Abtak Media Google News

મોંઘવારી, બેરોજગારી, ભાવવધારા સામે ભાજપનો વૈશ્ર્વિક ડિફેન્સ

વિકાસ ગાંડો થયો છે..! તેવા સોશિયલ મીડિયામાં ક્લિક થયેલા કેમ્પેઇન સામે ભાજપે હું વિકાસ છું, હું છું ગુજરાતના સૂત્ર સાથે વિકાસને ગુજરાતના ગૌરવ સાથે જોડી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવાની ઘોષણા આજે કરી છે.

ભાજપે કોંગ્રેસના શાસનમાં જનતાની હાડમારી સામે છેલ્લા વીસ વર્ષમાં કરેલા વિકાસ પર સમગ્ર કેમ્પેઇનને ફોકસ કર્યું છે.

આ કેમ્પેઇનમાં વિકાસની જ રાજનીતિ થકી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો અને હવે ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા આગળ વધી રહ્યા છે, તેની સાથે કુશળ સંગઠક અમિત શાહના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા પક્ષ બનેલો ભાજપ અન્ય રાજ્યોમાં સત્તા મેળવી શક્યો છે તેનાથી ગુજરાતની જનતા ગૌરવ અનુભવી રહી છે તેનો અહેસાસ કરાવવા તથા જનજન સુધી અત્યાર સુધીની ભાજપની સરકારોએ કરેલી કામગીરીથી વાકેફ કરવા ૧ અને ૨ ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયેલે ગુજરાત ગૌરવ યાત્રાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧લી ઓક્ટોબરે સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં તેમજ ૨ ઓક્ટોબરે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી પ્રમુખ જીતુ વાઘાણીના વડપણ હેઠળ બે અલગ અલગ યાત્રાનો પ્રારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થશે.

૧૫ ઓક્ટોબર સુધી ચાલનારી બન્ને યાત્રા કુલ ૧૩-૧૩ દિવસમાં ૧૪૯ જેટલી ગ્રામ્ય અને સેમી અર્બન એરિયામાં આવતી વિધાનસભા બેઠકોને આવરી લેશે.

આ યાત્રાઓમાં નીતિનભાઇના નેતૃત્વવાળી યાત્રા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કુલ ૨૨૬૨ કિ.મી. વિસ્તારમાં આવતી ૭૬ વિધાનસભા વિસ્તારમાં ફરશે. જ્યારે વાઘાણીના વડપણ હેઠળની યાત્રા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૩૯૫ કિ.મી. વિસ્તારમાં આવતી ૭૩ વિધાનસભા વિસ્તારોમાં ફરશે. કુલ ૪૬૫૩ કિલોમીટરની યાત્રામાં ૧૩૮ જનસભા અને ૧૮૫ સ્વાગત સભાઓ થશે. આ બન્ને યાત્રાઓમાં તબક્કાવાર મુખ્યપ્રધાન, રાજ્યના પ્રધાનો તેમજ કેન્દ્રીય પ્રધાનો, આગેવાનો પણ જોડાશે તેમજ ચૂંટણી ઇન્ચાર્જ અરૂણ જેટલી, અન્ય ચાર સહ ઇન્ચાર્જ કેન્દ્રીયપ્રધાનો સામેલ થશે. મધ્ય અને ઉત્તર ગુજરાતની યાત્રાના ઇન્ચાર્જ પદે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની યાત્રાના ઇન્ચાર્જ પદે આઇ.કે. જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે, તેમ ગોયેલે ઉમેર્યું હતું.

બન્ને રથ ૧૫મીએ ગાંધીનગર આવશે અને સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવશે. દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ૭ લાખ પેઇજ પ્રમુખોને બન્ને નેતા સંબોધશે. જેની તારીખ અને સ્થળ હવે પછી જાહેર થશે.

ભાજપ ૧૫૦ પ્લસ બેઠકના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આ યાત્રા તો માત્ર ૧૪૯ બેઠકોને જ આવરી લેવાની છે તો શું ભાજપને બાકીની બેઠકો પર પ્રચારની આવશ્યક્તા નથી ? તેવા પ્રશ્નના ઉત્તરમાં ગોયેલે કહ્યું કે, આ યાત્રા ગ્રામીણ અને સેમી અર્બન એરિયાને આવરી લેતી બેઠકો છે.બાકીના મહાનગરના વિસ્તારોમાં આવતી બેઠકો માટે ભાજપ નવા કાર્યક્રમો હવે પછી જાહેર કરશે.

પત્રકારોએ પેટ્રોલ, ડીઝલના ભાવો, મોંઘવારી, બેરોજગારી, જીએસટીના મુદ્દે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, તેના ઉત્તરોમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયેલે વૈશ્વિક ડિફેન્સ રજૂ કરી સંકેત આપ્યો હતો કે, થોડા સમયમાં કેન્દ્ર સરકાર જનતાને પડી રહેલી મુશ્કેલીનો ઉકેલ લાવશે.

રોજગારી મુદ્દે ગોયેલે નીતિ આયોગની બેઠકમાં વિશ્વના જાણીતા મહાનુભાવોએ રોજગારીની બદલાઇ રહેલી વ્યાખ્યાના મુદ્દાઓ ટાંક્યા હતા અને કહ્યું કે, અમે એટલે મુદ્રા યોજના લાવ્યા છીએ.

હવે યુવાનોને ચીલાચાલુ નોકરીઓમાં રસ નથી. જોબ સિકર નહીં જોબ ક્રિએટરની ભાવના યુવાનોમાં વધી છે એટલે અમે યુવાનોને સ્વરોજગાર પૂર્વે કૌશલ્ય તાલીમ, સ્ટાર્ટ અપ જેવા પ્લેટફોર્મ આપ્યા છે.

૩ લાખ કરોડ રૂપિયા અમે મુદ્દા યોજના થકી યુવાનોને આપ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભાવ વધારો, મોંઘવારી જેવા મુદ્દાદસ વર્ષના યુપીએ શાસનની સરખામણીએ ઘણાંઓછા છે.

કોંગ્રેસના યુપીએ શાસનમાં ડબલ ડિજિટલમાં મોંઘવારી હતી, મોદી શાસનમાં ૩ ટકાએ આવી ગઇ છે !.

જીએસટીમાં પડી રહેલી હાડમારી અંગે સરકાર વેપારીઓ, નાના ઉદ્યોગકારોને કેવી રીતે રાહત થાય તેના માટે ૯ ઓક્ટોબરે કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરી હલ લાવશે.

ભાજપ સરકાર અને ભાજપનું નેતૃત્વ જ એક એવું છે જે જનતા વચ્ચે રહી, જનતા સાથે સંવાદ કરી તેની હાડમારીને ઉકેલવા પ્રયત્નશીલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જ્યારે વર્તમાન આર્થિક વ્યવસ્થા અંગે યશવંત સિંહાએ કરેલી ગંભીર ટિપ્પણીના વિવાદમાં પડવાના બદલે તેમણે કોઈ પણ વ્યકિત પોતાનો અભિપ્રાય વ્યકત કરી શકે છે તેમ કહી જવાબ ટૂંકાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.