Abtak Media Google News

નવા આઈ.પી.એસ. અધિકારીઓ એ.એસ.પી તરીકે નિમણૂંક પામે ત્યારે ઉત્સાહમાં પ્રસિધ્ધી અને સફળતા માટે સતત પ્રયત્નશિલ છે

ફોજદાર જયદેવે મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમુના રૂપ દારૂ અને જુગારના કેસો કરેલા અને તે કેસોની સમાચાર પત્રોમાં ઘણી ચર્ચા થયેલી જેથી આ દારૂ જુગારના ધંધાદારીઓમાં ભયતો ફેલાઈ જ ગયેલો અને કોઈકે ધંધા બંધ કરી દીધેલા તો કેટલાકે ધંધા મર્યાદિત કરી પોલીસની ઘોંસ બોલે છે માલનથી તેવી વાતો કરીતેમના માલના ભાવ બે ગણા ત્રણ ગણા વધારી દીધેલ બંધાણીને નશા વગરતો ચાલે નહિ તેથી ગરજવાન ને અકકલ ન હોય તે ન્યાયે ઉંચા ભાવે પણ નશો ચોરી છૂપીથી કરી લેતા.

તે સમયે હજુ નારકોટીક ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રીપીક સબસ્ટન્સ એકટ કે જે ગુન્હાની જાગેવાઈઓ ખૂબ કડક છે તો કાયદો અમલમાં આવ્યો નહતો. જેથી અફીણીયા (અફીણ ખાનારા વેચનારા)ઓ વિરૂધ્ધ કેસ થાય તો દારૂની જેમજ મુંબઈ પ્રોહીબીશન એકટની કલમો મુજબ જ જામીન લાયક કાર્યવાહી થતી હતી જયદેવે બચપણમાં આ અફીણ ને કારણે અનેક કુટુંબો શારીરીક આર્થિક અને સામાજીક રીતે બેહાલ બરબાદ થતા જોયેલા હતા.

જેથી જયદેવ ને નશા અંગે અતિ આકરો પૂર્વ ગ્રહ હતો તેથી તે આ અંગે કડકમાં કડક પગલા લેતો. પરંતુ અફીણનાં બંધાણીને અફીણ ખાધા વગર ખૂબજ શારીરીક તકલીફો થતી જેમાં નાડીઓ તુટતી ઝાડા થઈ જતા વિગેરે જેથી જયદેવે મુળી વિસ્તારમાં આવેલ આ વિષ વૃક્ષનું થડ મુળમાંથી જ કાપી નાખવાનું નકકી કર્યું. મુળી વિસ્તારમાં અફીણના કેટલા વેપારી છે. તે અંગે તપાસ કરતા આ વિસ્તારનો ‘સોલ એજન્ટ’ એક જ લીયા ગામનો માલધારી ગારા વજસી જ હતો. બાકી તો આ ગારાને માલ સુરેન્દ્રનગરના મીંયાણાવાડમાંથી તથા વઢવાણના ટંગડી ગામનો મોટો વેપારી બનુ ફળાણીયો તમામ જગ્યાએ અફીણ પૂરૂ પાડતો.

જયદેવે લીયા ગામે ગારા વજસી ઉપર રેઈડ કરી અને બે કિલો અફીણ સાથે પકડી પ્રોહીબીશન એકટ મુજબ કેસ કર્યો. જયદેવ આ ગારા વજસીની ખાસ આગતા સ્વાગતા કરવા જતો જ હતો ત્યાં લીયાગામનાં પ્રતિષ્ઠીત અને તટસ્થ આગેવાન વિસુભા બાપુ એ આવીને જયદેવને કહ્યું કે આ નાલાયક ગારાને મેં અગાઉથી જ મૂળીમાં બનેલા બનાવોનો દાખલા આપી આ અફીણનો ધંધો બંધ કરી ઘેટા-બકરા ચરાવવા માંડવાનું કહેંલુ પરંતુ માન્યો નહિ.

