Abtak Media Google News

ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવતા વર્ષે 15 જાન્યુઆરી, 2024 પછી લગભગ તરત જ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા ભવ્ય મંદિરમાં યોજાશે. આ હેતુથી આગામી 15 જાન્યુઆરી, 2024 સુધીના 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, દિલ્હીથી એક વિશાળ ભક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

6

ભગવાન શ્રીરામચંદ્રની પ્રતિષ્ઠા નિમિત્ત યોજાયેલ આ ઉદ્ઘોષ સભા દ્વારા સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક મૂલ્યોનો સંચાર થશે: પ.પૂ. મહંતસ્વામી મહારાજ

સ્વામી શ્રી બાબા રામદેવજી (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર), સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, અયોધ્યા) અને સ્વામી શ્રી ભદ્રેશદાસજી (બીએપીએસ સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી)ના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત સંતો, મહાત્માઓ, ધર્મગુરુઓ અને વિદ્વાન મહાનુભાવોએ ભાગ લીધો હતો. સમગ્ર રાષ્ટ્રમાં પરસ્પર સ્નેહ, સૌહાર્દ, અને સંવાદિતા સાથે સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પર આદરણીય આ.મ.મ.સ્વામી શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજ, આદરણીય મ.મ.સ્વામી શ્રીપુણ્યાનંદ ગિરીજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીપરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીજ્ઞાનાનંદજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીબાલકાનંદ ગિરિજી મહારાજ, આદરણીય સ્વામી શ્રીપ્રણવાનંદ સરસ્વતીજી મહારાજ, આદરણીય મ.મ.સ્વામી શ્રી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજ, પૂજ્ય સ્વામી શ્રી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજ, પૂજ્ય જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી મહારાજ, મા. શ્રી ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), મા. શ્રી નૃપેન્દ્ર મિશ્રા (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), મા. શ્રી આલોક કુમાર (વિશ્વ હિન્દુ પરિષદ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મા. શ્રી ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા)એ જણાવ્યું, 1983-1984 માં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શિબિરમાં  સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે કહ્યું હતું કે ,’દેશ આઝાદ થઈ ગયો છે તો ક્યાં સુધી રામ જન્મભૂમિ પર તાળા લાગેલા રહેશે ?’ મને સ્વ. અશોક સિંઘલ કહેતા કે ‘હું રામમંદિર દ્વારા રાષ્ટ્રમંદિરનું નિર્માણ કરવા ઈચ્છું છું.’

2

સ્વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, કોષાધ્યક્ષ અયોધ્યા)એ જણાવ્યું.  રામમંદિર નિર્માણ અંતર્ગત શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રામ મંદિર નિર્માણ બાદ સંસારની કોઈ પણ દુષ્ટ શક્તિ મંદિર ને નુકસાન ન પહોંચાડે તે છે અને તે માટે ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ જરૂરી છે અને સમગ્ર દેશમાં હનુમાનજીની અપાર શક્તિનો સંચાર થાય તે આવશ્યક છે કારણકે આ રામમંદિર એ રાષ્ટ્રનું મંદિર છે.  પૂજ્ય જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી મહારાજે જણાવ્યું,હું સમગ્ર વિશ્વના જૈન ધર્મગુરુઓને સંદેશો આપવા માગું છું કે ,”જેમ આપણાં ધર્મમાં ભગવાન આદિનાથ અને ભગવાન મહાવીરનું સ્થાન છે તેવું જ ભગવાન શ્રી રામનું સ્થાન પણ જૈન ધર્મમાં છે અને જેટલું માહાત્મ્ય નવકાર મંત્રનું છે એટલું જ માહાત્મ્ય હનુમાનચાલીસાનું છે. 4 એપ્રિલે ભગવાન મહાવીર જયંતિ છે અને તે શુભ દિવસથી હું પણ હનુમાનચાલીસાનું પઠન શરૂ કરીશ”. વિશ્વ હિન્દુ પરિષદના શ્રી આલોક કુમારજીએ જણાવ્યું, શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો પરંતુ લાખો લોકો નું બલિદાન, 3 લાખ ઈષ્ટિકારૂપી શિલા પૂજનનું આયોજન , 10 કરોડ પરિવારો તેમજ 65 કરોડ લોકોનું મંદિર નિર્માણ માટે દાન વગેરે યાદ કરીને મને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.