Abtak Media Google News

‘પુસ્તકો આપણા જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.’: આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ગાંધીબાપુએ કહ્યું છે કે, ’સારાં પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે.રત્ન બહારથી જ પ્રકાશતા હોય છે,જ્યારે સારાં પુસ્તકો વ્યક્તિને અંદરથી જ્ઞાન દ્વારા પ્રકાશિત કરતા હોય છે.’

બંધ પુસ્તકોમાં માહિતીનો ભંડાર ભરેલો હોય છે.એમાંથી આપણે જે વિષય પર અભ્યાસ કરવો હોય એ કરી શકીએ છીએ.એવા પુસ્તકો વાંચીને અવનવું જાણી શકાય.શીખી શકાય જે આપણી સમજણ શક્તિ અને વિચાર શક્તિને વિસ્તૃત ફલક પર ઉજાગર કરે છે. કલ્પના શક્તિ ખીલવે છે. જીવનમાં થતા સારા નરસા અનુભવોમાં માનસિક રીતે સ્થિત પ્રજ્ઞ રાખે છે.વાચન વગર આપણી વિચારસરણી અને કલ્પનાશક્તિ અમુક હદ સુધી જ સીમિત રહે છે.વાચન આપણી કલ્પના શક્તિને પાંખો આપે છે. પુસ્તકમાં લખેલું વર્ણન આપણને નવા નવા સ્થળો,વ્યક્તિઓ અને પરિસ્થિતિનો પરિચય કરાવે છે.આ અર્થમાં પુસ્તકો એક પ્રકારના ’ટાઈમ ટ્રાવેલ’ છે.

મહાન વિચારક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ભારપૂર્વક કહ્યું છે કે,’પુસ્તકો આપણા જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.ખરા અર્થમાં આપણો સાચો મિત્ર છે.કોઈ સિક્રેટ ન રાખે કે ન દગો કરે.આપણી પાસેથી કોઈ એની ડિમાન્ડ પણ નથી હોતી.જો કોઈ પુસ્તક ન ગમે તો બાજુમાં મૂકી દેવાનું અને બીજું પુસ્તક લેવાનું.પુસ્તકો તો ખુલ્લો ખજાનો છે.આપણે વાંચી વાંચીને લૂંટવાનો હોય.મજા કરવાની હોય.પુસ્તકો તો એમની અંદર ધરબાયેલી દુનિયાનો દરવાજો સદંતર ખુલ્લો જ રાખીને બેઠા હોય છે.બસ આપણે વાંચીને અંદર પ્રવેશ કરવાનો હોય છે.જો ડોકિયું કરો ને રસપ્રદ લાગે,તો વાર્તા જ આપણને ખેંચીને એની દુનિયામાં લઈ જાય છે.આગળ શું થશે? શું આવશે ? એવી ઉત્કંઠા પુસ્તકના છેલ્લા પાના સુધી વાંચી રાખવા મજબૂર કરી રાખે છે.’

વાચન શોખ માણસના જીવનમાં કેવો કેફ ચડાવે છે.આવો,એક જીવંત કિસ્સો માણીયે.

ઉના તાલુકામાં એક ખોબા જેવડું આંબાવડ નામે ગામ આવેલું છે.આ ગામમાં ઉકાભાઇ પટેલ નામે એક ખેડૂત રહે છે.પોતાનો વ્યવસાય ખેતીનો,પરંતુ એમને વાંચવાનો જબરો શોખ.સૌ કોઈ લોકો એમને વાચનવીરના નામે ઓળખે છે.બાળપણથી જ તેઓ મા બાપ વિહોણા થઇ ગયેલા.કાકા સાથે રહીને મોટા થયા.બાળપણથી જ તેમને વાંચવાની જિજ્ઞાસા ખૂબ.એમના કાકા અભણ હોવા છતાં,ઉકાભાઇની વાંચન ભૂખને તેઓ પામી ગયા હતા.આથી જ્યારે પણ ઉના મુકામે હટાણું કરવા જાય,ત્યારે ઉકાભાઇ માટે નાની નાની ધાર્મિક પુસ્તિકાઓ લેતા આવે. ઉકાભાઇ આ પુસ્તિકાઓ વાંચ્યા કરે. એટલું જ નહીં પણ ઘરમાં કોઈપણ ચીજ વસ્તુઓ વીંટળાઈને આવતી છાપાની પસ્તી પણ વાંચવાનું ઉકાભાઇ ચુકે નહીં.વંટોળમાં ઉડતો ઉડતો કોઈ કાગળ આવે તો તેને પણ પકડીને વાંચવાનું ઉકાભાઇ ચૂકતાં નહીં.આમ ઉકાભાઇના જીવનમાં દિવસે ને દિવસે વાચન ભૂખ વધતી ગઈ.કાકા સાથે ખેતી કરતા કરતા ભણવાની પૂરતી મોકળાશ ન હોવાને લીધે ઉકાભાઇ માંડ બે ગુજરાતી જેટલો અભ્યાસ કરી શક્યા.પણ તેમની વાચન ભૂખ તો ચાલુ જ રહી.

