Abtak Media Google News

યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય ૨૧ વર્ષ કરવા અંગેના ખરડાને મંજૂરી અપાઈ

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બે મોટા સુધારા અંગેના ખરડાને મંજૂરી આપી દીધી. પહેલો મોટો સુધારો યુવતીઓની લગ્નની લઘુતમ વય અંગેનો છે. કેબિનેટે યુવકો અને યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય એકસમાન એટલે કે ૨૧ વર્ષ કરવા અંગેના ખરડાને મંજૂરી આપી દીધી છે.

આ કાયદો લાગુ થશે તો તમામ ધર્મો અને વર્ગોમાં યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય બદલાઇ જશે. આ સિવાય આધારને વોટર આઇડી સાથે જોડવાના ખરડાને પણ બુધવારે મંજૂરી આપી દેવામાં આવી છે.

બંને ખરડા સંસદના ચાલુ સત્રમાં જ રજૂ થવાની શક્યતા છે. બંને સુધારા ક્રાંતિકારી ગણાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં યુવકો અને યુવતીઓ માટે લગ્નની લઘુત્તમ વય એકસમાન કરવાની જાહેરાત કરી હતી જ્યારે ચૂંટણી સુધારાનો મુદ્દો ચૂંટણીપંચ લાંબા સમયથી ઉઠાવતું આવ્યું છે.

લગ્નની લઘુતમ વયમાં ફેરફાર માટે ટાસ્ક ફોર્સે ૪ કાયદામાં સુધારા સાથે તમામ ધર્મો પર સમાન રીતે લાગુ કરવા ભલામણ કરી હતી.

યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય અંગે વિચારણા માટે જયા જેટલીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ રચાઇ હતી, જેણે ગત વર્ષે ડિસેમ્બરમાં નીતિ આયોગને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ટાસ્ક ફોર્સે યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય વધારીને ૨૧ વર્ષ કરવાનો પૂરો રોલઆઉટ પ્લાન સોંપ્યો હતો અને તેને દેશભરમાં તમામ વર્ગો પર સમાન રીતે લાગુ કરવાની મજબૂત ભલામણ કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં લગ્ન સંબંધમાં આ બીજો મોટો સુધારો છે, જે બધા જ ધર્મો માટે એકસમાન રીતે લાગુ થશે. અગાઉ એનઆરઆઈ મેરેજ ૩૦ દિવસમાં રજિસ્ટર્ડ કરાવવાનું મોટું પગલું ભરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાએથી કરેલી જાહેરાતની સતાવાર અમલવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં યુવકો અને યુવતીઓ માટે લગ્નની લઘુત્તમ વય એકસમાન કરવાની જાહેરાત કરી હતી. આ અંગે કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી જેણે ગત ડિસેમ્બરમાં નીતિ આયોગને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ટાસ્ક ફોર્સે યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય વધારીને ૨૧ વર્ષ કરવાનો પૂરો રોલઆઉટ પ્લાન સોંપ્યો હતો અને તેને દેશભરમાં તમામ વર્ગો પર સમાન રીતે લાગુ કરવાની મજબૂત ભલામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.