Abtak Media Google News

અમરેલીમાં ૧૬.૨૮, પોરબંદરમાં ૨૧.૧૧, જૂનાગઢમાં ૨૫.૮૩, બોટાદમાં ૨૬.૪૧, સુરેન્દ્રનગરમાં ૩૩.૫૮, જામનગરમાં ૩૮.૧૧, દ્વારકામાં ૩૮.૮૪ અને રાજકોટમાં ૪૫.૯૯ ટકા પાણી બચ્યું

ચોમાસાને હજુ છ મહિનાની વાર છે અને ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ જળ સંકટ તોળાઈ રહ્યું છે. સરકારે જાહેર કરી દીધું છે કે, ખેડૂતોને સિંચાઈ માટે ૧૫ માર્ચ પછી જ પાણી પૂરું પાડવામાં આવશે. સરકારની આ જાહેરાતથી આગામી સમયમાં પાણીનું સંકટ કેટલા પ્રમાણમાં રહેશે તેનો અંદાજ આવી જાય છે. સરકારે પીવા માટે અનામત પાણીના જથ્થાની જાહેરાત પણ કરી નાખી છે.

Advertisement

પાણી પુરવઠા ખાતાના આંકડાનુસાર રાજય સરકાર પાસે પાણી રાખવાની ક્ષમતામાં માત્ર ૫૦ ટકા જેટલું જ પાણી બચ્યુ છે. કુલ ક્ષમતા ૨૫૨૩૯.૧ એમસીએમની છે. જયારે પાણી માત્ર ૧૨૬૫૨.૫૫ એમસીએમ જેટલું જ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની હાલત કફોડી છે. સૌરાષ્ટ્રમાં માત્ર ૪૪.૨૬ ટકા જ પાણીનો જથ્થો છે. જયારે કચ્છમાં માત્ર ૨૨ ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં ૧૬.૨૮, પોરબંદરમાં ૨૧.૧૧, જૂનાગઢમાં ૨૫.૮૩, બોટાદમાં ૨૬.૪૧, સુરેન્દ્રનગરમાં ૩૩.૫૮, જામનગરમાં ૩૮.૧૧, દેવભૂમિ દ્વારકામાં ૩૮.૮૪ અને રાજકોટમાં ૪૫.૯૯ ટકા પાણી જ બચ્યુ છે.

સરદાર સરોવર ડેમ પણ તેની ક્ષમતા કરતા ૪૫ ટકા જેટલો જ ભરાયેલો છે. સરકાર પાણી માટે અનામત જથ્થો રાખે તો પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની ખૂબજ તંગી અનુભવાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સરકારને જળ સંકટનો અંદાજ આવી ગયો છે. પરિણામે અત્યારથી જ પ્લાનીંગ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં લાગતા-વળગતા તમામ વિભાગોને સુચનો અપાશે તેવું સૂત્રોનું કહેવું છે.

આગામી ઉનાળામાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને રાજકોટ સહિતના શહેરોની પાણી મામલે હાલત કફોડી બની જશે. ખેતી માટે સરકારે ૧૫ માર્ચથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતના કારણે ખેડૂતોને પણ થોડા સમય માટે પાણીની પરેશાની થશે તેવું જણાય આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.