મોટા થયા પછી પોતે થોડું ઘણું કમાતા થયા એટલે પોતે પણ પુસ્તકો ખરીદવા સક્ષમ બન્યા.પોતાના શોખ મુજબ પુસ્તકો ખરીદતા રહ્યા.ધીમે ધીમે તેઓ સાહિત્ય જગતના લેખકો અને કવિઓના સંપર્કમાં આવવા લાગ્યા.સાહિત્ય ગોષ્ઠિ કરવા લાગ્યા.સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા ભગવાનજીભાઈ મોરી ઉકાભાઇના મિત્ર.એક વખત પાંડુરંગ શાસ્ત્રીનો સ્વાધ્યાયનો એક કાર્યક્રમ જૂનાગઢમાં હતો.જેમાં ફક્ત ગ્રેજ્યુએટ થયેલા લોકોને જ પ્રવેશ હતો.ભગવાનજીભાઈ આ કાર્યક્રમમાં ઉકાભાઇને લઈને ગયા.ઉકાભાઇ તો ખેડૂતના વેશમાં હતા.ચોરણી,પહેરણ અને માથે ફાળિયું.આથી દરવાને ઉકાભાઇને રોક્યા.’આ તો ગ્રેજ્યુએટ થયેલા લોકો માટેની ડિબેટ છે.કાકા તમને પ્રવેશ ન મળે !’

ઉકાભાઇ કહે,’ગ્રેજ્યુએટ એટલે કેટલું ભણેલા?’

’પંદર ચોપડી પાસ.’ દરવાને જવાબ આપ્યો.

આ સંવાદ સાંભળી ઉકાભાઇ સાથે આવેલા ભગવાનજીભાઈથી રહેવાયું નહીં,એટલે વચ્ચે જ બોલ્યા,’અરે ભલા ભાઈ..! આ માણસ પંદર ચોપડી નહીં,પરંતુ પંદર સો ચોપડી ભણેલો છે.એમને આવવાની ના ન પાડો.’

ઉકાભાઇ પોતાના વાચનના ફાયદા વર્ણવતા કહે છે કે,પુસ્તક વાંચીને બીજાને વાંચવા પણ આપી શકાય.વાંચેલી કોઈ વાતને ફરી વખત યાદ કરવી હોય તો એ પુસ્તક ફરી વખત ખોલીને વાંચી પણ શકાય.જ્યારે ટીવીમાં જે વસ્તુ આવે એ બીજી વખત જોવું હોય તો જોવા મળતું નથી.એટલું જ નહીં પણ પુસ્તકની જેમ ટીવી બીજા કોઈને જોવા માટે થોડું આપી શકાય !?

ઉકાભાઇના વાચન શોખના કારણે તેઓ વ્યસનથી દૂર રહ્યા.એટલે શેરીના નાકે,ઓટલે કે ચોરે વાતોના ટોળ ટપ્પા મારવાના દુષણથી દૂર રહ્યા.સાંજ પડે એટલે નવરા થઈ ઉકાભાઇ ફાનસના અજવાળે વાંચવા સિવાય બીજું કોઈ ફાલતુ કામ ના કરે.

