Abtak Media Google News

શહીદોના નામે મત માગતા ભાજપથી યુવાનો નારાજ: દેશના સૈનિકોને સન્માન અપાય એમની વીરતાને વટાવાય નહીં

યુવાનો પોતાનો પહેલો મત દેશ માટે આપશે, સતત બદલાતા વેશ માટે નહીં

રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી એ જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રની તમામ બેઠક પર ભાજપનો સફાયો થશે અને એની શરુઆત રાજકોટથી થશે એટલે કે સૌથી વધારે લીડ કોંગ્રેસની રાજકોટ બેઠક પર રહેશે. જુનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં લોકોનો નબળો પ્રતિસાદ એ વાતની ગવાહી આપી રહ્યો છે કે આ વખતે મોદી લહેર ઘટી ગઇ છે. લોકોને સાચાં ખોટાનો ભેદ સમજાઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી અને આખો ભાજપ પોતાના રાજકીય હીત માટે હકિકતો સાથે ચેડા કરી રહ્યા છે. શહીદોની શહીદીને વંદન કરવાના બદલે એના નામે વોટ માંગી રહ્યા છે.

કોંગ્રેસના આગેવાને કહ્યું કે પુલવામા હુમલો ભારતની સુરક્ષા એજન્સી પરનો ઘાતક હુમલો હતો અને એમાં  જે સૈનિકો શહીદ થયા એના માટે આખા દેશને સહાનુભૂતિ છે. એમના પરિવાર માટે પણ દેશવાસીઓએ યથાશક્તિ યોગદાન આપ્યું છે. જે એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇકની વાત નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે એના માટે પણ સૈનિકોને અને લશ્કરની ત્રણેય પાંખને સદાય વંદન હોય. યુધ્ધના સંજોગો ન હોય તો ય સૈનિકો-સેના હંમેશા આદરપાત્ર હોય. કોંગ્રેસ અને દેશના લોકો હંમેશા એ આદર આપે છે. ભાજપ અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૈનિકોની ગરિમા જાળવવાના બદલે એમના જોમ અને જુસ્સાનું રાજકીયકરણ કરી રહ્યા છે.બુધવારે જૂનાગઢની જાહેરસભામાં નરેન્દ્રભાઇએ ખેડુતનો તો એક પણ પ્રશ્ર્ન ઊઠાવ્યો નહીં. એની ચર્ચા ન કરી. ઇતિહાસને તોડી મરોડીને રજૂ કર્યો એ તો એમની આદત છે. પણ એમણે યુવાનોને સંબોધીને કહ્યું કે તમે તમારો પ્રથમ મત ભારતના શહિદો માટે આપજો. આ હદ થઇ ગઇ. દેશના યુવાનોને પણ ઇમોશનલ બ્લેમેલ કરવાનો આનાથી ખરાબ રસ્તો એકેય નથી. સૈનિકોનું શૌર્ય,શહિદી ક્યારેય ચૂંટણી પ્રચારનો મુદ્દો હોઇ ન શકે. ૧૯૬૫માં, ૭૧માં ભારતે પાકિસ્તાનને ખોખરું કરી નાંખ્યું હતું. એનો યશ ક્યારેય

કોંગ્રેસના નેતાઓએ નથી લીધો અને વડાપ્રધાન તો આતંકવાદીઓના હુમલાને ચૂંટણી સાથે જોડવા માંડ્યા.

કોંગ્રેસના અગ્રણીએ કહ્યું કે યુવાનો આ રીતે છેતરાવાના નથી. એ લોકો પણ સાચું ખોટું બધું સમજે છે. એમણે ઉમેર્યું કે શહીદીનો વીરતાને વટાવવાનું ભાજપને ભારે પડશે. સૌરાષ્ટ્રમાં ખેડુતના પ્રશ્ર્નો છે.

પાકવીમો સહિતની વાતો માટે ખેડુતો તલસે છે પણ એના બદલે મોદી એજ જુની સરદાર સાહેબની રેકર્ડ વગાડે છે. સરદાર સાહેબ ફક્ત કોંગ્રેસના નહીં સમગ્ર દેશના હતા છે અને રહેશે. ભાજપની આવી વાતોથી હવે લોકો કંટાળી ગયા છે.જૂનાગઢની જાહેરસભામાં લોકનો મોળો પ્રતિસાદ આ વાતની ઝાઁખી છે. માંડ માંડ એકઠા કરેલા લોકો હતા એ પણ દેખાઇ આવ્યું હતું અને એમના પ્રવચનને પણ કોઇ ગંભીરતાથી લેતું નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ અને અમરેલીમાં જે થયું એ જ આ વખતે લોકસભામાં સૌરાષ્ટ્રની તમામ બેઠક પર થશે. રાજકોટમાં કોંગ્રેસની સરસાઇ સૌથી વધારે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.