Abtak Media Google News
  • બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર

હારીજ-ચાણસ્મા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ હાઇવે પર હિટ રન એન્ડની ઘટના સામે આવી છે. બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમા ચારની હાલત અતિગંભીર છે.

અકસ્માત અંગે મળતી માહિતી મુજબ બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહનચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બે મહિલા અને એક કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચારની હાલત અતિગંભીર હોવાની માહિતી મળી રહી છે.

પગપાળા સંઘને અજાણ્યા વાહનચાલકે મારેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે માતાજીનો રથ રોડ પરથી સાઈડની ઝાડીઓમાં ફંગોળાઇ ગયો હતો. આ અંગે હારીજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માત અંગે હારીજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી કે ચૌધરીએ જણાવ્યું હતું કે, બહુચરાજીના અંબાલા ગામેથી 35 જેટલા પદયાત્રીઓ વરાણા ખોડિયાર માતાના મંદિરે રથ લઈને જતા હતા,

જ્યાં રસ્તામાં અજાણ્યા આઇસર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ત્રણનાં મોત થયાં છે અને પાંચ લોકોને ઇજાઓ થતા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર હિટ એન્ડ રનમાં મોતને ભેંટેલા તેમજ ઈજાગ્રસ્ત યાત્રિકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોમાં પૂજાબેન જયરામજી (ઉ.વ.20), રોશનીબેન જગાજી (ઉ.વ.16), શારદાબેન કડવાજી (ઉ.વ.62)ની ઓળખ કરવામાં આવી છે જયારે મહેન્દ્રભાઈ ઠાકોર (ઉ.વ.25), રાહુલભાઇ મગનજી ઠાકોર (ઉ.વ.18), નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉ.વ.13), સવિતાબેન નાગજી ઠાકોર (ઉ.વ. 45) અને સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર (ઉ.વ.18) ઈજાગ્રસ્ત થયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.