Abtak Media Google News

મુસ્લિમ લો મુજબ યૌવન અવસ્થામાં જ નિકાહ કરાવી દેવા પરિવારો ઉતાવળા થયા !!

દેશભરમાં યુવતીઓની લગ્નની લઘુતમ વય મર્યાદા ૨૧ વર્ષ કરવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે જેના પરિણામે ટૂંક સમયમાં જ આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે અગાઉથી જ મુસ્લિમ પરિવારોમાં જે નિકાહ નક્કી થયેલા છે પરંતુ નિકાહ સમય વર્ષ ૨૦૨૨ કે ૨૦૨૩ રાખવામાં આવ્યો હોય તેવા પરિવારો લઘુતમ વયમર્યાદા બીલને સિક્કો લાગે અને લગ્ન  માટે રાહ જોવી પડે તેવી ભીતિએ ફટાફટ નિકાહ પઢી લેવા માટે હોડ જામી છે. ઉલ્લેખનીય છે કે, આ નિકાહમાં બંને પાત્રોની ઉંમર ૧૮ થી ૨૦ વર્ષ વચ્ચે હોય છે ત્યારે જો આ કાયદો અમલી બને તો લગ્ન માટે લાંબી રાહ જોવી પડે તેની ભીતિએ વહેલી તકે નિકાહ પઢી લેવા હોડ જામી હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.

ઉતાવળીયા સમારોહમાં વરરાજાઓ ૧૮ થી ૨૦ વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા હોય છે. મોટાભાગના લોકોના લગ્ન ૨૦૨૨-૨૩ માં કોઈક સમયે થવાના હતા, પરંતુ બિલ પસાર થવાના ડરથી તેમના પરિવારો ત્યાં સુધી રાહ જોવા માંગતા નથી. મુખ્યત્વે જે અહેવાલો પ્રાપ્ત થયા છે તે હૈદરાબાદ શહેરના છે પરંતુ આવી પરિસ્થિતિ દેશના અનેક રાજ્યોમાં હોઈ શકે તે બાબતનો ઇનકાર પણ કરી શકાય નહીં.

આ બિલ તમામ સમુદાયો માટે લાગુ થશે  જે મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર ૧૮ થી વધારીને ૨૧ વર્ષ કરવા માંગે છે.

જે રીતે હૈદરાબાદની મસ્જિદોમાં નિકાહ પઢવા માટે હોડ જામી છે ત્યારે નિકાહ પઢવા આવેલી કન્યાના પરિવારજનો જણાવ્યું હતું કે, મારી ત્રણ દીકરીઓ છે, જેમાંથી એક વિકલાંગ છે. હવે ત્રણ દીકરીઓના લગ્ન કરવા એ ખૂબ જ મોટી બાબત હોય છે ત્યારે હું બે વર્ષ રાહ જોઈ શકું તેમ નથી. જો પ્રથમ દીકરીના લગ્ન બે વર્ષ બાદ થાય તો અન્ય દીકરીઓના નિકાહ ક્યારે થશે ?

અન્ય એક પરિવારે જણાવ્યું હતું કે, અમે નિકાહ વર્ષ ૨૦૨૨ના મધ્યમાં ગોઠવ્યા હતા અને નિકાહ માટે પૈસાની વ્યવસ્થા કરવા પિતા શ્રીલંકા ગયા હતા પરંતુ અમે જ્યારે આ બિલ અંગે સાંભળ્યું ત્યારે મારા પિતા તરત જ હૈદરાબાદ દોડી આવ્યા અને અમે તરત જ નિકાહ ગોઠવી નાખ્યા.

ડ્રાઇવરની નોકરી કરતા એક વ્યક્તિએ તો એવું પણ જણાવ્યું હતું કે, લોક ડાઉન દરમિયાન રોજી બંધ હતી જેના કારણે આખો પરિવાર ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યો હતો. અમે અમારી દીકરીના નિકાહ નક્કી કરી રાખ્યા હતા પરંતુ કરિયાવરના પૈસા હાલ નહીં હોવાથી આગામી વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ હવે બિલની વાત સાંભળતા જ અમે નિકાહ કરી નાખ્યા પરંતુ વિદાય માટે ૫ મહિનાનો સમય માંગ્યો છે કેમ કે, કરિયાવર હજુ અમે આપ્યું નથી અને તેના માટે પૈસા એકત્ર કરવામાં હજુ સમય લાગશે.

મુસ્લિમ લો યૌવન અવસ્થામાં લગ્નની આપે છે છૂટ!! 

મુસ્લિમ સમાજમાં સર દિનશાહ ફરદુનજી મુલ્લાના પુસ્તક ‘પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મડન લૉ’ને અનુસરવામાં આવે છે. જેની કલમ ૧૯૫માં સ્પષ્ટપણે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યા બાદ યુવક કે યુવતી લગ્ન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, યુવતીને જ્યારે માસિક ધર્મ શરૂ થઈ જાય ત્યારે તેને યૌવન પ્રાપ્ત થયું તેમ ગણવામાં આવે છે ત્યારે તે નિયમ મુજબ કોઈ પણ મુસ્લિમ સમાજની યુવતી ૧૫ વર્ષ બાદ લગ્ન કરવા માટે સ્વતંત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.