Abtak Media Google News

બંને પાકિસ્તાની શખ્સો હરામીનાળામાંથી ધૂસી ખાવડા માર્ગે ભાગવાની ફિરાકમાં’તા

કચ્છમાં ગઇ કાલે સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હરામીનાળા પાસે નવ પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. જેમાં 20 થી 25 પાકિસ્તાની શખ્સોએ દેશની સરહદમાં ઘૂસવાના પ્રયાસને નાકામિયાબ બનાવ્યા હતા. જેના સર્ચ ઓપરેશન બીએસએફના જવાનોએ ગત રાતે બે પાકિસ્તાની શખ્સોને ફાયરિંગ કરીને ઝડપી પાડયા હતા

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગુરુવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભુજ ટીમ દ્વારા હરામીનાળા વિસ્તારમાં કાર્યવાહી કરીને બપોરે 3 અને સાંજે 6 મળી કુલ 9 પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી લેવામાં આવી હતી પણ કાર્યવાહી દરમ્યાન એકપણ ઘૂસણખોર હાથ લાગ્યો ન હતો જેથી બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવતા શુક્રવારે સાંજે 7 વાગ્યાના અરસામાં આ વિસ્તારમાંથી બે ઘૂસણખોર ઝડપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સીમામાં ઘુસી આવેલા 25 જેટલા પાકિસ્તાની શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.

હરામીનાળા વિસ્તારમાંથી 9 પાકિસ્તાની બોટ મળ્યા બાદ શુક્રવારે બીજા દિવસે બીએસએફના જવાનો દ્વારા કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. સાંજે સાત વાગ્યાના અરસામાં બે ઘૂસણખોરો ઝડપાયા હતા. ચેરિયાના જંગલમાં છૂપાયેલા શખ્સો અંધારુ પડતા પોતાના દેશમાં જવાની ફિરાકમાં હતા અને ખાવડાના રણ માર્ગે ભાગતા હતા ત્યારે અહીં તૈનાત જવાનો જોઇ જતાં તેઓને પકડવા માટે સંખ્યાબંધ રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં બંને શખ્સોને પગમાં ગોળી વાગતા તેઓને દબોચી લઈ સારવાર માટે ખાવડા હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે મળતી વધુ વિગત અનુસાર આંતરાષ્ટ્રિય સરહદમાં બોર્ડર પીલર નંબર 1142 પાસેથી ઝડપાયેલા પાકિસ્તાની નાગરીકોનું નામ સદામ હુસેન ગુલામ મુસ્તફા અને અલીબક્ષ ખેરમોહમદ હોવાનું અને તેઓ જીરો પોઇન્ટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ 300 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા હરામી નાળામાં બીએસએફ અને કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશનની સાથે ભાગવાના તમામ રસ્તા બંધ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરતાં આ બે પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. દરમિયાન સૂત્રો જણાવે છે કે,આ 9 પાકિસ્તાની બોટમાં 20 થી 25 પાકિસ્તાની માછીમારો ભારતમાં આવ્યા હોઇ શકે જે એજન્સીઓને જોઈને ભાગી ગયા છે. ઝડપાયેલી બોટ સંદર્ભે પંચનામું કરીને કસ્ટમ વિભાગને સોંપવાની કામગીરી હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.