આ ગારાના બાળકોએ મારી પાસે આવી બચાવવા આજીજી કરેલ છે જો આ છેલ્લી વખત મારો નહિ અને ફકત કાયદેસરની કાર્યવાહી કરો તો હું બાંહેધરી આપું છું કે ‘જો હવે ગારા વજશી અફીણનો વેપલો કરશે તો હું જ તમને બોલાવી પકડાવી દઈશ પછી તમારે જે કરવું હોય તે છૂટ જયદેવે ગારા વજસી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરી મુળી લાવી મુળી કોર્ટમાં રજૂ કર્યો અને જામીન ઉપર છૂટયો અને ગારો જાતે જ જયદેવને હવે પોતે અફીણનો વેપાર નહિ કરે તેવી બાંહેધરી આપી રવાના થયો.

લીયા ખાતે પડોશીના જોખમાં પણ ગારા એ બીજો અફીણનો જથ્થો સંતાડી રાખેલો જેથી તે સીધો લીયા આવી વિસુભા બાપુને મળ્યો અને હજુ પોતા પાસે પાંચ કિલો અફીણ પડયું છે. હવે વેચવું નથી પણ આનું શું કરવું? તેમ પુછયું બાપુએ ગારાને કહ્યું કે પોલીસ સ્ટેશનમાં રજુ કરી દે તો ગારાએ કહ્યું કે તો તો બીજો કેસ પણ થાય. હું હળવદ મારા સંબંધીને ત્યાં મોકલી દઉ છું. પરંતુ ગારા વજશીને ‘વિનાશ કાળે વિપરીત બુધ્ધી’ રૂપે લોભ વળગ્યો કે આટલો બધો માલ એમ થોડો આપી દેવાય? અફીણતો બગડતુ નથી પ્લાસ્ટીકની કોથળીઓ ઉપર કોથળીઓ વીંટાળી પોતાના જ ખેતરેજઈ રાત્રીના સમયે દસ બાર ફૂટ ઉંડી ખાડો ખોદી વધેલુ અફીણ જમીનમાં જ દાટી દીધું અને આ વાત પણ ભૂલી ગયો. આ બાજુ જયદેવના જાસુસોથી હકિકત મળતી કે ગારા વજશીએ અફીણનો ધંધો બંધ જ કરી દીધો છે.

ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ વડા તરીકે સીધી ભરતીના આઈ.પી.એસ. અધિકારીની નિમણુંક એ.એસ.પી. તરીકે થઈ નવા નવા અધિકારીઓને તેમના આ એ.એસ.પી. સમય ગાળા દરમ્યાન પોલીસ ખાતાનું વાસ્તવીક અને પ્રત્યક્ષ તમામ જ્ઞાન અને અનુભવ મેળવવાની ખૂબ જ તાલાવેલી હોય છે. આ નવા નવા ઉત્સાહમાં ખૂબ મોટી મોટી કામગીરી કરવા અને નામના (પ્રસિધ્ધિ) મેળવવા પ્રયત્નશીલ હોય છે.

તેઓ પોતાના ડીવીઝન વિસ્તારનાં પોલીસ સ્ટેશનો અંગેની માહિતી તેમની કચેરીના હેડ કવાર્ટરમાં ના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હોય અને અગાઉ આજ ડીવીઝનના દૂરના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી ચૂકયા હોય તેવા પોલીસ વાળાને બોલાવી વાતોથી તથા ઈનામ આપવાની વાતો કરીપ્રોત્સાહીત કરી તેમને જ સાથે લઈ રેઈડ કરતા હોય છે. આ રીતે મૂળીના માજી ફોજદાર ગોસાઈનો રાયટર સતીષ કે જે ધ્રાંગધ્રા બદલી કરાવીને આવી ગયેલો તેણે એ.એસ.પી.ને બાતમી આપી કે મુળી તાલુકાના લીયા ગામનો ગારા વજશી મોટા પાયે અફીણનો ધંધો કરે છે.અને કેસ સારો થાય તેમ છે.

