Abtak Media Google News
  • ઇસ્લામિક સંગઠને ભારતમાં લઘુમતિ ખતરામાં હોવાનું નિવેદન આપ્યું, ભારતે ખંડન કર્યું
  • વિવાદિત ટિપ્પણી બાદ તમામ ઇસ્લામિક દેશોમાંથી ઉઠ્યો વિરોધનો સુર

ભાજપના બે નેતાઓએ પયગંબર મોહમ્મદ સંબંધિત કરેલી ટિપ્પણીથી વિશ્વ આખામાં ધમાસાણ મચ્યું છે. ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિકે આ ટિપ્પણીને લઈને એવું નિવેદન આપ્યું છે કે ભારતમાં લઘુમતિના હકોનું જતન થતું નથી. માટે તે ખતરામાં છે. ભારતે આ નિવેદનને વખોડી કાઢ્યું છે.

બે હવે સસ્પેન્ડ અને હાંકી કાઢવામાં આવેલા ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઇસ્લામિક દેશોની ટીકાઓ વચ્ચે, ભારતે સોમવારે ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક દેશોની ટિપ્પણીને “સંકુચિત માનસિક” ગણાવી. ભારતે આ મામલે પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ અને વિદેશ મંત્રાલયના નિવેદનો પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, લઘુમતીઓના અધિકારોનું સતત ઉલ્લંઘન કરનાર એક દેશની ટિપ્પણી બીજા દેશમાં લઘુમતીઓ સાથે થતા વ્યવહારને લઈને કરી શકાય નહીં. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક ક્ધટ્રીઝના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ કહ્યું કે ભારત તમામ ધર્મો માટે સર્વોચ્ચ સન્માન ધરાવે છે અને 57 સભ્યોના જૂથનું નિવેદન તેના વિભાજનકારી એજન્ડામાં નિહિત હિતોને પ્રોત્સાહન આપે છે. ઓઆઈસીએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધની ટિપ્પણી માટે ભારતની ટીકા કરી હતી અને સંયુક્ત રાષ્ટ્રને મુસ્લિમોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

બાગચીએ કહ્યું, અમે ભારતને લઈને ઓઆઈસી સચિવાલયનું નિવેદન જોયું છે.  ભારત સરકાર ઓઆઈસી સચિવાલયની ’બિનજરૂરી અને સંકુચિત ટિપ્પણીઓ’ને સખત રીતે નકારી કાઢે છે.  ભારત સરકાર તમામ ધર્મોનું સર્વોચ્ચ સન્માન કરે છે.

નોંધપાત્ર રીતે, ભાજપે રવિવારે તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને વિવાદાસ્પદ નિવેદનો બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.  તે જ સમયે, પાર્ટી નેતૃત્વએ દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને ભાજપમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો.  ઘણા ગલ્ફ દેશોએ બંને નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આ ટિપ્પણી પર મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે, ભાજપે એક રીતે બંને નેતાઓના નિવેદનોને ખંખેરી નાખતા કહ્યું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સ્વીકારતું નથી.

આ કિસ્સામાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીની નિંદા કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે ભારતની વર્તમાન સરકાર ધાર્મિક સ્વતંત્રતા અને ખાસ કરીને મુસ્લિમોના અધિકારોને કચડી રહી છે. આ વિવાદાસ્પદ ટીપ્પણીઓ સામે પોતાનો વિરોધ નોંધાવવા પાકિસ્તાને સોમવારે સવારે ભારતીય હાઈ કમિશનના ઈન્ચાર્જને બોલાવ્યા હતા. તે જ સમયે, કતાર, કુવૈત અને ઈરાને આ મામલે ભારતીય રાજદૂતોને બોલાવ્યા અને આ વિવાદાસ્પદ નિવેદનની નિંદા કરી.  સાઉદી અરેબિયા, બહેરીન અને અફઘાનિસ્તાને પણ આ વિવાદિત નિવેદનની નિંદા કરી છે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ભાજપના પ્રવક્તાની ટીપ્પણીની નિંદા કરતા કહ્યું કે તેઓએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. બીજી તરફ, બહેરીનના વિદેશ મંત્રાલયે તેના નેતાઓ સામે ભાજપની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે.કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રાજદૂતને રવિવારે બોલાવવામાં આવ્યા હતા અને એશિયા મામલાના સહાયક વિદેશ મંત્રીએ તેમને સત્તાવાર વિરોધ નોંધ સોંપી હતી, જેમાં પ્રોફેટની નિંદા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના નેતૃત્વવાળી સરકારે પણ આ ટિપ્પણીઓની નિંદા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.