Abtak Media Google News

સનાતન ધર્મમાં અનેક દેવ દેવીઓ ની પૂજા ભક્તિ કરવામાં આવે છે. આ દેવ દેવીઓના પ્રાગટ્ય દિવસ કે જન્મદિવસ ને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ, વિશ્વકર્મા દેવ વિશે અમુક લોકો કે જાતિ ને બાદ કરતા ઘણાં લોકો હજુ અજાણ છે. આવતીકાલે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી છે. તો ચાલો જાણીએ ભગવાન વિશ્વકર્મા કોણ હતા? શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગર માંથી શેષશૈયા દ્વારા પ્રગટ થયા હતા ત્યારે તેમની નાભી માંથી એક કમળ ઉત્પન્ન થયું, તે કમળમાં બ્રહ્માજી બિરાજમાન હતા.

આ બ્રહ્માજીના પૌત્ર વાસ્તુ દેવ હતા અને વાસ્તુ દેવના પુત્ર શ્રી વિશ્વકર્મા હતા. આમ પિતા વાસ્તુદેવનો વારસો વિશ્વકર્મા ને પ્રાપ્ત થયો હતો. આથી જ તેઓ વિશ્વના શ્રેષ્ઠ વાસ્તુકાર ગણાય છે.હિંદુ પંચાંગ પ્રમાણે વિશ્વકર્મા જયંતી મહા મહિનાની સુદ તેરસ ના દિવસે મનાવાય છે. પશ્ચિમ ભારતનાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં આ દિવસે ભગવાન વિશ્વકર્માની ભાવભેર પૂજા કરવામાં આવે છે. પરંતુ પૂર્વ ભારતના રાજ્યોમાં કેલેન્ડર વર્ષ પ્રમાણે 16-17 સપ્ટેમ્બર નાં, જ્યારે સૂર્ય ક્ધયા રાશિમાં પ્રવેશે છે ત્યારે વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

કહેવાય છે કે આ સૃષ્ટિની રચના બ્રહ્માજી એ કરી હતી. બ્રહ્માજી ના મુખ્ય સહાયક તરીકે વિશ્વકર્મા દેવે બ્રહ્માજીના નિર્દેશ અનુસાર આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તેઓ દેવતાઓના શિલ્પકાર હતા. તેમજ આ દુનિયાના સૌથી મોટા એન્જિનિયર અને શ્રેષ્ઠ વાસ્તુકાર હતા.આધુનિક યુગના એન્જિનિયરોના ભગવાન ગણાતા વિશ્વકર્માજીએ  ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા, રાવણની સોનાની લંકા, પાંડવોનું રાજ્ય ઇન્દ્રપ્રસ્થ, સુદામાપૂરી, કે પછી ઇન્દ્રનું સ્વર્ગ લોક, આવા અનેક નગરો તેમજ મહેલોનું નિર્માણ કર્યું હતું. આ સૃષ્ટિ ઉપર આવા અનેક પ્રકારનું નિર્માણ ભગવાન વિશ્વકર્મા દ્વારા થયું છે, કે જે વાસ્તુકળા ની અદભુત મિશાલ છે.

વિશ્વકર્માજીને હથિયારો ના દેવતા પણ કહેવાય છે. મહર્ષિ દધીચી દ્વારા આપેલા તેમના હાડકામાંથી વિશ્વકર્માજીએ વજ્ર બનાવ્યું હતું, જે દેવતાઓના રાજા ઇન્દ્રનું મુખ્ય હથિયાર હતું. શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર, ભગવાન શંકરનું ત્રિશુલ, યમરાજનો કાલદંડ, રાવણનું પુષ્પક વિમાન આ બધાનું નિર્માણ કરનાર વિશ્વકર્મા દેવ જ હતા. તેઓને વાસ્તુ કળાના જનક પણ કહેવાય છે.વિશ્વકર્માજી નો પુત્ર નલ કે જેણે ત્રેતા યુગમાં વાનર રૂપમાં જન્મ લઈને ભગવાન શ્રીરામ માટે “રામસેતુ” નું નિર્માણ કર્યું હતું.

વિશ્વકર્માજી ને ત્રણ પુત્રી તથા પાંચ પુત્ર હતા. તેમાંથી તેની એક પુત્રી સંધ્યા ના વિવાહ સૂર્યદેવ સાથે થયા હતા. તેથી તેઓ સૂર્યદેવના સસરા હતા. મૃત્યુના દેવતા યમરાજ અને ધરતીમાં વહેતી યમુના ના તેઓ નાનાજી હતા. વિશ્વકર્મા નું નામ ઋગ્વેદમાં સૌથી પહેલા આવે છે. અને તેમને યાંત્રિકીકરણ તેમજ વાસ્તુકળા નાં વિજ્ઞાન સ્થાપત્ય વેદ તરીકેનો શ્રેય જાય છે. મજૂરો, કારીગરો, યાંત્રીકો, શિલ્પકારો, લુહાર તેમજ અન્ય શ્રમિકો દ્વારા મંદિરોમાં આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. આમ વિશ્વકર્મા દેવને દુનિયાના પ્રથમ એન્જિનિયર માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.