Abtak Media Google News

ફુલેકામાં કાકા પાસેથી ભત્રિજાએ રિવોલ્વર જોવા લીધી અને ફાયરિંગ થયું: લગ્નનો હર્ષોલ્લાસ શોકમાં છવાયો

લગ્ન પ્રસંગમાં ફુલેકા દરમિયાન ફાયરિંગ કરવાના શોખના કારણે હર્ષોલ્લાનો પ્રસંગ શોકમાં છવાઇ જતો હોવા છતાં ગઇકાલે રાતે વઢવાણના રામપરા ખાતે રજપૂત યુવાનના લગ્ન પ્રસંગ નિમિતે યોજાયેલા ફુલેકા દરમિયાન થયેલા ફાયરિંગના કારણે વરરાજના પિતરાઇને ગોળી લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામપરા ગામે રજપૂત પરિવારના ક્રિપાલસિંહ નામના યુવાનના લગ્ન પ્રસંગ હોવાથી ગઇકાલે રાતે નિકળેલા ફુલેકામાં સગા-સંબંધીઓ જોડાયા હતા. ફુલેકામાં આવેલા વરરાજાના કાકા રિવોલ્વર લાવ્યા હોવાથી ભત્રીજા હિતેશ યુવરાજભાઇ વઢેલ નામના ૨૦ વર્ષના રજપૂત યુવાને રિવોલ્વર જોવા માટે માગી હતી.

વનરાજભાઇએ પોતાની પરવાનાવાળી રિવોલ્વર પોતાના ભત્રીજા હિતેશને જોવા માટે આપી ત્યારે તેનાથી ટીગર દબાતા ફાયરિંગ થયું હતું.

રિવોલ્વરમાંથી છુટેલી ગોળી હિતેશ યુવરાજભાઇ વઢેલને ગોળી લાગતા તે ઘટના સ્થળે જ ઢળી પડયો હતો. લોહીલુહાણ હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

લગ્ન પ્રસંગમાં થયેલા ફાયરિંગના કારણે હિતેશ વઢેલ નામના યુવાનનું મોત નીપજતા કંઇ રીતે ફાયરિંગ થયું તે અંગે વઢવાણ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

અને મૃતકનું ફોરેન્સિક નિષ્ણાંત તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટની મેડિકલ કોલેજમાં ખસેડયો છે.

બે બહેનના એકના એક ભાઇનું ફાયરિંગના કારણે મોત નીપજતા રજપૂત પરિવારમાં લગ્નની ખુશી શોકમાં પલ્ટાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.