ભેંસાણ તાલુકા પંચાયતમાં ભાજપની મનસા અધુરી રહી ગઇ: કોંગ્રેસનું શાસન અકબંધ

કોંગ્રેસના બે સભ્યો કેસરીયો ધારણ કર્યા બાદ ફરી કોંગ્રસમાં પરત ફર્યા

ભેસાણ તાલુકા પંચાયતના કોંગ્રેસમાં ચૂંટાયેલા બે સભ્યોએ શુક્રવારે ભાજપનો ભગવો ધારણ કરી લેતાં ભેસાણ કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડયું હતું. અને માંડ કોંગ્રેસના હાથમાં આવેલી ભેસાણ તાલુકા પંચાયત પર પણ ભાજપનો કબજો થઈ રહ્યો હતો ત્યારે આ બંને તાલુકા પંચાયતના સભ્યોએ શનિવારે ફરી ઘર વાપસી કરતા, ભાજપની મનસા અધૂરી રહી ગઈ છે અને ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સતાં અકબંધ રહી હતી

શુક્રવારે જિલ્લા ભાજપ તરફથી જણાવાયું હતું કે, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભેસાણ તાલુકા પંચાયતની રાણપુરની સીટ પર કોંગ્રેસના દિલુભાઇ દેવાયતભાઈ વાંક અને ગળથ તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસના રવજીભાઈ ઠુંમર વિજેતા બન્યા હતા જેથી ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 9 અને ભાજપની 7 બેઠક હતી પરંતુ કોંગ્રેસના આ બંને વિજેતા સભ્યોએ ભાજપનો કેસરિયો ભગવો ધારણ કરી લીધો છે, અને ભેસાણ તાલુકા પંચાયતમાં ભાજપની 9 બેઠકો અને કોંગ્રેસની 7 બેઠકો થઈ જવા પામી છે. ત્યારે ભેસાણ તાલુકા પંચાયત ઉપર પણ ભાજપનો કેસરીયો લહેરાશે

પરંતુ શનિવારે ભાજપનો ખેસ ધારણ કરેલ કોંગ્રેસના ભેસાણ તાલુકા પંચાયતના બે સભ્યો ફરી પોતાના પક્ષમાં પરત ફરતા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે અને ભાજપના હોઠે આવેલો કોળીયો ઝૂંટવાઇ જતા ભાજપ દ્વિધામાં મૂકાઇ ગયું છ આ અંગે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયાએ જણાવ્યું હતું કે, ભેંસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ના 9 ઉમેદવારો સંપૂર્ણ બહુમતી સાથે વીજેતા જાહેર થતા ભેંસાણ તાલુકા પંચાયતમા લોક જનાદેશથી કોંગ્રેસનુ શાસન બેસવાનું હોય જેથી આ લોકશાહીનુ ખનન કરતી ભાજપની નેતાગીરીએ અમારા બે સભ્યો ગળથ બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય રવજીભાઈ ઠુંમર અને રાણપુર બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય દિલુભાઈ વાંકને ગેરમાર્ગે દોરીને ભાજપ કાર્યાલય લઇ જઈ ખેસ પહેરાવી દેવામા આવેલ હતો પરંતુ આ બન્ને સભ્યો કોંગ્રેસમાં પાછા ફરેલ છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કરેલ છે. અને ભેંસાણ તાલુકા કોંગ્રેસનું શાસન અકબંધ છે અને રહેશે

છીંછરી રાજનીતિ કરનારા ભાજપના લોકોને આવનારા સમયમાં જનતા જનાર્દન જડબાતોડ જવાબ આપશે તેમ કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયાએ અંતમાં જણાવ્યું હતું.