Abtak Media Google News

અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા આઝમગઢના 13 શખ્સો પૈકી 6ને ફાંસીની સજા થઇ

Advertisement

અબતક,રાજકોટ

અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસની સુનાવણી પુરી થયા બાદ ગઇકાલે સ્પેશ્યલ કોર્ટ દ્વારા જાહેર થયેલી સજામાં 38 શખ્સોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તે પૈકી છ શખ્સો ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની છે. ડી’ ગેંગ સાથે કનેકશન ધરાવતા આઝમગઢ આંતકી પ્રવૃતિ માટે એપી સેન્ટર બની ગયું છે. છેલ્લા અઢી દાયકામાં બનેલી લોહીયાળ ઘટનામાં આઝમગઢ કનેકશન ખુલ્યુ છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ, જયપુર બોમ્બ બ્લાસ્ટ, દિલ્હી બોમ્બ બ્લાસ્ટ, જેતપુરના દેવ્યાની ડાંઇગના મેનેજરની હત્યા અને રાજકોટના હરેન્દ્ર લોઢીયાની હત્યા સહિતના અનેક ગુનામાં આઝમગઢના શખ્સોની સંડોવણી ખુલ્લી હોવાથી આઝમગઢમાં ચાલતી દેશ વિરોધી પ્રવૃતિ તંત્ર માટે પડકાર સમાન બની ગઇ છે.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની ભરૂચથી મહત્વની કડી મળ્યા બાદ આઝમગઢ કનેકશન બહાર આવતા પોલીસની એક ટીમ આઝમગઢ પહોચી હતી અને એક સાથે 13 શખ્સોની ધરપકડ કરી ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા હતા. જેમાં આઝમગઢના બીનાપુરા ગામના અબુબસર ઉર્ફે મુફતી ઉર્ફે અબ્દુલ રસીદ અબુબકર શેખ મુખ્ય સુત્રધાર હતો તેને દોષિત જાહેર કરાયા બાદ સજા સામે રહેમ રાખવા માટે કોર્ટમાં અરજ કરવાના બદલે જેહાદી પ્રવૃતિ વધુ વકરે તેવું વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ કર્યુ હતું. આઝમગઢના 13 શખ્સો પૈકી છ શખ્સોને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

દિલ્હી બહુ ચકચારી બાટલા હાઉસ પ્રકરણમાં પણ આઝમગઢ કનેકશન ખુલ્યું હતું. જેમાં મુખ્ય સુત્રધાર તરીકે આઝમગઢના આરીજખાનની સંડોવણી બહાર આવી હતી. દિલ્હી ઉપરાંત જયપુર, અમદાવાદ અને યુપીની કોર્ટમાં પણ વિસ્ફોટ કર્યાનું ખુલ્લું છે. બાટલા હાઉસ પ્રકરણમાં થયેલા એન્કાઉન્ટર ફેક હોવાની ચર્ચાએ ચકચાર જગાડયા બાદ આખરે એન્કાઉન્ટરની ઘટનામાં પોલીસ નિર્દોષ હોવાનું બહાર આવ્યું હતું.

જેતપુરમાં આવેલા દેવ્યાની ડાંઇગના માલિક અરવિંદભાઇની હત્યાની સોપારી પણ આઝમગઢના શખ્સોએ 1999માં લીધી હતી. આઝમગઢથી આવેલા શાર્પ શુટરોએ રાજકોટમાંથી કારની ચોરી કરી જેતપુર દેવ્યાની ડાંઇગ ખાતે ગયા ત્યારે ડાંઇગના માલિક અરવિંદભાઇની ખુરશીમાં ડાંઇગના મેનેજર અરવિંદ રાખોલીયા બેઠા હોવાથી આઝમગઢના શાર્પ શુટરોએ તેની હત્યા કરી ભાગી ગયાનું રાજકોટ રૂરલ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

જ્યારે રાજકોટના પ્રહલાદ પ્લોટમાં હરેન્દ્ર લોઢીયાની હત્યાની સોપારી પણ આઝમગઢના શખ્સોએ લીધી હતી. રાજકોટના સોની વેપારી હરેન્દ્ર લોઢીયાને દરજી યુવતી ચાંદની સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ લગ્ન કર્યા બાદ દુબઇ જતા રહ્યા હતા. દરમિયાન દુબઇમાં ચાંદનીના પરિચયમાં આવેલા અમદાવાદના સોની વેપારી સાથે પ્રેમ સંબંધ બંધાતા પોતાના પતિ હરેન્દ્ર લોઢીયાની હત્યા માટે ચાંદનીએ દુબઇમાં અનિશ ઇબ્રાહીમને સોપારી આપતા તેને આઝમગઢના શાર્પ શુટરને રાજકોટ મોકલી પ્રહલાદ પ્લોટમાં જ હરેન્દ્ર લોઢીયા પર ફાયરિંગ કરી હત્યા કરી હોવાનું રાજકોટ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

અંધારી આલમના માફિયા દાઉદ ઇબ્રાહીમના ભાઇ ઇકબાલ ઇબ્રાહીમની ઇડીએ ધરપકડ કરી આર્થિક વ્યવહારોની તપાસ ચાલી રહી છે. આંતકવાદને ખતમ કરવા કાયદાકીય વ્યુહ સાથે આગળ ધપી આંતકીઓને પુરા પાડતા ફંડ ન મળે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિલ્હી અને જયપુરના બોમ્બ બ્લાસ્ટના ગુનામાં પણ આઝમગઢના શખ્સોની સંડોવણી ખુલ્લી’તી

રાજકોટના હરેન્દ્ર લોઢીયા હત્યા અને જેતપુરના દેવ્યાની ડાંઇગના મેનેજરની હ્ત્યામાં આઝમગઢ કનેકશન

બોમ્બકાંડના મુખ્ય સુત્રધારને યુપીથી લાવવા મોદીએ ખાસ પ્લેન ફાળવ્યું

બોમ્બ બ્લાસ્ટના ગુનાનો પર્દાફાસ કરવા તંત્ર દ્વારા તપાસ ટીમને પુરતો સહયોગ અને સગવડ પુરા પાડયા હતા. ભરૂચથી મળેલી કડી બાદ પગેરૂ ઉત્તર પ્રદેશના આઝમગઢ બીનાપુરા ખાતે નીકળ્યું હતુ. બીનાપુરાના અબુબસર ઉર્ફે મુફતી ઉર્ફે અબ્દુલ રસીદ અબુબકર શેખને ઝડપી ગુજરાત લાવવા માટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ વિમાનની વ્યવસ્થા કરી આપતા પોલીસે અબુબસર ઉર્ફે મુફતી શેખ સહિત 13 શખ્સોની ધરપકડ કરી ગુજરાત લાવવામાં આવ્યા હતા. જેમાં અબુબસર ઉર્ફે મુફતી શેખને પણ અદાલતે ફાંસીની સજા ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.