ભાદર થયો ભાદરવે ભડભાદર: 24મી વાર છલકાયો

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેરના પ્રતાપે જળાશયો ઓવરફ્લો: ભાદર ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખૂલ્લા, 5172 ક્યુસેક પાણીની આવક-જાવક: પવનની લહેરખીથી છલકાતો આજી

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેરના કારણે જળાશયોનો જળ વૈભવ વધ્યો છે. પાણીનું સંકટ સંપૂર્ણ હલ થઇ ગયું છે. સૌરાષ્ટ્રનો દરીયો ગણતા ભાદર ડેમ ગત મધરાતે ઓવરફ્લો થઇ ગયો છે. 64 વર્ષમાં ભાદર-1 ડેમ 24મી વાર ઓવરફ્લો થઇ ગયો છે. ડેમમાં હાલ 5172 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના ચાર દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને પ્રતિ સેક્ધડ 5172 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામ કંડોરણા તાલુકાના 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર નહી કરવા તાકીદ કરવામાં આવ્યા છે.

રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.10 ફૂટ જ બાકી રહ્યો છે. હવાની લહેરળીથી આજી ડેમ છલકાય રહ્યો છે. જળાશયો છલકાય જવાથી લોકોના હૈયા હરખાય રહ્યા છે.

સિંચાઇ વિભાગ અને કોર્પોરેશનના ઇજનેરીના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જળ સંગ્રહ શક્તિની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવો ભાદર ડેમનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-1957-58માં કરવામાં આવ્યું હતું. ડેમનો સ્ત્રાવ વિસ્તાર 16 કિલો મીટરનો ભાદર ડેમ રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામકંડોરણાના લોકોને પીવાનું તેમજ સિંચાઇનું પાણી પુરૂ પાડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમમાં નવું 0.52 ફૂટ પાણી આવતા ગત મધરાતે ભાદર ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. સ્થાપના બાદ ભાદર ડેમ 24મી વખત ઓવરફ્લો થયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય જતા ગઇકાલે રાત્રે ડેમના આઠ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 27000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. દરમિયાન પાણીની આવક વધતા ડેમના 29 પૈકી 10 દરવાજા ચાર ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી.

દરમિયાન વરસાદે વિરામ લેતા પાણીની આવક ઘટી હતી. હાલ પ્રતિ સેક્ધડ 5172 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમના ચાર દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખી 5172 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના 22 ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે. ભાદરવામાં પડેલા અનરાધાર વરસાદના કારણે મોટાભાગના જળાશયો છલકાય ગયા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમની સપાટી આજે સવારે 28.90 ફૂટે પહોંચી જવા પામી છે. 29 ફૂટની ઉંડાઇ ધરાવતો આજી હવે છલકાવામાં માત્ર 0.10 ફૂટ જ બાકી રહ્યો છે. હવાની લહેરળીથી આજી ડેમ છલકાય રહ્યો છે. ડેમ સાઇટ પર વિશાળ જળરાશિ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર ડેમમાં 0.52 ફૂટ, આજી-1માં 0.46 ફૂટ, સુરવોમાં 1.80 ફૂટ, ફાડદંગ બેટીમાં 0.82 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.49 ફૂટ, કર્ણકીમાં 1.31 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 1.05 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 1.57 ફૂટ, ડેમી-1માં 0.66 ફૂટ, બ્રાહ્મણીમાં 0.62 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 0.98 ફૂટ, સપડામાં 0.30 ફૂટ, ઉંડ-3માં 0.56 ફૂટ, આજી-4માં 0.20 ફૂટ, ઉંડ-1માં 0.13 ફૂટ, કંકાવટીમાં 0.23 ફૂટ, વાડીસંગમાં 0.10 ફૂટ, સસોઇમાં 0.49 ફૂટ, વેરાડી-2માં 0.33 ફૂટ, મીણસાઇમાં 0.10 ફૂટ, વઢવાણ ભોગાવો-1માં 0.30 ફૂટ, વઢવાણ ભોગાવો-2માં 0.56 ફૂટ, લીંબડી ભોગાવો-1માં 0.20 ફૂટ, ફલકુમાં 0.33 ફૂટ, લીંબડી ભોગાવો-2માં 0.33 ફૂટ, ધારીમાં 2.30 ફૂટ, સોરઠીમાં 0.13 ફૂટ અને સાકરોલીમાં 3.54 ફૂટ પાણીની આવક થવા પામી છે.