સોસાયટી, ફાર્મ હાઉસ અને શેરી ગરબાને છૂટ મળે તેવા ઉજળા સંકેતો

garba
garba

ગાઈડલાઈન સાથે નવરાત્રીની ઉજવણી કરવા દેવાની સાંજે જાહેરાત થાય તેવી સંભાવના : નવરાત્રી દરમિયાન કરફ્યુમાં પણ રાહત આપી તેનો સમય રાત્રીના 1 થી સવારે 6 વાગ્યા સુધીનો થાય તેવી શકયતા

અબતક, રાજકોટ : રાજયમાં કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની શકયતા છે. આ ઉપરાંત રાત્રી કરફ્યુ પણ રાત્રીના 1થી 6 રહે તેવી સંભાવના સેવાઇ રહી છે. આ અંગે આજે નિર્ણય જાહેર થઈ શકે છે.

આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે એટલે કે આવતીકાલે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં અગાઉ સરકારે 400 લોકોની હાજરીમાં ડી.જે.ઓરકેસ્ટ્રા સાથે ઉત્સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે.  તેવા સંજોગોમાં રાત્રિ કર્ફ્યૂમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. જેથી સિનેમા ઉદ્યોગને પણ રાહત મળી શકે છે.સાથે જ પુનઃ સિનેમા રાત્રે પણ ધમધમે તેવી આશા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સેવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવરાત્રીમાં છૂટ મળી ન હતી. ત્યારે આ વર્ષે શેરી ગરબાને છૂટ મળવાના ઉજળા સંકેતો જણાઈ રહ્યા છે. જેને પગલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાએ ગત વર્ષે નવરાત્રી ટાણે ખેલૈયાઓને નિરાશ કર્યા હતા. પણ હવે કોરોનાના કેસો નહિવત જેવા સામે આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિ ઉપર કાબુ મેળવાઈ ગયો છે. તેવામા ગાઈડલાઈન સાથે શેરી ગરબા યોજવા અંગે જાહેરાત થાય તેવી સંભાવના છે.