Abtak Media Google News

રાજકોટમાં ભાજપને ૫૫ બેઠકો, જામનગરમાં ૪૪ બેઠકો અને ભાવનગરમાં ૩૭ બેઠકો મળે તેવો બુકી બજારનો અંદાજ

મતદાન બાદ બેઠકોની સંખ્યામાં વધારો-ઘટાડો થવાની પણ શકયતા

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. રાજ્યની તમામ છ મહાપાલિકામાં તોતીંગ બહુમતિ સાથે ભાજપ ફરી સત્તારૂઢ થશે તેવો અંદાજ સટ્ટાબજાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ૨૦૦૫માં યોજાયેલી છ મહાપાલિકાની ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપની બેઠકોમાં ૮૫ થી ૯૦ બેઠકોનો વધારો થાય તેવી પણ શકયતા વ્યકત કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપ ૫૫ બેઠકો પર, જામનગરમાં ૪૪ બેઠકો પર અને ભાવનગરમાં ૩૭ બેઠકો પર વિજેતા બને તેવો બુકી બજારને અંદાજ છે. જો કે મતદાનની ટકાવારી બાદ બેઠકોની સંખ્યામાં થોડો ઘણો વધારો થાય તેવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૫માં યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર હોવા છતાં ભાજપ બહુમતિ સાથે સત્તારૂઢ થયું હતું. છ કોર્પોરેશનની ૫૭૬ બેઠકોમાંથી ભાજપને ગત ટર્મમાં ૩૪૩ બેઠકો મળી હતી. આ વખતે આવું કોઈપણ પરિબળ અસ્તિત્વમાં ન હોય ભાજપ ૫૭૬માંથી ૪૨૫ બેઠકો પર વિજેતા બને તેવો અંદાજ બુકી બજાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને આજ પ્રમાણે ભાવ બોલાઈ રહ્યાં છે. અમદાવાદ મહાપાલિકાની ૧૯૨ બેઠકો પૈકી ભાજપ ૧૫૩ થી ૧૫૬ બેઠકો પર વિજેતા બને તેવી સંભાવના છે. ગત ટર્મમાં ભાજપને ૧૪૩ બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ વખતે બેઠકોની સંખ્યામાં ૧૦ થી ૧૩ સીટનો વધારો થવાની શકયતા પણ બુકી બજારે વ્યકત કરી છે. સુરત મહાપાલિકાની ૧૨૦ બેઠકો પૈકી ગત ટર્મમાં ભાજપ ૮૦ બેઠકો પર વિજેતા બન્યું હતું. આ વખતે આ જ સીનારીયો જળવાઈ રહે તેવું લાગી રહ્યું છે અને ભાજપ ૮૬ થી લઈ ૮૯ બેઠકો પર વિજેતા બને તેવી સંભાવના બુકી બજારે વ્યકત કરી છે. વડોદરા મહાનગરપાલિકાની ૭૬ બેઠકો પૈકી ગત ટર્મમાં ભાજપ ૫૭ બેઠકો પર વિજેતા બન્યુ હતું. આ વખતે ભાજપને ફાળે ૬૦ થી ૬૨ બેઠકો આવે તેવી સંભાવના સટ્ટાબજારે વ્યકત કરી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે ભાજપને બહુ મોટો ફાયદો થઈ રહ્યો હોવાનો અંદાજ છે. ગત વખતે ભાજપના ફાળે માત્ર ૩૮ બેઠકો જ આવી હતી અને બે બેઠકોની પેટા ચૂંટણીમાં પક્ષ વિજેતા બનતા ૪૦ બેઠકો સુધી પહોંચ્યું હતું. આ વખતે ભાજપને ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાંથી ૫૫ બેઠકો પ્રાપ્ત થાય તેવી સંભાવના બુકી બજાર દ્વારા વ્યકત કરવામાં આવી છે. જામનગર મહાપાલિકામાં પણ ભાજપને ફાયદો થઈ રહ્યાંનું બુકી બજાર જણાવી રહ્યું છે. જામનગરમાં ગત ટર્મમાં ભાજપ ૩૮ બેઠકો વિજેતા બન્યું હતું. આ વખતે ભાજપને ૪૨ થી ૪૪ બેઠકો પ્રાપ્ત થાય તેવી સંભાવના જણાય રહી છે. જ્યારે ભાવનગરમાં ગત ટર્મ જેવું જ પરિણામ આવે તેવું દેખાઈ રહ્યું છે. ૨૦૧૫માં ભાજપને ભાવનગરમાં ૩૪ બેઠકો મળી હતી અને આ વખતે ૩૪ થી ૩૭ બેઠકો મળે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

બુકી બજારે રાજ્યની છ મહાનગરપાલિકામાં ભાજપની જીત દર્શાવતા ભાવો કાઢ્યા છે તો બીજી તરફ હજુ સુધી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ભાવો બોલાયા નથી. રાજકોટમાં આપનું ખાતુ ખુલે તેવી શકયતા પણ ન હોવાનું બુકી બજારમાં અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થશે તે અંગે હજુ સુધી બુકી બજારમાં ભાવ બોલાતા નથી. ૨૦૧૫માં યોજાયેલી છ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી. છતાં ભાજપ છ મહાપાલિકાઓમાં પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થયું હતું. છ મહાપાલિકાની ૫૭૬ બેઠકોમાંથી ભાજપને ફાળે ૩૪૩ બેઠકો આવી હતી. આ વખતે એવું કોઈપણ પરિબળ અસ્તિત્વમાં નથી જે પક્ષને મોટુ નુકશાન પહોંચાડી શકે. આવામાં છ મહાપાલિકામાં કમળ પૂર્ણ બહુમત સાથે ખીલે તેવો અંદાજ બુકી બજારે હાલ અંદાજ્યો છે અને ૫૭૬ બેઠકોમાંથી ૪૨૫ ભાજપને ફાળે જાય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે સતત એક સપ્તાહથી વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ મત પેટીમાં ઠલવાય તો પરિણામ પર તેની અસર નકારી શકાતી નથી. રવિવારે મતદાન અને તેની ટકાવારી બાદ આખરી ક્યાંસ કાઢવામાં આવશે કે મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ કેટલી બેઠક સાથે સત્તારૂઢ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.