Abtak Media Google News

બિન અનામત વર્ગને વધુ ૨૫ ટકા અનામત કવોટા ફાળવવા વિધાનસભામાં બિલ લઈ આવશું: શંકરસિંહનું ચૂંટણી વચન

વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષોએ વચનોની લ્હાણી શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ અનામત કોને અને કેટલું આપવું તે અંગેની મુંઝવણ અનુભવી રહ્યાં છે. ત્યારે જન વિકલ્પ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ અનામત કવોટા અંગે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. તેમણે સત્તા મળશે તો બિન અનામત વર્ગને વધુ ૨૫ ટકા અનામત કવોટા ફાળવવાનું વચન આપ્યું છે.

Advertisement

તેમણે ગઈકાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રાજયમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસથી પ્રજા કંટાળી ગઈ છે. બન્ને પક્ષોની હુંસાતુંસી અને તમાસાથી પ્રજા ત્રાસી ગઈ છે. રાજકારણ એ વેપાર નથી અને ઉમેદવારને છેતરવા માટેનો કોઈ કિમીયો નથી. જેથી લોકોને વિકલ્પ આપવા માટે જ જન વિકલ્પ છે. ભાજપ-કોંગ્રેસથી કંટાળેલી પ્રજા પોતાની રીતે પક્ષાપક્ષીથી દૂર રહીને જન વિકલ્પના નેતાઓની પસંદગી કરશે તેવો મત શંકરસિંહ વાઘેલાએ વ્યકત કર્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે, બેઠકોના વિભાજન બાબતે અમે આમ આદમી પાર્ટી સાથે પણ સમજૂતી કરી છે. બન્ને પક્ષો બેઠકના વિભાજન બાબતે સહમત થયા છે.

તેમણે નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે પણ આ મામલે ચર્ચા થઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે, ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે વધુ ૨૫% અનામત કવોટા ફાળવવા વિધાનસભામાં બીલ લઈ આવશું.

કોઈ રાજય ૪૯.૫ ટકા કવોટાથી વધારે અનામત ન આપી શકે તે ગેરસમજ હોવાનું શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ૧૦ ટકા અનામત કવોટા સૌથી પછાત વર્ગ માટે અકબંધ રાખવામાં આવશે. જો સત્તા ઉપર આવશું તો વિધ્વાને રૂ.૫૦૦૦ તેમજ વડીલોને પણ રૂ.૫૦૦૦નું પેન્શન અપાશે. આ ઉપરાંત સરપંચોની સત્તામાં વધુ પારદર્શકતા લવાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.