ઉકાભાઇ વાચન પ્રેમની વાતો પ્રસરતા ઘણાં સામયિકોમાં તેઓનો ઇન્ટરવ્યૂ પણ છાપવામાં આવ્યો. ’ઉદગાર’ નામના મેગેઝીનમાં ઉકાભાઇનો પરિચય મારા વાંચવામાં આવ્યો.આથી મને ઉકાભાઇની મુલાકાત કરવાની તીવ્ર ઈચ્છા જાગી.આ સમયે રાજકોટમાં એક સંસ્થા દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મેં આયોજકો આગળ પ્રસ્તાવ મૂક્યો કે,એક ચિથરે વીટેલું રતન છે.આયોજકોને આખી વાત સમજાવતાં કહ્યું કે આપણે તેઓનું જાહેર સન્માન કરીએ તો..!આયોજકોને વાત ગળે ઉતરી ગઈ.ઉકાભાઇને બોલાવવામાં આવ્યા.સન્માન કરવામાં આવ્યું.મને પણ વ્યક્તિગત રીતે ઉકાભાઇનું સન્માન કરવાની ઈચ્છા થઈ.મેં એક પુસ્તક વડે સન્માન કરવાનું વિચાર્યું.એ વખતે લોક મિલાપ પ્રકાશન દ્વારા મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત અડધી સદીની વાંચન યાત્રા ભાગ બીજો પ્રસિદ્ધ થયો હતો.આ નવું પ્રકાશન હોય,ઉકાભાઇ પાસે હજુ નહીં પહોંચ્યું હોય,એવા આશયથી મેં ઉકાભાઇનું સન્માન આ પુસ્તકથી કરવાનું વિચાર્યું.સન્માનના દોર વખતે મારો વારો આવ્યો,ત્યારે મેં ઉકાભાઇને પુસ્તક આપીને કહ્યું કે,’આ નવું જ પ્રકાશન હોવાથી પસંદ કર્યું છે.ત્યારે ઉકાભાઇ જે જવાબ આપ્યો એ સાંભળી મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ. ઉકાભાઇનો જવાબ હતો કે,’એ છે,મારી પાસે !’

વિચાર કરો કે મેગા સિટીમાં રહેતા મારા જેવા લોકો કરતાં,સૌરાષ્ટ્રના છેડે અંતરિયાળ આવેલા ગામડામાં રહેતા માણસ પાસે પુસ્તક પહેલા પહોંચી જાય છે.ઉકાભાઇની આ વાચન ભૂખને ક્યાં શબ્દોમાં નવાજવી !

જ્યારે જ્યારે રાજકોટ કે બીજા કોઈ મોટા શહેરમાં પુસ્તક મેળા યોજાય ત્યારે ઉકાભાઇને કોથળા ભરીને પુસ્તકો ખરીદીને લઈ જતા મેં જોયા છે.આજે તેમની પાસે સાતથી આઠ હજાર જેટલા પુસ્તકોનો સંગ્રહ હશે.સરકારી નિયમો અન્વયે ત્રણ હજારથી વધુ પુસ્તકો ધરાવનાર શાળા કે મહાશાળાને એક ગ્રંથપાલ ફાળવવામાં આવે છે.આ અર્થમાં ઉકાભાઇને પણ બે ગ્રંથપાલ મળવા જોઈએ કે નહીં…! ઉકાભાઇનુંખેડૂત ઢબનું મકાન હોવાથી પુસ્તકો ની સાચવણી માટે કોઈ અદ્યતન સુવિધા નથી.આટલા બધા પુસ્તકો રાખે ક્યાં ? આથી પોતાના પલંગ ઉપર,પલંગ નીચે કે ઓસરીની બારીમાં,જ્યાં જુઓ ત્યાં આપને પુસ્તકો જ પુસ્તકો જોવા મળે.દૂરદર્શન કે બીબીસી જેવી ન્યુઝ ચેનલો પણ ઉકાભાઇનો ઇન્ટરવ્યૂ લઈ ચૂકી છે.અનેક કવિ, લેખકો, સાહિત્યકારોને પણ ઉના બાજુ નીકળવાનું થાય,તો ઉકાભાઇ મુલાકાત લેવાનું ચૂકતા નથી.સાહિત્ય અકાદમી,પરિષદ કે વિશ્વ ગુજરાતી કોષના કાર્યક્રમોમાં ઉકાભાઇ હાજરી અવશ્ય હોય જ.પી.એચડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પોતાના સંશોધનમાં સંદર્ભ ગ્રંથની જરૂર પડે તો ઉકાભાઇનો સંપર્ક કરે છે. ક્યારેય કોઈને અપ્રાપ્ય એવું પુસ્તક મળતું ન હોય તો પણ ઉકાભાઇ પાસેથી મેળવી શકે  છે આવા વાચનવીર ઉકાભાઇને વંદન હોજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.