Abtak Media Google News

આઈપીસીની કલમ 375 હેઠળ પત્ની સાથે બાંધેલો શારીરિક સંબંધ દુષ્કર્મ ન ગણાય!!

હાલ દેશમાં વૈવાહિક દુષ્કર્મને ખરેખર દુષ્કર્મની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરી શકાય કે કેમ? તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે આ મામલે આગામી માસમાં સુપ્રીમ કોર્ટ ફેંસલો આપનારી છે. વૈવાહિક દુષ્કર્મનો મામલો ખૂબ જટિલ છે જેના લીધે આ અંગે કાયદાવીદો પણ સ્પષ્ટ નિર્ણય આપી શકતા નથી. એકતરફ કલમ 375 હેઠળ પુખ્તવયની પરિણીત મહિલા સાથે પતિએ બાંધેલો શરીર સબંધ દુષ્કર્મ ગણાતો નથી તેવી જોગવાઈ કરવામાં આવેલી છે અને બીજી બાજુ પત્નીની મરજી વિરુદ્ધ બાંધવામાં આવતા શરીર સંબંધથી નારી ગૌરત્વનું હનન થાય છે ત્યારે હવે વૈવાહિક દુષ્કર્મને દુષ્કર્મ ગણવામાં આવશે કે કેમ? તે મામલે સુપ્રીમ નિર્ણય લેનારી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, તે આ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ચુકાદાઓ તેમજ વૈવાહિક દુષ્કર્મને કાયદેસર બનાવતી ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 375 સામેની અપીલ પર જાન્યુઆરીના બીજા સપ્તાહમાં અપવાદની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ મામલે સુનવણી કરશે.   ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને પી.એસ. નરસિમ્હાની બેંચે સંયુક્ત સુનવણી માટે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહને સમજાવ્યા જેઓ તે અરજી પર અલગ સુનાવણી માટે મક્કમ હતા.

સમાચાર અનુસાર ઇન્દિરા જયસિંહ બાદમાં કલમ 375ના ’અપવાદ’ને રદ કરવાના મુદ્દે એડવોકેટ સી.યુ. સિંઘ અને કરુણા નંદીની સાથે સુનાવણીમાં હાજર રહેવા સંમત થયા હતા. જો સુપ્રીમ કોર્ટ તેમની તરફેણમાં નિર્ણય આપે છે, તો વૈવાહિક દુષ્કર્મ આઇપીસીની કલમ 376 હેઠળ સજાપાત્ર ગુનો બની જશે. આઈપીસીની કલમ 375 બળાત્કારના ગુનાને વ્યાખ્યાયિત કરે છે.  પરંતુ તે જ સમયે તે એક અપવાદ પૂરો પાડે છે.  જે અંતર્ગત ’પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી ન હોય તો પતિ તેની પત્ની સાથે શરીર સંબંધ બાંધે તો તે દુષ્કર્મ નથી.’

જુલાઈમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના 23 માર્ચના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. જેમાં પત્ની સાથે તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા બદલ પતિ સામે કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે 11 મેના રોજ જસ્ટિસ રાજીવ શકધર અને હરિ શંકરની દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આઈપીસીની કલમ 375ના ’અપવાદ’ની બંધારણીયતા પર વિભાજિત ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ શકધરે તેને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી જ્યારે જસ્ટિસ શંકરે અરજદારોની અરજીને ફગાવી દીધી હતી.  જો કે, બંને ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવા માટે પ્રમાણપત્ર આપવા સંમત થયા હતા.

ઑક્ટોબર 2017માં, સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો કે 18 વર્ષથી ઓછી ઉંમરના પુરુષ અને તેની પત્ની વચ્ચે શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે અને પતિને આઇપીસીની કલમ 376 હેઠળ 10 વર્ષ સુધીની કેદ અથવા પોકસો એક્ટ હેઠળ આજીવન કેદની સજા થઈ શકે છે. જો કે, તેમ છતાં વૈવાહિક દુષ્કર્મનો મુદ્દો વણઉકેલ્યો રહ્યો હતો કારણ કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેણે વૈવાહિક દુષ્કર્મના મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ’અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમે 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલા સાથેના વૈવાહિક દુષ્કર્મ અંગે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.  કારણ કે આ મુદ્દો આપણી સામે બિલકુલ નથી.

સ્ત્રીની મરજી વિરૂધ્ધ બાંધવામાં આવેલો શારીરિક સંબધ નારી ગૌરત્વનું હનન!!

એકતરફ આઈપીસીની કલમ 375 હેઠળ અપવાદ છે કે, જો પત્નીની ઉંમર 15 વર્ષ કે તેથી વધુ હોય ત્યારે પતિ દ્વારા બાંધવામાં આવેલો શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાશે નહીં બીજી બાજુ કાયદાની દ્રષ્ટિએ સ્ત્રી સાથે તેની મરજી વિરુદ્ધ બાંધવામાં આવેલો શારીરિક સંબંધ નારી ગૌરત્વના હનન સમાન ગણાય છે. ત્યારે હવે વૈવાહિક દુષ્કર્મને દુષ્કર્મ ગણવો કે નહીં તે મુદ્દો વધુ જટિલ બનતો જઈ રહ્યો છે. હવે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ જાન્યુઆરી માસમાં સુનાવણી કરનારી છે.

શું છે આઈપીસીની કલમ 375માં જોગવાઈ?

આઈપીસીની કલમ 375માં જોગવાઈ કરવામાં આવી છે કે, પતિ તેની પત્ની કે જેની ઉંમર 15 વર્ષથી નાની ન હોય તેની સાથે કોઈ પણ જાતનો શારીરિક સંબંધ બાંધે તો તે દુષ્કર્મ ગણાશે નહીં. જો પત્નીની ઉંમર 15 વર્ષ કે તેથી ઓછી હશે તો પતિ પર કલમ 375 હેઠળ દુષ્કર્મ અને પોકસો એક્ટ એમ બંને કલમો હેઠળ ગુન્હો નોંધી શકાય છે. આઈપીસીની કલમ 375માં સ્ત્રી અને પુરુષ કેવી રીતે શારીરિક સંબંધ બાંધી અથવા કેવી રીતે શારીરિક સંબંધ બાંધશે તે વિશે જણાવવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો આ કલમ હેઠળ બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે, આ સિવાય એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા સંજોગોમાં જાતીય સંભોગને બળાત્કાર ગણવામાં આવશે. નોંધનીય છે કે, જ્યાં કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા દર્શાવવામાં આવી છે, ત્યાં કલમ 376માં બળાત્કાર હેઠળ આપવામાં આવતી સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.