Abtak Media Google News

સંભવિત બિપરજોય વાવાઝોડાને લઇ

10 રેપીડ રિસ્પોન્સ ટીમોને એક્ટીવેટ કરી આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા ટીમો સજ્જ

જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે પશુપાલન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. કચ્છમાં પશુઓની સુરક્ષા અને સલામતી માટે ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામથકો ખાતે તાલુકા પશુચિકિત્સા અધિકારી તથા લાયઝન અધિકારી સહિતની ટીમોને લેવાના થતા સુચિત પગલાઓની યાદી આપી કામગીરીની સોંપણી કરવામાં આવી છે.વાવાઝોડાથી પશુઓને થતા નુકસાનથી બચાવવા માટે પશુઓને ચરિયાણમાં ન મોકલવા, સાંકળ-દોરીથી ખીલે ન બાંધી રાખવા તેમજ ઘાસચારા-પાણીનો પુરતો સ્ટોક કરી રાખવા સમજણ આપવા ઉપરાંત પશુપાલકોને વર્તમાનપત્રો તેમજ ઇલેક્ટ્રોનિક મિડીઆ મારફતે સતત જાણકારી આપવામાં આવી રહી છે.

પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે લખપત તથા અબડાસા તાલુકામાં કુલ 6 પશુચિકિત્સા અધિકારીઓ, 7 પશુધન નિરીક્ષકો તેમજ સ્થાનિક સહકારી ડેરીના સ્ટાફ સાથેની કુલ 8 ટીમો બનાવેલી છે અને બન્ને તાલુકામાં 1-1 મદદનીશ પશુપાલન નિયામકની લાયઝન ઓફીસર તરીકે નિમણુંક કરવામા આવી છે. ટીમો દ્વારા વધુ જોખમ વાળા તમામ કાંઠાળ ગામોની મુલાકાત લઇ સ્થાનિક પંચાયત તેમજ આગેવાનોનો સંપર્ક કરી,ગામનાં નિચાણ વાળા કે અસલામત જણાતા સ્થળ પર રખાયેલ પશુઓને ત્યાંથી ખસેડી નજીકમાં ગૌશાળા/પાંજરાપોળ/ ગૌરક્ષણ સમિતીનાં વાડા/ઊંચાણ વાળા વિસ્તારનાં સ્થળે આવેલા વાડાઓમાં મોકલવામાં આવી રહ્યા છે.

અબડાસા અને લખપત તાલુકાનાં સૌથી વધુ જોખમવાળા  વિસ્તારનાં  ગામોનાં 22056 જેટલા  પશુઓને સ્થાનિક ગ્રામ પંચાયત અને  દુધ મંડળીઓ વગેરેનાં સહયોગથી સલામત સ્થળ ખાતે ખસેડેલ છે. સમગ્ર જિલ્લામાં આ રીતે  કુલ 7 તાલુકાનાં 51448 પશુઓને સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયા છે. પશુઓને વાવાઝોડાની સંભવિત અસરોથી બચાવવાની કામગીરી આજે પણ રાત્રિ સમય સુધી ચાલુ રહેશે. વાવાઝોડા પછીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સારવાર, રસીકરણ અને સર્વેક્ષણની કામગીરી સમયસર થઈ શકે માટે  25 જીવીકે-1962 મોબાઇલ પશુ દવાખાના તેમજ 40 પશુ ચિકિત્સકોની ટીમની માંગણી કરાઈ છે.

દરેક પશુ-દવાખાના, શાખા પશુદવાખાના, પ્રાથમિક પશુ દવાખાના, તથા ગ્રામ્ય પશુ સારવાર કેન્દ્રો ખાતે  જીવન રક્ષક દવાઓ અને વેક્સીનનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવેલ છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય કક્ષાએથી લાયઝન અધિકારી તરીકે ડો. એસ. બી ભગોરા, સંયુક્ત પશુપાલન નિયામક, ગાંધીનગર -9712668399 ની નિમણુંક કરવામાં આવેલ છે.

પશ્ચિમ કચ્છના માતાના મઢ દયાપર-નલીયા-નખત્રાણા સહિતના ગામોની બજારો બંધ

હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે .જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે .

જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોજાંઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ , આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર ગામોમાં બજારની તમામ દુકાનો / ગલ્લાઓ / લારીઓ બંધ કરવાનું અત્યંત જરૂરી જણાય છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ( સીઆર.પી.સી. 1973 ( 1974 ના નં .2 ) કલમ 144 અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર દયાપર , દોલતપર , પાન્ધ્રો – વર્માનગર , માતાનામઢ , કોટડા જડોદર , નારાયણ સરોવર , નલીયા , કોઠારા , નખત્રાણા ગામોમાં તા .14 / 6 / 203 ના રાત્રિના 20 કલાકથી તા .16 / 623 ના સવારના 6 વાગ્યા સુધી હુકમનો અમલ કરવાનો રહેશે .

આ હુકમ અન્વયે મેડીકલ સ્ટોર , દૂધ વેચાણ કેન્દ્રો તથા પેટ્રોલપંપ ચાલુ રાખવાના રહેશે .

આ જાહેરનામામાંથી કોઇ વ્યકિતને અનિવાર્ય સંજોગોવસાત મૂકિત આપવાની થાય તો તે અંગેના અધિકાર જે તે પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જને આપવામાં આવ્યા છે . આ હુકમનો ભંગ કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ -188 મુજબ શિક્ષાને પાત્ર થશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.