બોલ માડી અંબે: અંબાજીમાં 5 થી 10 સપ્ટેમ્બર યોજાશે ભાદરવી પૂનમનો મેળો

મેળા દરમ્યાન દર્શનનો સમય વધારાશે: વ્યવસ્થા માટે 28 સમિતિઓની રચના કરાઇ

અબતક,રાજકોટ

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. 5 થી 10 સપ્ટેમ્બર-2022 દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આનંદ અને ઉત્સાહથી મેળો યોજવા સજ્જ બન્યું છે

તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મેળા દરમ્યાન વહેલી સવારે-5.00 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે.

મેળા દરમ્યાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરાથી વોચ રાખશે.

કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.