દંડના વિરોધમાં બગસરા આજે અને કાલે બે દિવસ બંધ

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે પ્રજાને ડામ

વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ અને કરિયાણા એસોસીએશન સહીતના સંગઠનોની બેઠકમાં લેવાયો નિર્ણય

બગસરામાં પ્રજાજનોને સોશ્યિલ ડિસ્ટન્ટના નામે પ્રજાને દંડનો ડામ આપવામાં આવે છે. આ અંગે તંત્રને રજુઆત કરવા છતાં કોઇ પગલા ન લેવાતા આજે અને કાલે બગસરા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.

બગસરામાં મામલતદાર કચેરી, પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા બગસરાના વેપારીઓ પાસેથી માસ્ક તેમજ સોશ્યિલ ડિસ્ટન્સના કારણોને લઇને વેપારીઓ તથા ગ્રાહકોને આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

તેથી વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ કરિયાણા એસોસીએશન તથા વેપારી સંસ્થાઓની સંયુકત બેઠકમાં આગામી બે દિવસ એટલે કે આજે શનિવાર અને કાલે રવિવાર માટે બગસરા શહેરના તમામ વેપાર ધંધા બંધ કરી દેવા માટેનું એલાન જાહેર કરાયું છે.

વેપારીઓ દ્વારા આપવામાં આવેલા બે દિવસ બંધના એલાન બાદ પણ જો તંત્રદ્વારા કોઇ ખાતરી આપવામાં નહી આવે તો આ બંધને અચોકકસ મુદત સુધી જાહેર કરવાની તૈયારી પણ આગેવાનોએ દર્શાવે છે.