Abtak Media Google News

વોર્ડ નં.૨ના ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ વાઘેલા સતત બીજી વખત બિનહરીફ: ૬ ઉમેદવારોએ અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચ્યા

ગોંડલ નગરપાલિકાની ૪૪ બેઠક માટે ૧૩૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં ૧૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૧૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, વોર્ડ નંબર ૨ની ૩ બેઠક અને વોર્ડ ૭ ની ૨ મહિલા બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાના ખાતે ૫ બેઠક કરી લઇ વિજયનાં શ્રી ગણેશ કરતાં ભાજપ જૂથ ગેલમાં આવી જવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નંબર ૨ માં ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રીબા ભદ્રસિંહ ઝાલા, નરેશભાઈ છોટુભાઈ ચાવડા, વીણાબેન ધર્મેન્દ્રભાઈ પંડ્યા, અજય જયરામભાઈ ગોવાણી, વિજયાબેન બાવનજી ભાઇ વાવડીયાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના અનિતાબેન પ્રફુલભાઈ રાજ્યગુરુ, શીતલબેન સમીરભાઈ કોટડીયા અને હર્ષદભાઈ વાઘેલા બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે વોર્ડ નંબર સાતના નિશાબેન રાજુભાઈ લખતરિયા અને સરસ્વતીબેન આશુતોષ ભટ્ટ એ ઉમેદવારી પાછી ખેંચતાં ભાજપના પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા અને વિભાબેન તુષારભાઇ પંડ્યાબિન હરીફ જાહેર થતા ચૂંટણી પહેલા જ ભાજપના ખાતામાં પાંચ બેઠક આવી જવા પામી છે, વોર્ડ નંબર ૧ માં સુરેશસિંહ અનુપસિંહ ગોહિલ, વોર્ડ નંબર ૩ દીપકભાઈ મંગુભાઈ શિયાળ, આમદભાઈ અહેમદભાઈ ચૌહાણ, વોર્ડ નંબર ૪ હેમીબેન કેશુભાઈ પીપળીયા, ભગુભાઈ બચુભાઈ સોલંકી, વોર્ડ નંબર ૧૧ માં રમેશભાઇ દેવજીભાઇ રૈયાણી એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. વોર્ડ નંબર ૨ ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ વાઘેલા ગત ટર્મ માં પણ બિન હરીફ થયા હતા.

તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ

ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ સીટ માટે ભરાયેલા ૫૮ ઉમેદવારી ફોર્મ માંથી સુલતાનપુર સીટ ઉપરથી કોંગ્રેસના ચંપાબેન ધીરજભાઈ ખાતરા એ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના મંજુલાબેન દમજીભાઈ ગોંડલીયા બિનહરીફ થતા તાલુકા પંચાયત ની એક બેઠક ભાજપના ભાગે જવા પામી હતી. મોટા દડવા ના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા ૨૧ બેઠક માટે ૫૫ ઉમેવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે.

પૂર્વ પ્રમુખના પતિને ભાજપમાંથી પાણીચું

ગોંડલ શહેર ભાજપ દ્વારા બટુકભાઈ સાવલીયા ને તત્કાળ અસર થી છ વષઁ માટે બરતરફ કરાયાં છે.શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા એ જણાવ્યું કે બટુકભાઈ સાવલીયા પક્ષ વિરોધી પ્રવૃતિ કરતાં હોય પગલું લેવાયું છે.હાલ નગરપાલિકા ની ચુંટણી ચાલી રહી હોય બટુકભાઈ સાવલીયા નાં પરીવાર ને ભાજપ ની ટીકીટ નહીં મલતા તેમનાં દ્વારા ભાજપ વિરોધી પ્રવૃતિ કરી સામાં ઉમેદવારો ઉભા રાખવાં ચેષ્ટા કરતાં ભાજપ મોવડી મંડળ દ્વારા ગંભીર નોંધ લઇ તેઓ ને હાંકી કઢાયા છે. ઉલ્લેખનીય છે કે બટુકભાઈ સાવલીયા નાં પત્ની મનિષાબેન નગરપાલિકા માં બે વખત અને તેમનાં ભાભી શારદાબેન એક વખત પ્રમુખપદે રહીં ચુકયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.