Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતે આવી ગઈ છે. આગામી તા.૧ના રોજ પ્રથમ તબક્કાની ૬ મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. ત્યારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જનાર હોય તમામ પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે કોરોના ચૂંટણીમાં વિઘ્ન બને છે કે કેમ તે આવનાર દિવસોમાં જ ખ્યાલ આવશે.

સ્થાનિક સ્વરાજુની ચૂંટણીનું એલાન ગત તા.૨૩ના રોજ થયું હતું. ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જેના પ્રથમ તબક્કામાં રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કામાં યોજાનાર રાજકોટ, અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા મહાપાલિકા માટે આગામી સોમવારના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે.

આગામી સોમવારના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયા વેંત જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જનાર છે. જે છ દિવસ સુધી ચાલવાની છે. તા.૬ના રોજ ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ તા.૮ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવનાર છે. ત્યારપછી તા.૯ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હશે. બાદમાં તા.૨૧ના ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જો પુન: મતદાનની જરૂર પડે તો ૨૨ ફેબ્રુઆરીમાં રોજ પુન:મતદાન યોજાશે. બાદમાં તા.૨૩ ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે અને ૨૬મીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

બીજા તબક્કામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેનો કાર્યક્રમ એક અઠવાડિયુ મોડો ચાલશે. જેમાં તા.૮ના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. તા.૧૩ના રોજ ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ તા.૧૫ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવનાર છે. ત્યારપછી તા.૧૬ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હશે. બાદમાં તા.૨૮ના ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જો પુન: મતદાનની જરૂર પડે તો ૧ માર્ચમાં પુન:મતદાન યોજાશે. બાદમાં તા.૨ માર્ચના રોજ મતગણતરી યોજાશે અને ૫મી માર્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળે બે વખત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પાછી ઠેલવી હતી હવે અંતે ચૂંટણી આવી ગઇ છે. રાજકીય પક્ષોમાં પણ ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે સામે મતદારોને પણ બદલાવની આશા સાથે મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી હોય તેઓમાં પણ ઉત્સાહ ચરમસીમાએ છે. પ્રથમ તબક્કામાં છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે તેને એક અઠવાડીયા બાદ જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જો કે બંને તબક્કાની તમામ પ્રક્રિયા એક અઠવાડીયું મોડી ચાલશે.

કોરોના પોઝિટિવ મતદારો મતદાન કરી શકશે કે નહીં? હજુપણ અસમંજસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઇકાલે ચૂંટણી પંચે એસઓપી જાહેર કરી હતી. જેમાં જો કોઈ ઉમેદવારને કોરોના પોઝિટિવ હોય તો તેઓએ ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. પણ કોઈ મતદારને કોરોના પોઝિટિવ હશે તો તેનું શુ તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોરોનાગ્રસ્ત મતદાર મતદાન કરી શકશે કે નહિ તે મામલે હજુ અસમંજસ ભરી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર છે. કોઈ આ અધિકાર છીનવી શકે તેમ ન હોય એટલા માટે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બેલેટ પેપરથી મતદાન યોજાઈ તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

ચૂંટણી પંચ દ્વારા ર૬ ઓબ્ઝર્વરની નિમણૂંક

ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં રાજકુમાર બેનીવાલ, પાટણ જિલ્લામાં કે.વી.ભાલોડિયા, ગાંધીનગર જિલ્લામાં જે.પી. દેવાગન, સાબરકાંઠા જિલ્લામાં આર.આર.ડામોર, મહીસાગર જિલ્લામાં જી.પી.બ્રહ્મભટ્ટ, સુરત જિલ્લામાં રાકેશ શંકર, તાપી જિલ્લામાં ડો.એમ.કે. પાટડીયા, નર્મદા જિલ્લામાં એસ.જે.જોશી, વડોદરા જિલ્લામાં રાજેશ માંઝુ, વલસાડ જિલ્લામાં એમ.એન.વોરા, ભરૂચ જિલ્લામાં એન.એસ.હાલબે, રાજકોટ જિલ્લામાં મનીષા ચંદ્રા, જામનગર જિલ્લામાં કે.એમ.ભીમજીયાણી, મોરબી જિલ્લામાં વાય.એ.દેસાઇ, ભાવનગર જિલ્લામાં ડી.જી.પટેલ, આણંદ જિલ્લામાં વી.આઈ.પટેલ, ખેડા જિલ્લામાં કે.એસ.યાજ્ઞિક, દાહોદ જિલ્લામાં પી.એ.નિનામાં, જૂનાગઢ જિલ્લામાં આર.પી.પટેલ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એમ.ડી.ચુડાસમા, કચ્છ જિલ્લામાં એન.એન.માધુ, સુરેન્દ્રનગર જિલ્લામાં આર.એન.કુચારા, અમરેલી જિલ્લામાં પી.ટી.સાધુ, નવસારી જિલ્લામાં અંજના એન. પટેલ, ડાંગ જિલ્લામાં જી.બી. મંગલપરા અને મહેસાણા જિલ્લામાં વી.કે. જાદવની નિમણુંક કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.