Abtak Media Google News

રેકિંગમાં સતત ત્રીજા વર્ષે 4 સ્ટાર : મેન્ટર યુનિવર્સિટી જાહેર: પ્રેમસ્વરૂપસ્વામી અને ત્યાગવલ્લભસ્વામીએ આનંદ વ્યકત કરી અભિનંદન આપ્યાં

 

અબતક, રાજકોટ

ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્યરત ઈન્સ્ટિયુશન્સ ઇનોવેશન કાઉન્સીલ દ્વારા રાજકોટની આત્મીય યુનિવર્સિટીને ચાર સ્ટાર એનાયત કરવામાં આવ્યા છે.  ઇનોવેશન  કાઉન્સીલ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ રેન્કિંગમાં  આત્મીય યુનિવર્સિટીને અગ્રક્રમે જાહેર કરવામાં આવી છે.  આત્મીય યુનિવર્સિટીએ આ સિધ્ધી સતત ત્રીજા વર્ષે મેળવીને હેટ્રીક કરી છે.

ભારતની જનતામાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને પાંખ આપવા તત્કાલિન પ્રધાનમંત્રી દ્વારા ઇ.સ. 2010થી 2020ના દાયકાને ‘ઇનોવેશનનો દાયકો’ જાહેર કરવામાં આવ્યો હતો.  વિશ્વમાં ભારતને નઇનોવેશન હબથ તરીકે ઓળખ મળે તે માટે યુવાનો અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે.  યુવાનોના વિચારો, સર્જનાત્મકતા અને સંશોધનોને માનવસમાજ માટે ઉપયોગી શોધોમાં રૂપાંતરિત કરવામાં વિશ્વવિદ્યાલયોએ ઉદ્દીપકની ભૂમિકા ભજવવાની છે.

વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ઇનોવેશન તેમજ ઉદ્યમ સાહસિકતાનો વિકાસ થાય તેવી યોજનાઓ અમલમાં મુકનારાં ઉચ્ચ શિક્ષણનાં યુનિવર્સિટી સહિતનાં સંસ્થાનોને ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય ‘રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઇનોવેશન’ અંતર્ગત એક પધ્ધતિ અનુસરીને દર વર્ષે તારાંકિત અને ક્રમાંકિત કરે છે.

આત્મીય યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર અને યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સીલના અધ્યક્ષ ડો. આશિષ કોઠારીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020-થ21માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાં સંસ્થાનોમાં ગુજરાતમાંથી માત્ર બે યુનિવર્સિટીને ચાર સ્ટારથી તારાંકિત જાહેર કરવામાં આવી છે.   તેમાં આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ ક્રમે સમાવેશ થાય છે.  આ માટેનાં માપદંડોમાં યુનિવર્સિટીમાં કાર્યરત ઇનોવેશન કાઉન્સીલની વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ખીલવણીમાં અને સંશોધનો માટે અનુકૂળ વાતાવરણ સર્જવામાં ભૂમિકાને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે.

આત્મીય યુનિવર્સિટીની અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓ સંશોધન ક્ષેત્રે પ્રવૃત્ત બને, ઉદ્યમ સાહસિક બને, રોજગારીનું સર્જન કરનાર બની રહે અને તેણે વિકસાવેલ પધ્ધતિ, પ્રણાલી કે વસ્તુ લોકોપયોગી બની રહે તેના પર ભાર મુકવામાં આવે છે.  વિચાર અને અનુસંધાનને સ્ટાર્ટ-અપ સુધી પહોંચાડવામાં સંસ્થાનની ભૂમિકા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે.  શિક્ષણ મંત્રાલય અંતર્ગત ઈન્સ્ટિયુશન્સ ઇનોવેશન કાઉન્સીલ દ્વારા પ્રસ્તાવિત  સ્ટાર્ટ-અપ રિલેટેડ જુદીજુદી આઠ પ્રવૃત્તિઓ કરવાની હોય છે.  પરંતુ આત્મીય યુનિવર્સિટીએ આઠને બદલે સતર પ્રવૃત્તિઓ કરીને અગ્રક્રમે રહેવામાં મેદાન માર્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આત્મીય યુનિવર્સિટીએ સતત ત્રીજી વખત ફોર સ્ટાર પ્રાપ્ત કરતાં ઈન્સ્ટિયુશન્સ ઇનોવેશન કાઉન્સીલે તેનો મેન્ટર યુનિવર્સિટીની યાદીમાં સમાવેશ કર્યો છે.  હવે આત્મીય યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણનાં અન્ય પાંચ સંસ્થાનોને માર્ગદર્શન આપવાનું રહેશે.  આમ, દેશમાં ટેક્નોલોજીના ક્ષેત્રે ઇનોવેશનમાં આત્મીય યુનિવર્સિટી મહત્વની ભૂમિકા ભજવશે.

યોગી ડિવાઇન સોસાયટીના અધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ હરિધામથી પાઠવેલ આશીર્વાદ સંદેશમાં જણાવ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણની સદવિદ્યા પ્રવર્તનની આજ્ઞા પ્રમાણે ગુરુદેવ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીનાં માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શૈક્ષણિક સુવિધા ઉભી થઈ છે.  તેનો લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓ પ્રગતિ કરી રહ્યા છે તે જાણીને ખૂબ આનંદ થાય છે.  તેઓએ આ સફળતામાં સહભાગી તમામને અભિનંદન આપ્યાં છે.  વિદ્યાર્થીઓની શોધવૃત્તિને ખીલવવામાં તેમજ કૌશલ્ય અને જ્ઞાન પ્રદાન માટે અધ્યાપકો હજુ વધુ સારી ભૂમિકા ભજવશે એવી શ્રધ્ધા પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ વ્યક્ત કરી છે.

આત્મીય યુનિવર્સિટીનાં અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ સતત ત્રીજા વર્ષે મળેલી  આ સિધ્ધિ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી છેલ્લા ચાર દાયકાઓમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવાના પ્રયત્ન કર્યા છે તે આ રેન્કિંગથી વધુ એક વખત પ્રમાણિત થયા છે.

આ સિધ્ધી માટે આત્મીય યુનિવર્સિટીનાં પ્રો-ચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રન, વાઇસચાન્સેલર ડો. શિવકુમાર ત્રિપાઠી, ઇનોવેશન કાઉન્સીલનાં અધ્યક્ષ ડો. આશિષ કોઠારી, સંયોજક પ્રો. કેયૂર પરમાર તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.