Abtak Media Google News

સામાજિક દમનથી બચવા અન્ય ધર્મ અંગીકાર કરી ચૂકેલા દલિતોનો મુદ્દો બે દાયકાથી પેન્ડિંગ!!

અનુસૂચિત જાતિ કેટેગરીમાં દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનામત આપવાના મુદ્દા પર ત્રણ સભ્યોના કમિશનના અહેવાલની રાહ જોવાની કેન્દ્રની અરજીને બાજુ પર રાખીને સુપ્રીમ કોર્ટે બુધવારે આ મુદ્દાનો નિવેડો કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમે કહ્યું છે કે, આ મામલો લગભગ બે દાયકાથી કોર્ટમાં પેન્ડિંગ છે અને હવે આ મુદ્દાનો ફેંસલો કરવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ મામલે અગાઉ પણ પેનલની રચના કરાઈ ચુકી છે અને એક અથવા બીજી રીતે રિપોર્ટને અયોગ્ય માની નવી સમિતિની રચના કરવા માટે માંગ કરવામાં આવે છે તયારે પેનલનો રિપોર્ટ આવે ત્યારે અનામતની ટકાવારી સહિતના નિર્ણયો લેવાય પણ ત્યાં સુધી આ સમુદાયને લાભ આપવાનું બંધ કરી શકાય નહીં.

કેન્દ્રએ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કે જી બાલકૃષ્ણનની આગેવાની હેઠળ એક પેનલની નિમણૂક કરી હતી. જેઓ ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિ સમુદાયના હોવાનો દાવો કરે છે પરંતુ ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મનો અંગીકાર કર્યો હોય તેમને અનુસૂચિત જાતિનો દરજ્જો આપી શકાય કે કેમ? તેની ચકાસણી કરવા માટે પેનલની રચના કરવામાં આવી હતી. જયારે જસ્ટિસ રંગનાથ મિશ્રા કમિશને આ પ્રકારના સમુદાયનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરી અનામત સહિતના લાભો આપવા ભલામણ કરી હતી તે તારણોને નકારી કાઢ્યા બાદ બીજી પેનલની રચના કરવામાં આવી હતી.

સરકાર પક્ષે એવુ કહેવામાં આવ્યું હતું કે, મિશ્રા કમિશનનો રિપોર્ટ કોઈપણ ક્ષેત્રીય અભ્યાસ અને પરામર્શ વિના તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે જસ્ટિસ સંજય કિશન કૌલ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, અહેવાલ એટલો “અવ્યવસ્થિત” નથી. અદાલતે અહેવાલના તારણો અથવા પ્રયોગમૂલક ડેટા પર આધાર રાખ્યો હતો.  બેન્ચે કહ્યું કે, સરકાર ખૂબ જ સામાન્ય નિવેદન આપી રહી છે અને રિપોર્ટની ફરી તપાસ કરવી જોઈએ.

કોર્ટે કહ્યું કે, સમયમર્યાદામાં સુનાવણી પૂર્ણ કરવામાં આવશે અને તમામ પક્ષકારોને તેમની ટૂંકી લેખિત રજૂઆત દાખલ કરવા અને કેસમાં સરળ સુનાવણી માટે એક સામાન્ય સંકલન કરવા જણાવ્યું હતું. જેમાં બંને પક્ષોને દલીલો પૂર્ણ કરવા માટે દરેકને બે દિવસનો સમય મળશે.

અગાઉના અહેવાલને ફગાવી દીધા પછી કોર્ટે નવા કમિશન દ્વારા એકત્રિત કરાયેલ પ્રયોગમૂલક ડેટાની રાહ જોવી જોઈએ તેવા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજની રજૂઆતોના જવાબમાં બેન્ચે કહ્યું કે, આવતીકાલે એક અલગ રાજકીય વ્યવસ્થા હશે જે કહેશે કે નવો રિપોર્ટ  સ્વીકાર્ય નથી ત્યારે કેટલી સમિતિઓની નિમણૂક કરવામાં આવશે?

વરિષ્ઠ વકીલો રાજુ રામચંદ્રન, સી ડી સિંઘ, કોલિન ગોન્સાલ્વિસ અને પ્રશાંત ભૂષણે રજૂઆત કરી હતી કે, આ મુદ્દા પર કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે કારણ કે આ મુદ્દા પર પૂરતી સામગ્રી છે જે દર્શાવે છે કે દલિત મુસ્લિમો અને દલિત ખ્રિસ્તીઓને “અસ્પૃશ્ય” તરીકે ગણવામાં આવે છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.

અરજીનો વિરોધ કરી રહેલા એક પક્ષે રજૂઆત કરી હતી કે, જો દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને હજુ પણ અસ્પૃશ્ય તરીકે ગણવામાં આવે છે, તો તેઓ કાનૂની સહારો લઈ શકે છે. જસ્ટિસ અમાનુલ્લાએ જોકે કહ્યું હતું કે, સામાજિક કલંક અને ધાર્મિક કલંક અલગ વસ્તુઓ છે. ધર્માંતરણ પછી પણ સામાજિક કલંક ચાલુ રહી શકે છે. જ્યારે આપણે આ તમામ બંધારણીય બાબતો પર વિચાર કરી રહ્યા છીએ ત્યારે આપણે આંખો બંધ કરી શકતા નથી.

કેન્દ્રએ અગાઉ કોર્ટને કહ્યું હતું કે, ખ્રિસ્તી અને ઈસ્લામમાં પરિવર્તિત થયેલા દલિતોને એસસીનો દરજ્જો આપી શકાય નહીં કારણ કે તે ધાર્મિક સમુદાયોમાં કોઈ પછાતપણું કે દમન જોવા મળતું નથી.

એક એફિડેવિટમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 1950નો બંધારણીય (અનુસૂચિત જાતિ) ઓર્ડર કોઈપણ ગેરબંધારણીયતાથી પીડાતો નથી અને તે કાયદેસર અને માન્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.