Abtak Media Google News

શિક્ષકોને સર્વ શિક્ષા અભિયાનની વરસની 20 કલાકની તાલિમ ઉપરાંત વિવિધ તાલિમ વર્ષ ભેર અપાય છે: વિષય વસ્તુ સાથે ગુણવત્તાસભર શિક્ષણ માટે અને અસરકારક વર્ગ વ્યવસ્થાની તાલિમ અપાય છે, છતાં ધારી સફળતા ન મળવામાં અસરકારક મોનીટરીંગનો અભાવ જોવા મળે છે

કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે સી.આર.સી., યુઆરસી જેવી વ્યવસ્થા હોવા છતાં બાળકો હજી વાંચન-ગણન-લેખનમાં નબળા જોવા મળે છે: શિક્ષણ સિવાય શિક્ષકોને વસ્તી ગણતરી, ઇલેક્શન અને પ્રાથમિક સારવાર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલિમ પણ અપાય છે

પ્રિ-સ્કુલ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઇસ્કૂલ અને હાયર સેક્ધડરી આ શિક્ષણના તબક્કો છે. જેમાં પ્રિ.પીટીસી, બી.એડ.જેવી શિક્ષકની પરીક્ષા પાસ કરી હોય તેને જ શિક્ષકની નોકરી મળે છે. વિવિધ નવા આવતાં પ્રવાહો માટે સમયાંતરે શિક્ષકોને તે વિશે માહિતગાર તાલિમના માધ્યમથી કરવામાં આવે છે. આવી તાલિમ સરકારી શાળાનાં શિક્ષકોને નિયમિત મળે છે, જેનું આયોજન એન.સી.ઇ.આર.ટી, જી.સી.ઇ.આર.ટી.ના કેન્દ્ર અને રાજ્ય લેવલે તજજ્ઞો તૈયાર કરીને જીલ્લા સ્તરે જીલ્લા શિક્ષણ તાલિમ ભવન (ડાયેટ) દ્વારા આવી તાલિમો વર્ષોથી અપાતી હોય છે. સર્વ શિક્ષા અભિયાન આવતાં દર વર્ષે વેકેશનમાં આવી તાલિમ ધોરણ વાઇઝ અપાતી હોય છે.

Advertisement

શિક્ષક તેના વ્યવસાયમાં સજ્જતા પ્રાપ્ત કરે તે હેતુંથી શિક્ષક સજ્જતાની તાલિમ અપાય છે, ત્યારે પ્રશ્ર્ન થાય કે શું તેને તાલિમ આપવાથી શિક્ષક સજ્જતા આવી જાય ખરી. શિક્ષણના કોમ્પ્યૂટર આગમનને ઘણા શિક્ષકોને કોમ્પ્યૂટર આવડતું ન હતું, મોટી ઉંમરનાને તો ઘણી તકલીફ પડતી જોવા મળી ત્યારે સરકારે સી.સી.સી.ની પરીક્ષા ફરજીયાત પાસ કરવાનો હુકમ કરેલોને 50 વર્ષથી મોટી ઉંમરના શિક્ષકોને મુક્તિ આપી હતી. સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા વરસના 20 કલાકની તાલિમ હાલ યોજાય છે. પહેલા શનીવારે સી.આર.સી. સેક્ટરે આવી જૂથ મિટીંગ યોજાતી જેમાં બધા સાથે મળીને કઠિન મુદ્ાને સરળ કેમ બનાવવા તેની તાલિમ લેતા. આજે તો તાલિમના પોર્ટલ પણ આવી ગયા છે.

નવી શિક્ષણ નીતી-2020ના અમલને કારણે ધો.1-2માં અંગ્રેજીના શ્રવણ-કથન-કૌશલ્યો વિકસાવવા, લિડરશીપ તાલિમ, અસરકારક વર્ગ, વ્યવસ્થા, જેન્ડર વિષયક, શિક્ષણની વિવિધ ટેકનીક, બાળ મેળા, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયોની તાલિમ જેવી ઘણી તાલિમો વર્ષ ભેર ગોઠવાતી હોય છે, જેમાં ટી.એ.ડી.એ. સાથે મોડ્યુલ પણ આપવામાં આવે છે. અસરકારક વર્ગ વ્યવસ્થા જેવી તાલિમ લેનાર શિક્ષક શાળાના વર્ગખંડમાં તેનો અમલ કરે અને તેનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન થાય ત્યારે ખબર પડે કે તાલિમની કેટલી અસર થઇ, પણ આજ સુધી બહું ઓછું આવું મોનિટરીંગ થવાને કારણે તાલિમનો અર્થ સરતો નથી.

રાજ્યના શિક્ષણ વિભાગ શિક્ષકોને સજ્જ કરવા અને કર્મનિષ્ઠા વધારવા કર્મયોગી જેવી ઘણી તાલિમોમાં લાખોનો ખર્ચ કરે છે, પણ તેનું જે રિઝલ્ટ મળવું જોઇતે મળતું નથી. શિક્ષક પોતાના મનથી કાર્ય કરે અને પોતાના વર્ગખંડમાં કંઇક નોખું (ઇનોવેટીવ) કામ કરે, જે બીજાને પ્રેરણા આપે તે ખૂબ જ જરૂરી છે. ગુણવત્તાસભર શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ સક્રિય કામ કરે છે, પણ પરિણામ મળતું નથી, તે એટલું જ નગ્ન સત્ય છે. તાલિમ આપવાથી કે લઇ લેવાથી લક્ષ્યાંકો સિધ્ધ થઇ શકે એવું ક્યારેય ન બને. આજે સૌ આઉટયુટ માંગે છે, પણ ઇનપૂટ કેટલું તમે આપી શક્યા તે મહત્વની બાબત છે.