આથી ધ્રાંગધ્રા એ.એસ.પી.એ આ કોન્સ્ટેબલસતીષગીરીને લઈને ગારા વજશીને ઘેર રેઈડ કરી પરંતુ કાંકરી અફીણ પણ મળ્યું નહિ. એ.એસ.પી. અને ટીમે બહુ બારીકાઈથી ગારાનું ઘર તથા આજુબાજુનાં ઘરોની પણ ઝડતી તપાસ કરી પણ કાંઈ મળ્યું નહિ. ગારાની પૂછપરછ કરી તો તેણે ફોજદાર જયદેવે કરેલ કેસ તથા ધમકી આપ્યાની અને પોતે તે દિવસથી ધંધો બંધ કર્યાનીવાત કરી પરંતુ ગુરૂ તેવા ચેલા માજી ફોજદાર ગોસાઈનો રાયટર સતીષ કોઈ હિસાબે ગારાની વાત માને નહિ પછી તેણે ગુરૂ જ્ઞાન અમલમાં મૂકવાનું ચાલુ કર્યું ગારાને લાકડી વતી કુલા ઉપર બરાબરનો ફટકાર્યો.

પણ ગારાએ કહ્યું કાંઈ છે જ નહિ ગામ આખાને ખાનગમાં પુછી જુઓ ધંધો બંધ છે. ગારાના કુલાને આમને આમ ત્રણેક કલાક ગરમ કર્યા અને ગારો હવે ફકત ઉભડક જ બેસી શકે તેવી હાલત કુલાની થઈ ગઈ એ.એસ.પી. એ થાકી કંટાળી વાયરલેસથી વરધી સુરેન્દ્રનગર આપી ટાસ્કફોર્સનાં ફોજદાર ગરૂડને બોલાવી લીધા અને ગારો તેમને સોંપી કહ્યુંકે આનુ કાંઈક કાયદેસર કરી નાખો અને કોન્સ્ટેબલ સતીષને ગરૂડ સાથે રાખી ધ્રાંગધ્રા જવા રવાના થઈ ગયા.

સવારના નવ દસ વાગ્યાથી ગારાના કુલાની ધોલાઈ ચાલુ હતી સાંજના પાંચ વાગ્યા આવ્યા હતા તમામ કંટાળી ગયા હતા ગરૂડે ગારાને સમજાવ્યો કે આજુબાજુના ગામડામાંથી પરિચીતપાસેથી સોએક ગ્રામ અફીણ મગાવીલે એટલે નાનો કેસ કરીને વાત પુરી કરી દઈએ પરંતુ ગારાએ કહ્યુંકે મેં કોઈને અફીણ આપ્યું જ નથી.

તો કોની પાસેથી મંગાવું? ત્યાંજ કોન્સ્ટેબલ સતીષને તેના ગુરૂ ફોજદાર ગોસાઈનું ‘જ્ઞાન’ યાદ આવ્યું અને કહ્યું કે ‘અરે હા. આ માલધારીઓને આબરૂ ખૂબ વહાલી હોય છે’ તેથી તેણે ગરૂડને કહ્યું ગારા ને કપડા ઉતારી દિગંબર કરી ગામમાં ફેરવો; માલ શું ન આપે?’ આમ ગારાનું વસ્ત્રાહરણ ચાલુ થયું છેલ્લે ધોતી બાકીરહી અને ધોતીની પાટલી સતીષે દુ:શાસનની અદાથી ખેંચી આથી ગારા વજસી ધ્રુસકુ મૂકી રડીને કહ્યું સાહેબ મને મારી નાખો પણ જાહેરમાં આ રહેવા દો.

