• બજરંગદાસ બાપાના અનન્ય સેવક
  • મનજીદાદાનો પાર્થિવ દેહ આજ સાંજથી કાલ બપોર સુધી બગદાણામાં ભાવિકો માટે દર્શનાર્થે રખાશે: કાલે સાંજે અંતિમવિધી

Gujarat News

સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તિર્થધામ બગદાણાના બાપા સિતારામ ગુરૂ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક મનજીદાદાનું આજે સવારે પરલોક ગમન થયું છે. મનજીદાદાના નિધનથી ભાવિકોમાં ઉંડા શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેઓના અંતિમ દર્શન માટે આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ભાવિકો બગદાણા ખાતે પહોંચી ગયા હતા.

જનકભાઇ મનજીભાઇ કાછડિયા, કિરીટભાઇ મનજીભાઇ કાછડિયા અને શૈલેષભાઇ મનજીભાઇ કાછડિયાના જણાવ્યાનુસાર પરમ સદ્ગુરૂદેવ બજરંગદાસ બાપાના અનન્ય સેવક, ભાવિકોના વડિલ અને માર્ગદર્શક બગદાણાના ગુરૂ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મનજીદાદાનું આજે સવારે પરલોક ગમન થયું છે. તેઓનો પાર્થિવદેહ આજે બપોરે 4 કલાકથી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણામાં બગદાણાથી ધરાઇ રોડ ચોકડી ખાતે ભાવિકો માટે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. આવતીકાલે બપોરે 3 કલાકે તેઓની અંતિમ યાત્રા નિકળશે.

પૂ.મનજીદાદા સંત શિરોમણી પૂ.બજરંગદાસ બાપાના અનન્ય સેવક હતા. બાપા સિતારામના પરલોક ગમન બાદ તેઓની સ્મૃતિમાં પૂ.મનજીદાદાએ બગદાણામાં ગુરૂ આશ્રમની સ્થાપના કરી હતી. જે હાલ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં એક પવિત્ર તિર્થધામ બની ગયું છે. બગદાણાના ગુરૂ આશ્રમ ખાતે રોજ હજ્જારો લોકો દર્શનાર્થે આવે છે. અહીં કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના ભાવિકોને ભોજન સ્વરૂપે પ્રસાદ પીરસવામાં આવે છે. અહીંના સ્વયં સેવકોની વ્યવસ્થાની નોંધ સર્વત્ર લેવામાં આવી રહી છે.

બજરંગદાસ બાપાના અનન્ય સેવક મનજીદાદાનું નિધન થયાના સમાચાર દેશ-વિદેશમાં વાયુ વેગે ફેલાઇ ગયા હતા. મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં શિષ્યો, અનુયાયીઓ બગદાણા ખાતે દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.