Abtak Media Google News

હિટ સ્ટ્રેસ એકશન પ્લાન વિષય પર મહાપાલિકામાં વર્કશોપ યોજાયો: હિટવેવ સહિતના હવામાન સંબંધી પડકારો અંગે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ માહિતી રજૂ કરી: આઈએમડીનાં વડા જયંત સરકારની ઉપસ્થિતિ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે  “રાજકોટ હિટ સ્ટ્રેસ એક્શન પ્લાન” વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના હવામાન વિભાગના ભૂતપૂર્વ ડાયરેક્ટ જનરલ પ્રો. અજીત ત્યાગી, ગુજરાતના ડાયરેક્ટ અને સાયન્ટીસ્ટ ડો. જયંત સરકાર, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરનાં ડાયરેક્ટર પ્રો. દિલીપ માવલંકર, ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલોપમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર રોહિત મગોત્રા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વર્કશોપની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોને આવકારી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં ઉનાળાની સિઝનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિટ વેવની પરિસ્થિતિનો વૈજ્ઞાનિક ઢબે  સામનો કરી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા હતાં, અને તેના ખુબ સારા પરિણામો પણ મળ્યા હતાં. માત્ર એટલું જ નહી, મહાનગરપાલિકા દ્વારા રાજકોટની હવામાનની પેટર્નને નજર સમક્ષ રાખી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એવા પ્રકારની બાંધકામ ડીઝાઈન બનાવવામાં આવી છે જેના પરિણામ સ્વરૂપે આ આવાસ યોજનાના ઘરોમાં બહારની તુલનાએ તાપમાન સાત થી આઠ ડીગ્રી ઓછું રહે. સાથોસાથ મહાનગરપાલિકાએ શહેરની વિવિધ સંસ્થાઓની મદદથી વ્રુક્ષારોપણ આભિયાન પણ હાથ ધરેલું છે.

મ્યુનિ. કમિશનરે વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના “આઈ-વે પ્રોજેક્ટ હેઠળ શહેરમાં ૨૦ સ્થળોએ પર્યાવરણ સેન્સર લગાવવામાં આવેલા છે, જેની મદદથી શહેરમાં તાપમાનની પરિસ્થિતિ કેવી છે તેની અલગઅલગ વિસ્તાર વાઈઝ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ડેટા એમ સૂચવે છે કે, સ્લમ વિસ્તારોવાળા એરિયામાં અન્ય વિસ્તારોની સરખામણીએ તાપમાન થોડું વધુ ઊંચું રહે છે. આ ઉપરાંત શહેરની મધ્યમાં સ્થિત ત્રિકોણ બાગ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ ચોક, ગોંડલ રોડ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી જેવા એરીયામાં તાપમાન અન્ય એરિયાની તુલનાએ વધુ ઊંચું રહે છે. જેનું કારણ વાહનોની સતત આવજા પણ જવાબદાર છે. મહાનગરપાલિકાએ હવામાન ખાતાના રિપોર્ટના આધાર પર તેમજ શહેરની એક્ચ્યુઅલ પરિસ્થિતિને જોઈને યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત પણ કર્યા હતાં.

આઈએમડીનાં ભૂતપૂર્વ વડા પ્રો. અજીત ત્યાગીએ તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, હવામન ખાતું ૫૦ વર્ષથી વાતાવરણ સંબંધી માહિતી આપી રહયું છે અને જોકે અગાઉ આવશ્યક એક્શનનાં અભાવે કપરા હવામાનની સ્થિતિમાં લોકોના મૃત્યુ નીપજતા હતાં, પરંતુ છેલ્લા એક દસકામાં સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને લોકોને બચાવવા વિવિધ સ્તરેથી સરકારી તંત્ર અને વિવિધ સંસ્થાઓ વધુ ગંભીર બની એકશનમાં આવેલ છે. રાજકોટ શહેરની એક ખાસિયત છે કે તે બીજાની ભૂલમાંથી કાંઈક નવું શીખી લ્યે છે. રાજકોટ મહાનગરપાલિકાએ હવામાન અને ઓવરઓલ પર્યાવરણ સંબંધી જે પગલાંઓ લીધા છે તે ખુબ જ પ્રસંશાને પાત્ર છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરનાં ડાયરેક્ટર પ્રો. દિલીપ માવલંકરે વૈશ્વિક હવામાન પેટર્ન અને વિવિધ સ્થળોની આંકડાકીય માહિતી અને અમદાવાદ શહેરમાં છેલ્લા એક દસકામાં અનુભવાયેલ હવામાન સંબંધી માહિતી સાથે હિટ સ્ટ્રેસ એક્શનની આવશ્યકતા અને તેના સ્વરૂપ અંગે જાણકારી આપી હતી.

આઈએમડી, ગુજરાતના ડાયરેક્ટ અને સાયન્ટીસ્ટ ડો. જયંત સરકારે હવામાન  પર્યાવરણનાં વિસ્તૃત ડેટાબેઝનાં આધાર પર એમ કહ્યું હતું કે, સને:૨૦૦૧ થી ૨૦૧૦ સુધીમાં તાપમાન સરેરાશ કરતા થોડું વધ્યું હતું, અને આ સમયગાળાને સને:૨૦૦૧ થી ૨૦૧૯ની દ્રષ્ટિએ જોઈએ તો તાપમાનમાં આશરે ચારનો વધારો નોંધાયો છે. સને  ૨૦૩૦ સુધીમાં તાપમાન વધુ ત્રણ ડીગ્રી સુધી વધી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.