Abtak Media Google News

૩૦મી સુધીમાં રાજયના તમામ જિલ્લા મથકે બૌધ્ધીક સંમેલન: ૧૨મી જાન્યુઆરી સુધી ઘર-ઘર પત્રિકા વિતરણ સંવાદ સહિતના કાર્યક્રમો

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ બેઠક યોજાઇ હતી.આ “પ્રદેશ બેઠક”માં “નાગરિકતા સંશોધન એક્ટ-ઈઅઅ ૨૦૧૯” સંદર્ભે જનજાગરણ અભિયાન અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના માર્ગદર્શક સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપા હર હંમેશ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે દેશસેવામાં અને ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રહિત અને જનસેવાની નેમ સાથે જાહેર જીવનમાં કાર્યરત હોય છે. ભાજપાએ હંમેશા અખંડ ભારત અને મજબૂત દેશના નિર્માણની ભાવના સાથે જાહેર જીવનમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે જનસંઘના સમયથી લાખો કાર્યકર્તાઓએ વૈચારિક સંઘર્ષ કર્યો છે. રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિના પરિણામ સ્વરૂપ જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫અ નું નિર્મૂલન શક્ય બન્યું છે અને દેશમાં નાગરિકતા સંશોધન કાયદો ઈઅઅ-૨૦૧૯ અસ્તિત્વમાં આવ્યો છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક રીતે પ્રતાડિત અલ્પસંખ્યકોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દેશમાં રહેતા કોઈપણ નાગરિકનું નાગરિકત્વ છીનવવાની ક્યાંય વાત જ નથી.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઇ વાઘાણીએ તેમના અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશની જનતાએ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં અનેક આશા-આકાંશા-અપેક્ષા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખોબે ખોબે મત આપી  ફરી એકવાર દેશનું સુકાન સોંપ્યું છે ત્યારે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ અર્થે, દેશની સુરક્ષા સલામતી અને એકતા અખંડિતતાને મજબૂત બનાવતા સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઇ રહ્યા છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી માટે દેશના નાગરિકોનું હિત સર્વસ્વ છે. દેશની આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, સર્વ સમાવેશી સર્વસ્પર્શી વિકાસ માટે, દરેક વર્ગ-સમુહ-ધર્મ-જાતિ ના ઉત્થાન માટે, દેશને વર્ષો જૂની પીડા- સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પરિશ્રમ ની પરાકાષ્ટા સર્જી રહ્યા છે. જેના ભાગરૂપે જ રાજકીય લાભ-ગેરલાભને બાજુએ મૂકી તેઓ દેશહિત અને જનહિત માટે કલમ ૩૭૦/૩૫અ, ત્રિપલ તલાક, ’નાગરિકતા સંશોધન એક્ટ-ઈઅઅ’ જેવા અતિ મહત્વના નિર્ણયો લઇ રહ્યા છે.

7537D2F3 18

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશની આઝાદી બાદ પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખો ઉપર થઈ રહેલ ધાર્મિક પ્રતાડના અંગે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વસતા હિંદુ અને શીખ જો પાકિસ્તાનમાં વસવાટ કરવા ન ઇચ્છતા હોય તો તેઓ ભારત આવી શકે છે અને તેમને નોકરી આપવી તેમજ તેમના જીવનને સામાન્ય બનાવવું એ ભારત સરકાર નું કર્તવ્ય છે. કોંગ્રેસે આઝાદી પછીના ૭૦ વર્ષ સુધી શરણાર્થીઓના અધિકાર સન્માન માટે કંઈ જ કર્યું નથી, ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યુ હતું કે,આગામી ૨૫ ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ દિવસે ભાજપા દ્વારા તેમના જીવન કવનના સંદેશ સાથે પુષ્પાંજલિ કાર્યક્રમો કરવામાં આવશે તેમજ ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ૮ સ્થળોએ કૃષિ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપાના કાર્યકર્તાઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.આગામી ૨૯ ડિસેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું પણ જિલ્લા/મહાનગરો તથા તાલુકા કક્ષાએ સામૂહિક આયોજન કરવામાં આવશે.પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ આ કાયદાની મૂળ વિભાવના લોકો સુધી પહોંચે અને જનમાનસમાં તે અંગેનું ચિત્ર સ્પષ્ટ બને તે માટે સમગ્ર દેશમાં ભાજપા દ્વારા જન જાગરણ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ જનજાગરણ અભિયાન અંગે માહિતી આપતા  બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ત્રણ કરોડ પરિવારો સાથે સંપર્ક સાધવામાં આવશે. આ ઉપરાંત આ અભિયાન અન્વયે ગુજરાત ભાજપા દ્વારા આગામી ૩૦ ડિસેમ્બર સુધીમાં રાજ્યના જિલ્લા મથકોએ બૌધ્ધિક સંમેલનો તથા આગામી ૨૯ ડિસેમ્બર થી ૧૨ જાન્યુઆરી સુધીમાં દેશના પ્રત્યેક જિલ્લા, ગ્રામ પંચાયતો અને શહેરી ક્ષેત્રોમાં સામાન્ય નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમો, ઘર ઘર પત્રિકા વિતરણ ,સમાજના જુદા જુદા ક્ષેત્રના લોકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, કલાકારો સાથે સામાજિક સંપર્ક, તથા રન ફોર ઈઅઅ-૨૦૧૯  અને મહિલા સભાઓનું આયોજન હાથ ધરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી “નાગરિકતા સંશોધન કાયદો ઈઅઅ-૨૦૧૯” સફળતાપૂર્વક લાગુ કરવા બદલ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આજની આ પ્રદેશ બેઠકમાં અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત સૌ કાર્યકરોએ અનુમોદન આપી આવકાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.