Abtak Media Google News

Tulsidasji 2 ભગવાન ‘શ્રીરામ’ પર સમગ્ર જીવન સમર્પિત કરનાર ગોસ્વામીજી સંત તુલસીદાસની આવતીકાલે

તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસને વિશ્ર્વના 100 સર્વશ્રેષ્ઠ લોકપ્રિય કાવ્યોમાં 46મું સ્થાન અપાયું છે: તેમની દરેક રચનાઓ અવધી અને બ્રજ ભાષામાં કંડારાઈ છે

રામચરિત માનસ, કવિતાવલી, હનુમાન ચાલીસા, બરવૈ રામાયણ, વિનય પત્રિકા, ગીતાવલી તથા જાનકી મંગલ વગેરે તેઓની જાણીતી કૃતિઓ છે

શ્રાવણ સુદ સાતમ એટલે સંત ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ. આજે તુલસીદાસજીની જન્મજયંતિ છે.

તુલસીદાસજીનો જન્મ સંવત 1589માં ઉત્તરપ્રદેશના જે બાંદા જનપદના રાજાપુર ગામમાં થયો હતો તથા 1623માં તેઓનું મૃત્યુ થયું હતું. જન્મતાની સાથે જ તેઓના મુખમાંથી રામ નીકળ્યું હતું. તેથી તેઓને ‘રામબોલા’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સર્યૂપારી બ્રાહ્મણ હતા અને ગોસાઈ સમાજ સાથે સંબંધ ધરાવતા હતા.

તુલસીદાસજીનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. તેઓના જન્મની સાથે જ તેની માતાનું મૃત્યુ થઈ જવાથી પિતાએ અપશુકનિયાળ કહીને તેનો ત્યાગ કર્યો હતો. પિતાએ છોડી દીધા બાદ એક ગરીબ મહિલાએ બીજા ગામડામાં તેમનો ઉછેર કર્યો અને થોડા સમયમાં એ મહિલાનું પણ નિધન થવાથી ગામના લોકોએ પણ તેને અપશુકનિયાળ માન્યા હતા. નાની ઉંમરમાં ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતા હતા. ઈશ્ર્વરની કૃપાથી તુલસીદાસજીને પાલકના રૂપમાં ગુરુ નરહરિદાસ મળ્યા તેઓએ તેમનો ઉછેર પણ ર્ક્યો અને જ્ઞાન આપીને વિદ્વાન પણ બનાવ્યા હતા અને આગળ જતા તુલસીદાસજીએ વેદાંગ, દર્શન, ઈતિહાસ, પુરાણ વગેરેનું જ્ઞાન મેળવ્યું.

તુલસીદાસજીના 29 વર્ષની ઉંમરમાં રત્નાવલી સાથે લગ્ન થયા. તેઓ તેને અનહદ પ્રેમ કરતા હતા. એકવાર તેમના પત્ની પિયર ગઈ હતી અને તેની યાદમાં તુલસીદાસજી એક રાત્રે મધરાત્રે વરસાદમાં પણ તેને મળવા ગયા અને ઠપકો આપ્યો કે, જેટલા મને યાદ કરો છો એટલા પ્રભુ શ્રીરામને યાદ કરશો તો બેડો પાર થઈ જશે. પત્નીની આ વાતથી તુલસીદાસજીનું હૃદય પરિવર્તન થયું અને તેમણે ભગવાન શ્રીરામ પર જીવન સમર્પિત કરી દીધું.

તુલસીદાસજીએ વિવિધ ગ્રંથ અને કૃતિઓની રચના કરી છે. જેમાં રામચરિત માનસ, કવિતાવલી, જાનકી મંગલ, વિનય પત્રિકા, ગીતાવલી, હનુમાન ચાલીસા, બરવૈ રામાયણ મુખ્ય છે તથા મહાકાવ્ય શ્રીરામ ચરિત માનસને વિશ્ર્વના 100 સર્વશ્રેષ્ઠ લોકપ્રિય કાવ્યોમાં 46મું સ્થાન આપવામાં આવ્યું છે. તેઓએ પોતાની દરેક રચનાઓ અવધી અને બ્રજ ભાષામાં લખી છે. તુલસીદાસજીને આદિકાવ્ય રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીનો અવતાર માનવામાં આવે છે. તેઓને ભગવાન શંકર, માતા પાર્વતી અને હમુનાજીના દર્શન થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.