Abtak Media Google News

પંજાબની ચૂંટણીમાં સફળતા પછી ઝડપી કોમ્યુનિકેશન માટે ગુજરાતમાં પણ અમલ

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અસામાન્ય હશે. રાજકીય પક્ષો શસ્ત્રો સજાવી રહ્યાં છે ત્યારે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ અને પોલીસે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે પહેલી વખત જ પોલીસના તમામ વાહનો GPS સિસ્ટમથી સજજ રાખવાના આદેશ ચૂંટણી પંચે કર્યાં છે. ચૂંટણીમાં ખલેલ પહોંચાડે તેવા ઉપદ્રવીઓ અને ટોળાંશાહી ઉપર ઝડપી અંકુશ મેળવવા માટે પંજાબની ચૂંટણીમાં આ પ્રયોગ સફળ રહ્યો હતો. હવે, ગુજરાત અને હીમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ GPS સિસ્ટમનો અમલ પોલીસના સરકારી વાહનો ઉપરાંત રિક્વીઝીટ કરાયેલા વાહનોમાં પણ કરાશે. મોબાઈલ ફોનમાં ખાસ પ્રકારની એપ્લિકેશનથી GPS કાર્યરત રહેશે. આ પદ્ધતિથી પોલીસ વધુ સતર્ક રહેશે અને કોમ્યુનિકેશન ઝડપી બનતાં કોઈપણ ચિંતાજનક સ્થિતિમાં પોલીસ ઝડપથી સ્પોટ ઉપર પહોંચી શકશે તેમ ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો GPS સિસ્ટમની અમલવારી કરાવવા કાર્યરત થયો છે. GPS સિસ્ટમ કાર્યાન્વિત કરવા ગુજરાત પોલીસ પંજાબની મુલાકાત લઈ ચૂકી છે અને પંજાબ પોલીસની ટીમ મદદ માટે ગુજરાત આવી છે.

Advertisement

ગુજરાતમાં બે તબક્કામાં યોજાનારી ચુંટણીમાં તમામ સરકારી ગાડીઓ અને રિક્વીઝીટ થનારી કે ભાડે રાખવામાં આવશે તે તમામ કારમાં જીપીએસ સિસ્ટમ નાખવામાં આવશે. પોલીસના ઉચ્ચ સુત્રોનું કહેવું છે કે, GPS સિસ્ટમથી ચૂંટણી કામગીરી દરમિયાન કામ ચોરી કરતા પોલીસકર્મી અને અધિકારીઓ ઉપર નજર રહેશે. આ ઉપરાંત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં વિશેષ ફાયદો થશે. રાજકીય કાર્યકરો કે લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય તો પરિસ્થિતિ ઉપર તત્કાલ કાબુ મેળવી શકાશે. ગુજરાત પોલીસના તમામ વાહનોમાં GPS સિસ્ટમ સાથેની પંજાબ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાઈ હતી તેવી એપ્લિકેશન સાથેના ઈન્ચાર્જ તહેનાત કરવામાં આવશે. આ માટે એપ્લિકેશન ડેવલપ કરવા સહિતની કામગીરી ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ, આ વખતે અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજવા ચૂંટણી પંચ અને ગુજરાત પોલીસે તૈયારી આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.