદારો ઉપર ધાક બેસાડવા અમૂક આંબરડી ઢોરાના લુખ્ખા, અમુક ઢસા ગામના અને કેટલાક જંકશનના ઉતાર ભેગા કરી બીજા દિવસે થનાર મતદાન ઉપર અસર પડે તે હેતુથી રાષ્ટ્રવાદીઓનાં જે ચુસ્ત ટેકેદારો અને સૈનિકો કે જેઓ મતદાન કરાવવા દોડાદોડી કરે તેવા હતા તેમનીદુકાનો, કચેરીઓ, થડા કે પેઢીઓ ઉપર આચાર સંહિતા મુજબ રેલી કાઢવાની મનાઈ હોવા છતા રેલી રૂપે ઘસી જઈ ધોલથપાટ અને મારમારી ધમકીઓ આપી ‘બળ’નું પ્રદર્શન કર્યું હતુ. આ કારસ્તાનમાં પીઠ બળ રાષ્ટ્રીય પાર્ટીના એક જૂના અગ્રણી અને ઉદ્યોગપતી ઓઈલ મીલરનું હતુ. આ બનાવ બનતા રાષ્ટ્રવાદીઓ બસ સ્ટેન્ડ પાછળની એક બીજી ઓઈલ મીલની પેઢી કે જેના માલીક સહકારી આગેવાન પણ હતા ત્યાં એકઠા થયા હતા અને ભાવનગર ખાતે પક્ષના મુખ્ય કાર્યાલયમાં ફોનથી બનાવની જાણ કરી કાયદેસરનું માર્ગદર્શન મેળવેલુ અને ચાર જગ્યાએ (ભર બજારમાં) ચાર જણાને રેલી કાઢીને મારેલા તેની અલગ અલગ ફરિયાદો રાષ્ટ્રીય પક્ષના કાર્યકરો આગેવાનો વિરૂધ્ધ લખાવવા મકકમ પણે તૈયાર થઈને બેઠા હતા. જમાદાર ચુડાસમાએ કહ્યું કે આ રાષ્ટ્રવાદીઓ પોલીસથી ખૂબ જ નારાજ છે. અને પોલીસ વિશે બેફામ બોલે છે. અને કહે છે કે ચૂંટણીના જવાબદાર અધિકારીની હાજરીમાં જ ચાર ફરિયાદ આપવાનું કહે છે.

જોકે એકી સાથે ચાર એફઆઈઆર ચૂંટણી આચારસંહિતા ભંગ કરી રેલી કાઢી હુલ્લડ કરી મારમાર્યાની નોંધાય તો ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગયાનું જ પ્રસ્થાપીત થાય તે સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપર આક્ષેપો તો થાય જ , કેમકે ફોજદાર બીજુ ઉપર તો આ રાષ્ટ્રવાદીઓ ને અગાઉથી જ નારાજગી હતી જ. આથી ચૂંટણી કમિશન કાંઈક તો આકરી કાર્યવાહી કરી એટલીસ્ટ  આક્ષેપીત પોલીસ અધિકારીઓની બદલીઓ તો થાયજ. સીપીઆઈ કુબાવતને હવે નિવૃતીને ચાર પાંચ મહિના જ બાકી હતા જો ઈન્કવાયરી ઉભી થાય તો પેન્સન લટકી પડે. જયારે ફોજદાર બીજુને અમેરિકા જવાની ઉતાવળ હતી જો ઈન્કવાયરી ઉભી થાય તો ‘વિઝા’ લટકી પડે તો? તેની મુંઝવણ હતી.

આમ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ એજ ઉભા થયેલા સંકટમય માહોલથી બંને ઘાંઘા વાંધા થઈ ગયા કેમકે બંનેને ખબર હતી કે આ રાષ્ટ્રવાદી આગેવાનો તેમનો જરાપણ ભરોસો કરતા નહતા. તમામને એમ હતુ કે હવે શું કરવું? આમ તમામને પરસેવો વળી ગયો હતો. જમાદાર ચુડાસમા તો સાવ સુનમુન થઈ ગયા હતા. પરંતુ હંમેશા વિકટ સંજોગોમાં અડગ રહેવા ટેવાયેલા જયદેવે આ મુશ્કેલ ‘ઝંડો પોતાના હાથમાં લીધો’ અને તમામને કહ્યું તમે અહિં બજારમાં હવે બીજો બનાવ ન બને તેની તકેદારી રાખો હું રાષ્ટ્રવાદીઓ અને ભોગ બનનારાઓ પાસે જાઉ છું આથી સીપીઆઈ કુબાવત અને ફોજદાર બીજુ ને હાશકારો થયો કે આપણે રાષ્ટ્રવાદીઓના આક્ષેપોના આક્રમણનો સામનો તો કરવો ટળ્યો?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.