આજે ધો.7/8ના મોટા છોકરા વાંચી શકતા નથી ત્યાં ગુણવત્તાસભર શિક્ષણ અને અસરકારક વર્ગ વ્યવસ્થાની વાત ક્યાં કરવી. આજે તો સરકારી શાળામાં કોઇને વિશ્ર્વાસ રહ્યો નથી ત્યારે ખાનગી શાળા તરફની વાલીની દોટ જોવા મળે છે. ખાનગી શાળામાં અનક્વોલીફાઇડ સ્ટાફ ભણાવતો હોય છે, અને તેને કોઇ તાલિમ પણ અપાતી ન હોવાથી તે પુસ્તકિયા જ્ઞાન જ પીરસે છે. શિક્ષણમાં સહ અભ્યાસિક પ્રવૃત્તિનું મહત્વ વિશેષ છે. શિક્ષણમાં આજે વન સાઇડ ન ચાલે, છાત્રોના પણ અનેક પ્રશ્ર્નો છે જેનું નિરાકરણ થવું જરૂરી છે. જૂના જમાનામાં દર મહિનાની આખર તારીખે તાલુકા શાળામાં જૂથ મિટિંગ યોજાતી. આવી મીટીંગનો હેતુ જો કોઇ શિક્ષકે પોતાની ટેકનીક વડે બાળકોને ઝડપથી શિખવ્યું હોય તો તે બીજાને સમજાવે, જેથી તેનો લાભ મળી શકે.

શિક્ષણની પધ્ધતિમાં ચિત્ર, વાર્તા, નાટ્ય કે પ્રવૃત્તિ સાથે કરેલ વિવિધ પધ્ધતિના ઉપયોગથી બાળકોને રસ-રૂચિ-વલણો જળવાય છે. છાત્રોને સ્વાધ્યાય પોથી અપાય છે. જેનો અર્થ જ છે, સ્વઅધ્યયન કે બાળક જાતે ભણતો થાય. નવા પ્રવાહોથી વાકેફ થવા શિક્ષકોને તાલિમ આપવી જરૂરી છે, પણ તેનું સચોટ મોનીટરીંગ થવું જરૂરી છે. સિસ્ટમ સર્વ શિક્ષા અભિયાન છે પણ તેમાં મોનીટરીંગનો અભાવ જોવા મળે છે. ગમે તે વ્યવસાય હોય તેમાં સજ્જતા હોવી જરૂરી છે, તેમ શિક્ષણમાં શિક્ષક સજ્જતા હોવી જ જોઇએ.

શિક્ષકોને શ્રેષ્ઠ નાગરિક તૈયાર કરવાના હોવાથી તેને વિવિધ તાલિમ આપીને સજ્જ કરવો જ પડે છે. કરૂણા, સુટેવો, ભાઇચારો, નેતૃત્વ જેવા વિવિધ ગુણો વિકસાવવા ‘જીવનમૂલ્ય શિક્ષણ’ તાલિમ આપવી જ પડે છે. જો શિક્ષક તૈયાર હોય તો પોતે પોતાના વર્ગખંડમાં ઇનોવેશન કરીને ગુણવત્તાસભર શિક્ષણ લાવી શકે છે. આજે તો શાળામાં સ્માર્ટ ક્લાસ આવી ગયા છે ત્યારે તેના સાધનો અને શિક્ષણમાં ઉપયોગ કેમ કરવો તેની તાલિમ પણ અપાય છે. પ્રિ-સ્કૂલના શિક્ષકોને બાળ-મનોવિજ્ઞાનની તાલિમ આપવી કે લેવી જોઇએ, તો જ તમે પાયાથી બાળકોનાં સંર્વાગી વિકાસ તરફની યાત્રામાં સફળ થઇ શકશો.

શિક્ષકો પોતાના વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ કરીને વર્ગખંડના શિક્ષણ કાર્યને અસરકારક બનાવે

સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષકોને સેવાકાલિન તાલિમ અપાય છે, જેનો હેતું શિક્ષકો વર્ગ શિક્ષણ કાર્ય માટેની વિવિધ પધ્ધતિઓ, પ્રવૃત્તિઓ અને નૂતન શૈક્ષણિક પ્રવાહોથી માહિતગાર તેવો છે. શિક્ષકો પોતાના વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ કરીને તેનો વિનિયોગ વર્ગખંડના શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા કરે તે જરૂરી છે. શિક્ષણ વિભાગ દ્વારા 2010થી પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા અંતર્ગત આવી તાલિમો અપાય છે. કામગીરીની સમિક્ષા-મૂલ્યાંકન માટે ગુણોત્સવ પણ યોજાય છે. શિક્ષણશાસ્ત્ર, વિષયવસ્તું સજ્જતા અને વ્યવસાયિક સજ્જતા તાલિમ શિક્ષકો માટે અતી મહત્વની છે. આવી તાલિમો પાછળનો મુખ્ય હેતું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તેના વડે બાળકોની શૈક્ષણિક ઉપલબ્ધિમાં ગુણાત્મક સુધારો થાય તેવો છે. દરેક શિક્ષકે જીવન કૌશલ્યો (લાઇફ સ્કીલ) વિશે જાણવું, તાલિમબધ્ધ થવું અતિ મહત્વનું ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.