Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરણેતરના મેળા સ્થળેથી કરાવશે જળ અભિયાનનો આરંભ: મુખ્ય મહેમાન તરીકે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ ડો.ભરત બોઘરા ઉપસ્થિત રહેશે: અબતકની મુલાકાત દરમિયાન આપી વિસ્તૃત વિગતો

પાણી બચાવો, પાણી તમને બચાવશે… સુત્રને સાર્થક કરવા રાજયભરના તળાવોને ઉંડા કરી સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનની ૨૦૧૯ની શરૂઆત કરી છે તેથી જળ સંગ્રહના કામો જેમ કે, તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું રિનોવેશન, શહેરોમાંથી પસાર થતી નદીઓને પ્રદૂષણ મુકત કરવાની ઝુંબેશ, નદી કિનારે વૃક્ષારોપણ, વન તલાવડી, પાઈપ લાઈનોમાં વાલ્વ લગાવવા જેવી પાણી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ તકે સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરા ‘અબતક’ની મુલાકાત વખતે કેટલીક વાતો કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે જોઈતા પ્રમાણમાં વરસાદ થયો નથી જેને લઈ જળસંગ્રહની કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે. જેને લઈ કાલે સવારે તરણેતરના મેળાના સ્થળે થાનગઢ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં થનાર છે.

તળાવડા ઉંડા કરવાની સાથે હયાત ડેમોનું પણ રિનોવેશ કરવામાં આવશે. ડિસીલટીંગને લગતી કામગીરી એનજીઓ, ઉદ્યોગ ગૃહો, રાજય સરકારના સાહસો અને ધાર્મિક સંસ્થાના સહકારથી કરવામાં આવશે. નદીઓના કાંઠા પર વૃક્ષારોપણ અને ગાંડા બાવળ, ઝાળી, ઝાખરા દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે. લોકભાગીદારીથી કરવાના કામ માટે પુરણ ખોદાણના ભાવો ૩૦ પ્રતિ ધન મીટર રહેશે જેમાં ૬૦ ટકા રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. સરકારી ખરાબાની જમીન જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઈ કરી તળાવ માટેની જમીનમાં તેને તબદીલ કરવામાં આવશે.

સરકારનો લક્ષ્ય છે કે, દરેક જિલ્લા દિઠ એક-એક તળાવનું નિર્માણ શકય બને. જેમાં જમીન દબાણ અને સંપાદનનો પ્રશ્ન હોય ત્યાં તળાવોના વેસ્ટ વીયરની ઉંચાઈ વધારવાની શકયતા ચકાસીને યુનિટ રેટથી કાર્યો હાથ ધરવામાં આવશે.

ખોદાણ કામમાંથી મળતી માટી આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામોમાં કે ખેડૂતોના ખેતર અથવા જાહેર કામોમાં વપરાશમાં લેવામાં આવશે. જળ સંચય કામગીરી અંતર્ગત રાજયના સંબંધીત વિભાગો દ્વારા વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના અંતર્ગત તળાવો ઉંડા ઉતારવા અંગે મોટાપાયે કામગીરી હાથ ધરવામાં આવી છે તેથી જળ સંચયનો વ્યાપ વધે અને ચોમાસા પહેલા લોકભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાનથી લોકોની પીવાલાયક પાણીની અછત દૂર થાય તેવા હેતુસર આ કાર્યક્રમને વેગ આપવામાં આવી રહ્યો છે.

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના આજી ડેમને તો પહેલેથી જ ભરી દીધો પરંતુ રાજયભરના તમામ ડેમોના રીપેરીંગની કામગીરી હોય કે પછી તળાવળા ઉંડા કરવાની આ તમામ કાર્યોની સફળ ઝુંબેશ આવતીકાલથી થાનગઢ પાસે આવેલા તરણેતર મેળાના ગ્રાઉન્ડથી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.