Abtak Media Google News

યુવાન સાંજે ઘરેથી નીકળી ગયા બાદ રાત્રે બે મિત્રો સાથે કોન્ફરન્સમાં વાત કરી ‘મારે દેણુ વધી ગયું છે હવે મારે શું કરવું તે મને ખબર છે’ તેમ કહી ફોન કાપી નાખ્યો: આખીરાત પરિવારની શોધખોળ બાદ સવારે મૃતદેહ મળ્યો

કોરોના કાળના દોઢ વર્ષમાં ધંધા રોજગારને સૌથી વધુ માઠી અસર પહોચી છે. ત્યારે ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતા પટેલ યુવાનને કોરોના કાળમાં કારખાનાના ધંધામાં નુકશાની જતા અને દેણુ વધી જતા જીંદગીથી કંટાળી ગતમોડીરાત્રે બે મિત્રો સાથે કોન્ફરન્સમાં વાતચીત કર્યા બાદ આજીડેમમાં પડતુ મુકી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રોડ મહીકાના પાટીયા પાસે પ્રેમદ્વાર નજીક આજીડેમમાં આજે સવારે એક લાશ તરતી હોવાનું અને આજીડેમના કાંઠે એકટીવા પડયું હોવાની ફાયર બ્રિગેડ અને આજીડેમ પોલીસ મથકે જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડીજઈ ફાયર બ્રિગેડ દ્વારા યુવાનની લાશ બહાર કાઢી પોલીસના હવાલે કરી હતી.

પોલીસની તપાસમાં મૃતક યુવાન કોઠારીયા રોડ નંદા હોલ પાછળ મીતાક્ષી સોસાયટીમાં રહેતા હીરેન ગોરધનભાઈ કાકડીયા ઉ.32 નામના પટેલ યુવાનનો હોવાનું અને યુવાન ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનોની પૂછપરછમા હીરેન કાકડીયા ગઈકાલે સાંજે ઘરેથી કામ છે. તેમ કહી નીકળી ગયા બાદ રાત્રે પોતાના બે મિત્રો સાથે કોન્ફરન્સથી વાત કરી હતી જેમાં મારે દેણુ વધી ગયું છે. અને હવે મારે શું કરવું તે મને ખબર છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ પટેલ યુવાને તેના મામાને પણ છેલ્લોફોન કર્યા બાદ ભાવનગર રોડ મહીકાના પાટીયા પાસે આજીડેમના કાંઠે પોતાનું એકટીવા રાખી આજીડેમમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો.

કારખાનેદાર યુવાને રાત્રે બે મિત્રો અને મામાને ફોન કર્યા બાદ પરિવારજનોએ અજુગતુ બન્યાની શંકા જતા હીરેનની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા રાત્રે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં હીરેન ગુમ થયાની જાણ પણ કરી હતી.

પોલીસની તપાસમાં હીરેન કાકડીયા અપરણીત હોવાનું અને ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતો હોય કોરોના કાળમાં ધંધાને સૌથી વધુ માઠી અસર પહોચી હતી. જેના કારણે હીરેન પટેલ પર દેણુ વધી ગયું હતુ. જેમાંથી બહાર નહી નીકળી શકતા અંતીમ પગલુ ભરી લીધું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.