Abtak Media Google News

૫૫ નગરપાલિકાની ૨૦૬૮ બેઠક, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક અને ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૮ બેઠકો માટે ભાજપમાં ૭૦,૦૦૦થી વધુ દાવેદારો હોય, ચારણો મારવામાં પાર્લામેન્ટરી બોર્ડ હાંફી ગયું

છ મહાપાલિકાની માફક નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામની ઘોષણા એકી સાથે કરી દેવાની ભાજપની વ્યૂહરચના

રાજ્યની ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રીતસર રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાલુકા મથકે પ્રથમ દિવસે જ ફોર્મ લેવા ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થતાંની સાથે જ ઉમેદવારોના નામની ઘોષણા ભાજપ દ્વારા કરી દેવામાં આવશે. રાજ્યની છ મહાપાલિકા માટે જે રીતે ભાજપે એક જ દિવસમાં ૫૭૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા તે જ રીતે પાલિકા અને પંચાયત માટે ૭૮૨૬ ઉમેદવારોના નામ એક જ દિવસમાં જાહેર કરી દેવાની વ્યુહરચના ભાજપ અપનાવે તેવું લાગી રહ્યું છેે. મોટાભાગની જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લેવામાં આવ્યા છે. હવે માત્ર ચાર ઉમેદવારોના નામની પેનલ સામે ખાનામાં નામ લખવાનું જ બાકી રાખવામાં આવ્યું છે. આવતીકાલે અથવા ગુરૂવારે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કર્યા બાદ શુક્રવારે ભાજપના તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે અને શનિવારથી જોરશોરથી પ્રચાર-પ્રસાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

રાજ્યની છ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક જ દિવસમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી એક ઈતિહાસ રચી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા કેટલાંક નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે. જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં લાગુ રહેશે. રાજ્યની ૫૫ નગરપાલિકાની ૨૦૬૮ બેઠક, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક અને ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૮ બેઠકની સામાન્ય ચૂંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને સાંભળવા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન પાલિકા અને પંચાયતની કુલ ૭૮૨૬ બેઠકો માટે ૭૦,૦૦૦થી વધુ કાર્યકરોએ ઈચ્છા વ્યકત કરતા પાર્લામેન્ટરી બોર્ડ અને સ્થાનિક સંકલન સમીતીએ ઉમેદવારોના નામની પેનલ બનાવવામાં રીતસર તનતોડ મહેનત કરવી પડી હતી. ગત રવિવારથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. જેમાં અલગ અલગ જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજી વોર્ડવાઈઝ જ્ઞાતિ-જાતિના સમીકરણો અને અનામતને ધ્યાનમાં રાખી પેનલ તૈયાર કરવામાં આવી રહી છે.

આવતીકાલે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો અંતિમ દિવસ છે. સાંજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થતાંની સાથે જ ભાજપ ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકાઓ માટે તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દે તેવી સંભાવના જણાય રહી છે. સુત્રોના જણાવ્યાનુસાર જે રીતે પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયાં બાદ બીજે દિવસે છ મહાપાલિકાની ૫૭૬ બેઠકો માટે એક જ દિવસમાં ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી તે જ ફોર્મ્યુલા મુજબ ભાજપ દ્વારા આવતીકાલે અને વધીને ગુરૂવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોના નામના ઘોષણા કરવામાં આવશે. ભાજપના ઉમેદવારો શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરશે. મહાપાલિકાની માફક જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ચૂંટણી લડતા ઉમેદવારોને પ્રચાર-પ્રસાર માટે ખુબજ ઓછો સમય મળશે. આવામાં શુક્રવારે ફોર્મ ભરાવી રવિવારથી ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર-ઝુંબેશ શરૂ કરી દેવાની વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થતાંની સાથે જ તબક્કાવાર ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.