25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો

25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે. કારણકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી ગૂંચવણ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. અગાઉ રીડેવલપમેન્ટ માટે સોસાયટીના 90 ટકા રહેવાસીઓની મંજૂરીની જરૂર રહેતી હતી. નવા કાયદા મુજબ સોસાયટીના 70 ટકા રહેવાસીઓની મંજૂરી પણ ચાલે છે. આ નવા કાયદા બાદ અનેક દરખાસ્તો પેન્ડિંગ પડી હતી.

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિતભાઇ શાહે સવારથી બપોરે બે વાગ્યા સુધી પોતાના મતવિસ્તારના વિવિધ ઓવરબ્રિજ સહિતના લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન કરી તુરંત ગાંધીનગર સરકીટ હાઉસ પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, પૂર્વ ઔડા ચેરમેન અને દ્યાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક સંયુકત બેઠક યોજી હતી. આ બેઠકમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ મહાનગરના રહેણાંક વિસ્તારોની કેટલીક સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટની દરખાસ્તોના અનિર્ણત મુદ્દા ઉપર એક કલાકથી વધુ સમય માટે ચર્ચા કરવામાં આવી હતી.

રહેણાંક સોસાયટીઓ, કોલોનીઓના રિ-ડેવલપમેન્ટ માટે રાજય સરકારે દ્યણાં સમય પૂર્વે નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં અગાઉના 90 ટકા સભ્યોની સહમતીના સ્થાને 70 ટકા સભ્યોની સહમતી હોય તો દરખાસ્તને મંજૂરી આપવા સહિતના અનેક પાસાઓ સમાવાયા હતા. જોકે, જે સહમતી ન આપે અથવા તો પોતે મકાન ખાલી કરવા તૈયાર ન હોય એવા કિસ્સામાં શું કરવું સહિત નીતિના અમલ માટેના સ્પષ્ટ નિયમોના અભાવે શહેરમાં કેટલીય દરખાસ્તો અનિર્ણિત પડતર હતી. આ મુદ્દે અમિતભાઇ સમક્ષ રજૂઆતો થતાં એમણે સંયુકત બેઠક યોજી હતી અને આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજકેટની પરીક્ષા માટે કાલથી ઓનલાઈન ફોર્મ ભરાશે, પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે રાજયમાં પચ્ચીસ વર્ષ કે તેથી જૂની હાઉસિંગ કોલોનીઓ, સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ માટે સરકારે ઘણાં સમય પૂર્વે જાહેર કરેલી નીતિમાં કેટલાક વહીવટી સહિતની મુશ્કેલીઓના કારણે સમગ્ર મામલો ગૂંચવાયો હતો. તેનો ટૂંક સમયમાં ઉકેલ આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અમિત શાહે જાહેર કર્યું છે કે, એમના મતવિસ્તારમાં 122 જેટલી હાઉસિંગ કોલોનીના 19000 પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો માર્ગ મોકળો થશે. કેટલીક વહીવટી ગૂંચ હતી એના ઉકેલ માટે મુખ્યમંત્રી સહિતના લોકોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી છે.  આશા છે કે એનો જલદી ઉકેલ આવી જશે.