પરંતુ ધોતીની પાટલીતો નીકળી ગઈ પણ ધોતીના છેડાને ગારાએ ગાંઠ મારી ને કચકચાવીને બાંધ્યા હતા. તેથી છૂટયા નહિ ચોક વચાળે ગારો દ્રોપદીની જેમ રડીને આજીજી કરતો હતો. સાહેબ રહેવા દયો પરંતુ ધોતીની ગાંઠ છોડવા માટે બે જણા ગારાના હાથ પકડી લીધાઅને ગારોએ ચીખ નાખીને કહ્યું ‘એ રહેવા દયો ચાલો અફીણ કાઢી દઉ છું’

ફોજદાર ગરૂડ સહિતનો કાફલો ગારાના ખેતરે આવ્યો. ખોદકામના સાધનો કોદાળી પાવડો અને તગા‚ મંગાવ્યા અને ખોદકામ ચાલુ થયું. એકાદ કલાકે કાંઈક કોથળા જેવું દેખાયું ત્યાં સુધીમાં તો ગારાની ઉપર ગાળો અને ધમકીઓનો વરસાદ વરસી ગયો આખરે કોથળા અને પ્લાસ્ટીકમાં વિંટેલુ અફીણ મળ્યું અને પ્રોહીબીશનનો (નશાબંધી)નોકબ્જો નો કેસ થયો મુળીમાં ગુન્હો દાખલ થયો પરંતુ સતીષે ફોજદાર ગરૂડને તપાસ પોતાની પાસે રાખવાનું કહ્યું અને પોતે મદદમાં રહ્યો.

બીજે દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાનો જયદેવ ઉપર મુળી ખાતે ટેલીફોન આવ્યો કે સાયલા કોર્ટમાં આરોપી ગારા વજસીની રીમાન્ડ મેળવવાની હોય તપાસનીશ ફોજદાર ગરૂડની મદદમાં સાયલા કોર્ટ ખાતે હાજર રહેવું. તે દિવસે મુળી કોર્ટનું સીટીંગ સાયલા ખાતે હતુ જયદેવ સાયલા આવ્યો. ગરૂડે જયદેવને કહ્યું કે ગારા વજશી જો કોર્ટમાં પોલીસ વિરૂધ્ધ ફરિયાદ ન કરે તો રીમાન્ડ મળેલી જ છે તમે જરા ગારાને સમજાવી દો એટલે કામ પુરૂ થાય પરંતુ જયદેવે કહ્યું આવા બીમારને રીમાન્ડ ઉપર રાખીને શું કામ છે.

ખોટી જવાબદારી છેને? પરંતુ સતીષ અને ગરૂડનો પ્લાન જુદો જ હતો. તેણે કહ્યું કે આટલો માલ કયાંથી આવ્યો તે તપાસ કરવાની છે. જયદેવે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે વસ્તડીના શહેનશાહ બનુ ફલાણીયાનો આ ‘ગારો’ સુબો છે. બનુ ફલાણીયો સૌરાષ્ટ્ર આખાનો જથ્થા બંધ ડીલર છે તે તો જગજાહેર હકિકત છે. પુછો ગારાને. પરંતુ તેણે કહ્યું પહેલા રીમાન્ડ ઉપર તો મેળવી લઈએ.

આથી જયદેવે ગારા વજસીને તેની પાસે મોકલવા કહ્યું ગારો અર્ધ વાંકો વળી ગયેલો ધીમેધીમે હાથ જોડીને જયદેવ પાસે આવ્યો. જયદેવે કાંઈ બોલ્યો નહિ તેથી ગારો જ ધ્રુજતા હાથ જોડી બોલ્યો ‘સાહેબ ધંધો બંધ હતો આતો જુનો દાટેલો માલ મને મારી મારીને હું ન માન્યો તો મને નગ્ન કરી ગામમાં ફેરવવાની કોશીષ કરી એટલે ખેતરમાં ઉંડે દફનાવી દીધેલ માલ કાઢી આપેલ છે. જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ હવે પોલીસ વિરૂધ્ધ કાંઈ ફરિયાદ કરતો નહી અને રીમાન્ડની માંગણી કરે તો તૂર્ત જ તું જ રીમાન્ડ માટે સહમતી આપી દે જે. ગારો સહમત થયો અને આરોપી ગારા વજસીના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થયા ગરૂડ અને મુળી માજી ફોજદાર ગોસાઈનો શિષ્ય કોન્સ્ટેબલ સતીષ ખૂશ થઈ ગયા.

