Abtak Media Google News

કોર્પોરેશન દ્રારા વોર્ડ નં. 1, 9, 10 નો સંયુક્ત આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો : સેંકડો લાભાથીઓ ઉમટયા

સરકારની જુદી જુદી યોજનાઓ  લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યોં  છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે   પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે વોર્ડ નં. 1, 9, અને 10નો સંયુક્ત આઠમાં  તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ તકે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે,  સેવાસેતુનો મુખ્ય હેતુ સરકારની તમામ સેવાઓનો એક જ સ્થળ ખાતે તાત્કાલિક નિકાલ થાય અને લાભાર્થીઓને લાભ મળે તે છે. સેવાસેતુના આયોજન પહેલા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમોથી લાભાર્થીઓને અગાઉથી માહિતી આપવામાં આવે છે. જેનાથી લાભાર્થીઓને સેવાસેતુ અંગે જાણકારી મળે અને વધુને વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે.પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દેશના નાનામાં નાના નાગરિકની ચિંતા કરે છે. જેમાં ઘરનું ઘર, આરોગ્ય અને રોજગારી મળી રહે તે માટે જુદી જુદી યોજનાઓ લાવી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેનો  લાભ મળે તે દિશામાં કામ કરી રહેલ છે. આજે આરોગ્ય સેવાઓ ખુબ મોંઘી થતી જાય છે ત્યારે દેશના પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત યોજના લાવી ગરીબ વર્ગના લોકોને પાંચ લાખ સુધીની સારવાર નિ:શુલ્ક અપાવેલ છે, જેમાં હોસ્પિટલમાં સારવાર થી લઈને ઘર સુધી પહોંચે ત્યાં સુધીનો તમામ ખર્ચ સરકા ભોગવે છે.

Capture 19

અગાઉ હોસ્પિટલમાં સારવાર માટે ગરીબ લોકો ખર્ચ માટે ઉધાર માંગતા અથવા ઘરેણા ગિરવે મુકતા હાલ આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ પુરવાર થયું છે. ભારતમાં 130 કરોડની વસ્તી હોવા છતાં આયુષ્માન કાર્ડની સેવા સફળ રહી છે. સરકારની જુદી જુદી યોજના માટે અગાઉની સરકાર વખતે લાભાર્થીને પુરતી રકમ મળતી ન હતી જ્યારે આજે પુરેપુરી રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી જ જમા થાય છે.પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે, દેશમાં કોઈ ઘર વિહોણું ન રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા પણ એ દિશામાં કાર્ય કરી, અત્યાર સુધીમાં 30,000 થી વધુ આવાસો લાભાર્થીઓને ફાળવી આપેલ છે અને 6000 થી વધુ આવાસોની કામગીરી હાલ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાતા સેવાસેતુનો લાભ વધુ ને વધુ લોકો લે તે માટે આંગળી ચિંધ્યાનું પુણ્યને ધ્યાનમાં રાખી જરૂરીયાતમંદ લોકોને આપણે પણ જાણ કરી લાભ અપાવીએ તેમ મેયરે જણાવ્યું હતું.

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ટોકન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ અવસરે   શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, તથા વોર્ડનં. 1,9 અને  10ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઈ મોરજરીયા, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, ડો રાજેશ્રીબેન ડોડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, ચેતનભાઈ સુરેજા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, તથા વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.1ના પ્રમુખ હિતેશભાઈ મારૂ, વોર્ડ નં.9ના પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, શહેર યુવા મોરચાના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા તથા  ડે.કમિશનર એ.આર.સિંહ સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.