Abtak Media Google News

સ્વચ્છતા સર્વેક્ષણમાં કથળેલા રેન્કિંગ બાદ હવે આકરા દંડની જોગવાઇ સાથેની દરખાસ્ત: જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી કરનારને ડબલ દંડ કરાશે: સીએનડી વેસ્ટ ફેંકનારને પણ દંડના ધોકા પડશે

સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં ઉંધામાથે પટકાયા બાદ મ્યુનિ.કમિશનર દ્વારા રાજકોટને સ્વચ્છ શહેર બનાવવા માટે આકરી શરતો અને તોતીંગ દંડ સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી છે. જાહેરમાં એંઠવાડ ફેંકનારને હવે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે કચરા પેટી ન રાખનારને પણ રૂ.200નો ચાંદલો આપવો પડશે. ત્રણેય ઝોન માટે ફ્લાઇંગ સ્કોડ બનાવવામાં આવશે. બીજી તરફ શહેરીજનોની આરોગ્યની કાળજી પણ લેવામાં આવશે. જો કોઇ યુનિટમાં જનઆરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું પકડાશે તો તેને સીલ કરી દેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સેલ ઉભો કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટમાં રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધી જો કોઇ ગૃહિણી જાહેરમાં એંઠવાડ ફેંકે તો તેની પાસેથી રૂ.200નો દંડ વસૂલ કરવામાં આવતો હતો. જે વધારીને પ્રથમ વખત રૂ.1000, બીજી વખત રૂ.1500 અને ત્રીજી વખત રૂ.2000 કરવામાં આવ્યો છે. જ્યારે હોટેલ, રેસ્ટોરેન્ટ અને પાર્ટી પ્લોટના સંચાલકો પાસેથી અત્યાર સુધી જાહેરમાં એંઠવાડ ફેંકવા સબબ ફિક્સ રૂ.2000 દંડની વસૂલાત કરવામાં આવી હતી. જે વધારી પ્રથમ વખત રૂ.3000, બીજી વખત રૂ.6000 અને ત્રીજી વખત રૂ.10,0000 કરવામાં આવ્યો છે. કચરા પેટી ન રાખવા સબબ રહેણાંક હેતુની મિલકત પાસેથી રૂ.50નો દંડ વસૂલ કરવામાં આવતો હતો. જે વધારી ચાર ગણો એટલે કે રૂ.200 કરવામાં આવ્યો છે. હોટેલ, રેસ્ટોરન્ટ કે પાર્ટી પ્લોટ પાસેથી અત્યાર સુધી કચરા પેટી ન રાખે તો કોઇ પ્રકારનો દંડ વસૂલ કરવામાં આવતો ન હતો. પરંતુ હવે રૂ.1000 દંડ વસૂલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જો કોઇ હોસ્પિટલ બાયો મેડિકલ  વેસ્ટનો જાહેરમાં નિકાલ કરે તો તેની પાસેથી રૂ.10,000 દંડ વસૂલ કરવામાં આવતો હતો. જેમાં પણ વધારો કરાયો છે. પ્રથમ વખત પકડાય તો રૂ.15,000, બીજી વખત પકડાય તો રૂ.20,000 અને ત્રીજી વખત પકડાય તો રૂ.25,000 દંડ વસૂલ કરવામાં આવશે. જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી હાલ રૂ.200 દંડ વસૂલ કરવામાં આવે છે. જે વધારી પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.800 અને ત્રીજી વખત રૂ.1000 કરવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી કરનાર, પાનની પીચકારી મારનાર કે કચરો સળગાવનાર પાસેથી અત્યાર સુધીમાં માત્ર રૂ.250 દંડ વસૂલ કરવામાં આવતો હતો. જે વધારીને રૂ.500 કરવામાં આવ્યો છે. જો કોર્પોરેશનનો કાયમી કર્મચારી જાહેરમાં પાનની પીચકારી મારતો પકડાય કે ગંદકી કરતો પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કામગીરી કરવામાં આવશે. એજન્સીનો કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી પકડાશે તો તેને ફરજમુક્ત કરી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સેલ અંતર્ગત ત્રણ ફ્લાઇંગ સ્કોડ બનાવવામાં આવશે. જે ઝોન વાઇઝ કાર્યરત રહેશે. એક સ્કોડ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણને લગતી કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે બીજી સ્કોડ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનને લગતી કામગીરી સંભાળશે અને ત્રીજી સ્કોડ ગંદકી કરનારને દંડના ધોકા ફટકારશે. ભલામણનું દુષણ અટકાવવા માટે ત્રણેય સ્કોડની કામગીરી દર સપ્તાહે સતત ફરતી રહેશે. બાંધકામ અને ડિમોલીશન વેસ્ટનો આડેધડ નિકાલ કરનાર પાસેથી પણ આકરો દંડ વસૂલ કરવામાં આવશે. ડમ્પર કે ટ્રેક્ટર પ્રથમ વખત જો જાહેરમાં ડિમોલીશન વેસ્ટનો નિકાલ કરશે તો તેની પાસેથી રૂ.5,000નો દંડ વસૂલ કરાશે. બીજી વખત રૂ.10,000 અને ત્રીજી વખત રૂ.15,000નો દંડ વસૂલ કરવાની જોગવાઇ રાખવામાં આવી છે. નવા નિયમોની જાણકારી આપવા માટે આગામી દિવસોમાં બિલ્ડીંગ એશોસિએશનના હોદ્ેદારો સાથે બેઠક બોલાવવામાં આવશે. જો નિયમોનું પાલન નહિં કરવામાં આવે તો બિલ્ડીંગોની પરમીશન પણ રદ્ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. લોકોના જનઆરોગ્યની ખેવના કરવા માટે હવે અખાદ્ય ખોરાક પીરસતા હોટેલ, રેસ્ટોરન્ટ કે ઉત્પાદન એકમોને સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દંડની આ નવી જોગવાઇને મંજૂરી મળતાની સાથે જ તેની ઝડપથી અમલવારી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.