Abtak Media Google News

ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા સાત બળવાખોરોને સી.આર.પાટીલે પાણીચું પકડાવી દીધું

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર ભાનુબેન બાબરિયા સામે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારનાર ભરત ચાવડાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ફોર્મ ભરનાર કુલ 7 ઉમેદવારોને ભાજપ દ્વારા પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

શિસ્તબધ્ધ ગણાતા ભાજપમાં પ્રથમવાર એવું બન્યુ છે કે વિધાનસભાની ચૂંટણી પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ભાજપના વર્ષો જૂના અને પક્ષને સમર્પીત કાર્યકરોએ બળવો પોકારી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઇકાલે સાત બળવાખોરો સામે લાલ આંખ કરતા તમામને તાત્કાલીક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામાને આજે સાંજ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ બન્ને નેતા ઉમેદવારી પત્ર પરત નહી ખેંચે તો તેઓને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગત સપ્તાહે જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બળવાખોરો સામે ભાજપ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં ન આવતા અલગ-અલગ નવ બેઠકો પર ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે અસંતુષ્ઠો અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હર્ષદભાઇ વસાવા, જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડનાર અરવિંદભાઇ લાડાણી, સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે અપક્ષમાંથી ફોર્મ ભરનાર છત્રસિંહ ગુંજારિયા, વલસાડની પારડી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કેતનભાઇ પટેલ, રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઇ ચાવડા, ગીર સોમનાથના વેરાવળ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉદયભાઇ શાહ અને અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પરથી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવનાર કરણભાઇ બારૈયાને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના સિટીંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે પાદરા બેઠક પર મજબૂત દાવેદાર હોવા છતા દિનુ મામાને ટિકિટ ન મળતા ભાજપના આ બન્ને મોટા નેતાઓએ બળવો પોકાર્યો છે અને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાં છે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તીથી હોય આ બન્નેને આજ સાંજ સુધીની મહેતલ આપવામાં આવી છે. જો તેઓ ઉમેદવારી પાછી નહી ખેંચે તો બન્નેને પાણીચું પકડાવી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.