પરંતુ વિનાશ કાળે વિપરીત બુધ્ધી ગારાને લઈ ગરૂડ તથા તેની ટીમ જિલ્લાના હળવદ તથા ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓમાં ગારાના જૂના સંપર્કો કે તેનો માલ ખરીદનારા હતા તેમને બરાબર પાઠ ભણાવવા ઉપડયા પરંતુ કાયદેસરની કોઈ કાર્યવાહી કરી નહિ ખરેખર તો માલ કોણ આપી ગયું તેનું નામ ખોલાવી મુળ જ દાબી દેવાની જરૂરત હતી કે ‘કુવામાં હોયતો અવેડામાં આવે? તે ન્યાયે બનુ ફલાણીયાનું નામ આરોપી તરીકે ખોલી નાખવાની જરૂર હતી તેને બદલે ચોથે દિવસે ગરા વજશીને સીધો સાયલા કોર્ટમાં રજૂ કર્યો.

તે દિવસે સાયલા કોર્ટ કંપાઉન્ડમાં મુળી હળવદ ધ્રાંગધ્રાના અફીણીયા તેમજ સાયલા-ચોટીલાના અને ધંધૂકાના ખસ બગડના અફીણીયાઓ ટોળે વળેલા હતા તેની આગેવાની વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પનુ ફલાણીયાની હતી. આ લોકોએ ગારા વજશીની સહાનૂભૂતીમાં તથા પોલીસે કરેલી આક્રમક કાર્યવાહી વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ કરવા અગાઉથી જ વકીલ રોકી લીધા હતા. ગામે ગામ ‘લાકડીયો તાર’ પહોચી ગયો હતો સાયલાની બજારો સાંકડી તેમાં પણ લોકો ટોળે વળેલા હતા. આલોકોનો ખાસ રોષ અને વિરોધ તો રીમાન્ડ લીધા પછી હળવદ તાલુકામાં જે બારોબારની તપાસ કરી તેનો હતો ટાસ્ક ફોર્સના ફોજદાર ગરૂડને આ વિરોધ રોષ વિશે કાંઈ ખબર નહતી. ગારા તરફે પનુ ફલાણીયા દ્વારા વિદ્વાન વકીલ ડગલીને રોકવમાં આવ્યા હતા.

આરોપી ગારાને ચાર દિવસ પહેલા જયારે રીમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે જયદેવના કહેવાથી કુલામાં તકલીફ હોવા છતા કોઈ ફરિયાદ કરેલી નહિ અને રીમાન્ડ આપવા સામેથી જ કહ્યું હતુ રીમાન્ડ મેળવ્યા પછી ગરૂડ તથા કોન્સ્ટેબલ સતીષે અફીણ સપ્લાયર બીજી રીકવરી કે પૂરાવો મેળવવાને બદલે ગારા વજસરીના જે પેટા ગ્રાહકો હતા તેના સાદા નિવેદનો જ લીધા હતા ગારાના કૂલે સખ્ત ઈજા હોવા છતા કોઈ સારવાર કરાવેલ નહિ અરે લોહી વાળી ધોતી પણ બદલાવેલ નહિ બંને કુલામાં પાક થઈને વાસ આવવા લાગી હતી અને ગારાને સખત તાવ પણ આવી ગયો હતો. પરંતુ કોન્સ્ટેબલ સતીષની ઈચ્છીત તપાસ તથા જે મીશન હતુ તે પૂરૂ થયું હતુ.

ગારા વજશી ને જેતે હાલતમાં સાયલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો વકીલે લેખીતમાં લીયા ગામે જે રીતે ગારાની સરભરા કરવામાં આવી તથા તે પછી તપાસના દિવસોમાં ના બનાવો અંગે સાક્ષીના નામો સહિત કોર્ટ સમક્ષ ફરિયાદ રીપોર્ટ આપ્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.