ભાજપ મેદાનમાં: કૃષિ બિલના સમર્થનમાં ગુજરાતમાં ૯ ખેડૂત સંમેલનો યોજશે

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં  ભાજપનો વિજય વાવટો ફરકાવવા પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ તરીકે આઇ. કે. જાડેજા, ભાર્ગવ ભટ્ટ અને મહેશ કસવાલાની નિમણૂંક: જિલ્લા દીઠ બે ઇન્ચાર્જની નિયુક્તિ

કેન્દ્ર સરકાર દ્રારા અમલમાં મુકવામાં આવેલા કૃષિ સુધારણા બીલનો દેશના અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહયો છે.ત્યારે ગુજરાતમાં ખેડુતોને આ નવા બિલના ફાયદાની સમજણ આપવા ભાજપ ૮ સ્થળે પત્રકાર પરિષદ અને ૯ જગ્યાએ ખેડુત સંમેલનમાં યોજશે.પ્રદેશ ભાજપની ચિંતન બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

આ અંગે વધુ માહિતી આપતા પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ચિંતન બેઠક યોજાઇ હતી.કે, આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપા સંગઠનના વિગતવાર આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનું આત્મનિર્ભર થવું અનિવાર્ય છે અને દેશના કરોડો ખેડૂતોના ઉત્થાન માટે, તેમની પ્રગતિ માટે, આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ઐતિહાસિક કૃષિ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે તે અંગે ભાજપા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં ૮ પત્રકાર પરિષદ અને ૯ ખેડૂત સંમેલનો કરવામાં આવશે.

તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ  આઇ. કે. જાડેજા,ભાર્ગવભાઇ ભટ્ટ અને પ્રદેશ અગ્રણી મહેશભાઇ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તાઓ, ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. આગામી ૨૫ ડિસેમ્બરે ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપા દ્વારા દર વર્ષની જેમ સુશાસન દિન તરીકે ઉજવવામાં આવશે જે અંતર્ગત રાજ્યના ૫૧ હજારથી વધુ બુથમાં વાજપેયીજીના જીવન કવન, સંભારણા અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપા સરકાર દ્વારા કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે તેમજ જીલ્લા દીઠ વર્ચ્યુઅલ બેઠકોનું આયોજન કરી પરમ શ્રદ્ધૈય શ્રી અટલજીને સ્મરણાજંલી અપર્ણ કરવામાં આવશે. ૧૧ ફેબ્રુઆરીએ જનસંઘના સંસ્થાપક એકાત્મમાનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિનને પ્રદેશ ભાજપા દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવવામાં આવશે.