Abtak Media Google News

બાપુ સિવાયના કોંગ્રેસના ૭ ધારાસભ્યોના રાજીનામા: કોંગ્રેસ સામે મોરચો માંડનારા ધારાસભ્યોને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ લડત કરશે

રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ચિંતામાં વધારો કરનારા બાગી કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ વિરુધ્ધ મતદાન કર્યા બાદ આ તમામ ધારાસભ્યોએ પોતાના પદેથી રાજીનામા આપ્યા છે અને અધ્યક્ષે તેનો સ્વીકાર પણ કર્યો છે. હવે આ તમામ ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાશે અને કોંગ્રેસ સામે મોરચો માંડશે.

બીજી તરફ રાજયસભા ચૂંટણીમાં ક્રોષ વોટીંગ કરનાર ધારાસભ્યો ચૂંટણી લડવા માટે ૬ વર્ષ ગેરલાયક ઠરે તે માટે કાયદેસરની કાર્યવાહી કોંગ્રેસ કરશે તેવું પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે બાગી નેતાઓ ભાજપમાં જોડાય અને નુકશાન પહોંચાડે તેની સામે કાર્યવાહી કરવા તૈયાર થઈ ચૂકયું છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાસે ખાલી પડેલી બેઠકો માટે ૧૫૦૦ જેટલી અરજીઓ પણ આવી ચૂકી છે તેમાં ઘણા નવા ચહેરાઓ છે.

તો બીજી તરફ બાગી કોંગી નેતાઓ ભાજપમાં જોડાવાનું પહેલેથી જ મન બનાવી ચૂકયા છે. તેના પરિણામે હવે વિધાનસભામાં કોંગ્રેસને વધુ ફટકો પડે તેવી સ્થિતિ પણ પેદા થઈ છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરનારા કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ગુરુવારે રાત્રે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામા સુપરત કર્યા છે. આગામી ટૂંક સમયમાં આ ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરશે. વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાએ સાતેય ધારાસભ્યોએ સ્વેચ્છાએ રાજીનામાં આપ્યા હોવાનું જણાવી તમામના રાજીનામા સ્વીકાર્યા હોવાનું જણાવ્યું છે. અલબત્ત, વિરોધપક્ષના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ હજુ સુધી રાજીનામું આપ્યું નથી. શંકરસિંહ વાઘેલા ક્યા કારણોસર રાજીનામુ નથી આપતા એ અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોમાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા ઉપરાંત રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, અમિત ચૌધરી, ભોળાભાઈ ગોહેલ અને કરમશી કોળીપટેલનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોમાંથી શંકરસિંહને બાદ કરતાં અન્ય સાત ધારાસભ્યોએ શુક્રવારે ધારાસભ્યપદેથી રાજીનામા આપી દીધા છે. રાજીનામા ધરી દીધા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ ધારાસભ્યોએ ભાજપમાં જોડાવા અંગે જણાવ્યું કે, ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે અને આગામી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ જશે. સંભવત: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં આ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાએ જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે ૯.૩૦ કલાકે સાત ધારાસભ્યોએ તેમના નિવાસસ્થાને આવીને કોઈપણ દબાણ, ધાકધમકી વિના પોતાની રાજીખુશીથી સ્વૈચ્છિક રીતે રાજીનામા આપ્યા છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ન આપીને તેમની લડાઈ હજુ પણ જારી રાખવાનો સંકેત આપ્યો હોવાનું રાજકીય વર્તુળોમાંચર્ચાઈ રહ્યું છે.

ચુંટણીપંચના નિર્ણયને બળવંતસિંહ સુપ્રીમમાં પડકારશે

રાજ્યસભાની ચૂંટણીની મતદાન કામગીરી દરમિયાન કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ શક્તિસિંહ ગોહિલને પોતાનું મતપત્રક બતાવ્યા બાદ ભાજપના પણ એજન્ટને તે બતાવ્યું હોવાના મુદ્દે કોંગ્રેસની ફરીયાદના આધારે આ બંનેના મત કેન્દ્રીય ચૂંટણી પંચે રદ કયા બાદ હવે આ મુદ્દે ભાજપના હારેલા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં લઇ જવાની કવાયત આદરી છે જેના ભાગરૂપે તે છેલ્લા બે દિવસથી નવી દિલ્હી જઇને કાનૂની સલાહ લઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વખત કોઇપણ ચૂંટણી પ્રોસેસ શરૂ થાય એટલે રીટર્નિંગ ઓફિસર જ ફાઇનલ ઓથોરિટી રહે છે. કોઇપણ વાંધા-વચકા કે તકરાર હોય તો તે રીટર્નિંગ ઑફિસર સમક્ષ જ રજૂ કરવાની રહે છે.કોંગ્રેસના ચૂંટણી એજન્ટ શકિતસિંહ ગોહિલે રીટર્નિંગ ઓફિસર પાસે આ બે મત રદ કરવા માગણી કરી હતી, પરંતુ રીટર્નિંગ ઓફિસરે શક્તિસિંહની વાત ફગાવી દીધી હતી. અને તેમાં કોઇ દમ નથી, અમે બનાવ સમયે હાજર હતા તેવું તારણ આપી વાંધાઓ રદ કર્યો હતો. આ પછી કોંગી નેતાઓ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર પાસે દોડેલા જયાં લાંબી રજૂઆતો પછી કોંગ્રેસના બાગી બંને ધારાસભ્યોના મત રદ કર્યા હતા અને કોંગ્રેસના અહેમદભાઇ પટેલ ભાજપના બલવંતસિંહ રાજપૂતને હરાવી વિજેતા થયા હતા. ભાજપ વર્તુળો કહે છે કે ચૂંટણી પંચને આવો કોઇ અધિકાર નથી. રીટર્નિંગ ઓફિસરની ઉપર કોઇ નથી. રીટર્નિંગ ઓફિસરના નિર્ણય અંગે કોઇ વાંધા-વચકા, તકરાર હોય તો માત્રને માત્ર કોર્ટ સમક્ષ જ જઇ શકાય, ચૂંટણી પંચનો આમા કોઇ રોલ હોતો નથી. આ મુદ્દે ભાજપના હારી ગયેલા ઉમેદવાર બલવંતસિંહજી રાજપૂત સંભવત: સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના હુકમને પડકારી રહ્યાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.