Abtak Media Google News

પંચમહાલ જિલ્લાના ગોધરા અતિ સંવેદનસીલ ગણવામાં આવતું હોવાથી રાજયના એટીએસ અને ગુપ્તચર તંત્રની બાજ નજર રહેતી હોય છે. ત્યારે ગોધરાના કેટલાક શખ્સો દેશ વિરોધી પ્રવૃતિ કરી રહ્યાની બાતમીના આધારે રાજયના એટીએસની ટીમે પંચમહાલ એલસીબી અને એસઓજીને સાથે રાખી છ જેટલા શકમંદોની અટકાયત કરી વિશેષ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. શકમંદોના મોબાઇલની ઉંડાણ પૂર્વકની તપાસ બાદ કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પંચમહાલ એલસીબી અને એસઓજીની ટીમને સાથે રાખી એટીએસનું ગુપ્ત ઓપરેશન

ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમને સાથે રાખી અત્યંત ગોપનીય રીતે સર્ચ ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ ગતિવિધિ સાથે સંકળાયેલા 6 ઇસમોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ હતી.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમા રહેતા કેટલાક ઈસમો દ્વારા લાંબા સમયથી દેશવિરોધી શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. જેના આધારે ગુરુવારે વહેલી સવારે પશ્ચિમ વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કુલ 6 ઇસમોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળેલ છે. એટીએસ દ્વારા પંચમહાલ એલસીબી અને એસઓજી પોલીસને પણ સાથે રખાઈ હતી.

આ તમામ ઇસમોની અટકાયત કરીને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ હેડ ક્વાર્ટર ખાતે વધુ પૂછપરછ માટે લઇ જવાયા હતાં. અગાઉ પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ગોધરા શહેરના કેટલાક ઇસમોની દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ અટકાયત કરાઈ હતી. જેમાં નેવી અધિકારીને હની ટ્રેપમાં ફસાવવામાં મદદગારી કરવાના ગુનામાં ગોધરાના રહીશની અટકાયત કરાઈ હતી. દરમિયાન વધુ એકવાર દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ગોધરાનું નામ ઉછળતા આજે દિવસભર ચાલેલી ચર્ચાએ ચકચાર મચાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.