Abtak Media Google News

ઇસરો એ આજ સુધી માં 111 મિશન લોંચ કર્યા છે. દરેક મિશન કોઈ ને કોઈ રીતે સમાજ કલ્યાણ માં પોતાનો ભાગ ભજવી રહ્યા છે

તાજેતર માં જ એક ઇસરો ના મેપમાય ઈન્ડિયા સાથે થયેલા એમઓયુ ના સમાચાર વહેતા થયા હતા, આજે ભારત પોતાનું ઓનલાઇન મેપ બનાવવા સક્ષમ થયું છે. આ પાછળ ઇસરો ઓનલાઇન નેવિગેશન ક્ષેત્રે વર્ષો જૂની મહેનત છે

Advertisement

ભારત નું વર્ષ 2021 માં સ્પેસ ટેક્નોલોજી નું બજેટ 13900 કરોડ ઇસરો દ્વારા કોરોનાકાળ માં પણ સેટેલાઇટ લોંચ કરોડો ના ખર્ચે બનાવેલ સેટેલાઇટ ઇસરો દ્વારા લોંચ થશે આ પ્રકાર ના ઘણા વાક્યો આપણે સાંભળ્યા જ હશે. સ્પેસ ટેક્નોલોજી ને એક એવું મોંઘેરું પ્રાણી ગણવામાં આવે છે જે લોકો ને કદી ન જોયેલી દુનિયા નો અનુભવ કરાવે છે. એક સામાન્ય માણસ કદાચ સ્પેસ માં જવાની તો કલ્પના પણ ન કરી શકે. ભલે અત્યારે સ્પેસ ટુરીઝમ વિશે પ્રયત્નો થઈ રહ્યા છે, કદાચ આવનારા નજીક ના સમય માં શક્ય પણ બનશે. પરંતુ તેટલી મોંઘી મુસાફરી વર્તમાન સમય માં કોઈ સામાન્ય વ્યક્તિ ને પોસાય એમ નથી.

સ્પેસ ટેક્નોલોજી પર થતાં કરોડો ના ખર્ચ વિશે છાશવારે સમાચાર જોવા મળે છે. અવકાશ ની કપરી પરિસ્થિતી માં કામ કરતાં અત્યાધુનિક ઉપકરણો મોંઘા હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ સેટેલાઇટ, પરગ્રહ અવલોકન, અવકાશીય પદાર્થો ને ચિત્રિત કરવા અત્યાધુનિક કેમેરા પાછળ શા માટે આટલો ખર્ચ થાય છે તેના વિશે બહુ ઓછા અહેવાલો જોવા મળશે. કારણ, કે આ મોંઘા સ્પેસ મિશન બાદ મળતી બહુમૂલ્ય સુવિધાઓ ના મૂળ વિશે મોટા ભાગ ના લોગો અજાણ છે. કોરોના કાળ માં સ્પેસ મિશન ને અપાતાં બજેટ વિશે પણ ક્યાક નિંદા જોવા મળી હશે. કોરોના જેવી મહામારી વચ્ચે પણ 2020 ના અંતે ઇસરો એ 2 લોંચ કર્યા. એક 7 નવેમ્બર ના રોજ અર્થ ઓબ્સેર્વેશન સેટેલાઇટ અને 17, દિસેમ્બર ના રોજ કમ્યુનિકેશન સેટેલાઇટ. કોરોના ના લીધે એકબાજુ લોકો ની રોજગારી જતી રહી, ત્યાં ઇસરો એ બહુ ખર્ચાળ લોંચ ની સમયસારણી જાળવી રાખી. આ બાબત પર ઘણા લોકો ને એવું થયું હશે કે આટલી મુશ્કેલી માં પણ શા માટે અવકાશ ને લગતા મિશન લોંચ કરવા માં આવે છે? ફક્ત ભારત જ નહીં પરંતુ યુએઇ એ પણ પોતાનું મંગળ મિશન હોપ પ્રોબ 19 જુલાઈ, 2020 ના રોજ લોંચ કર્યું હતું! આ એ સમય છે જ્યારે કોરોના નો ફેલાવ જોખમી સ્તરે હતો!

જો સ્પેસ ટેક્નોલોજી પાછળ ના ખર્ચ ની બીજા દેશો સાથે સરખામણી કરીએ તો નાસા નું 2021 નું બજેટ 16900 કરોડ ની આસપાસ છે. યુરોપીયન સ્પેસ એજન્સી નું વર્ષ 2021 નું બજેટ 22000 કરોડ ની આસપાસ છે. અહી એ જાણવું જરૂરી છે કે બાકી ના બધા દેશો કરતાં ભારત પાસે સૌથી ઓછા ભાવે પ્રણાલીઓ બનાવવા ની સિદ્ધિ હાંસેલ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે નાસા ના મંગળ મિશન પાછળ 651 મિલિયન ડોલર નો ખર્ચ થયો હતો. જ્યારે ભારત એ તે કાર્ય 74 મિલિયન ડોલર માં પહેલા જ પ્રયાસ માં સફળ કરી આપ્યું હતું.

શું આ સ્પેસ ટેક્નોલોજી આપણને પરવડી શકે?

ઇસરો એ આજ સુધી માં 111 મિશન લોંચ કર્યા છે. આ દરેક મિશન માં કોઈ ને કોઈ નવી સિદ્ધિ હાંસેલ કરી છે. હમેશા થી ભારત ના સ્પેસ મિશન ને પૂરતું બજેટ મળ્યું નથી. પરંતુ આ સમસ્યા ને જોયા વગર ઇસરો એ તેના હલ તરફ પોતાની મુસાફરી શરૂ કરી. એક સમય એવો હતો કે રોકેટ ના અલગ અલગ ભાગો સાઇકલ અને બળદગાડી માં ગોઠવી ને લૌંચિંગ સાઇટ પર પહોંચાડવા માં આવતા. ઊંચા વૃક્ષ પર થી પણ રોકેટ લોંચ કરી ને પ્રયોગો થયા છે. આજે ભારત પૂરા વિશ્વ માં સૌથી ઓછા ખર્ચ સાથે સેટેલાઇટ લોંચ કરી શકે છે. વર્ષ 2021 માં સ્પેસ ટેક્નોલોજી ને અપાયેલા બજેટ ના આંકડા ને જોઈએ તો 13900 કરોડ સ્પેસ ટેક્નોલોજી ને અપાયા છે. ભારત નું કૃષિ ક્ષેત્રે બજેટ 16.5 લાખ કરોડ છે. ઇનફ્રાસ્ટ્રક્ચર પાછળ નું બજેટ 5.54 લાખ કરોડ છે. સ્પેસ ટેક્નોલોજી પાછળ ના ફાયદાઓ ને જોઈએ તો 13000 કરોડ બીજા દેશો કરતાં તો ક્યાય ઓછું છે. આ પણ વખત જતાં ઇસરો ની સિદ્ધિઓ જ્યારે વિશ્વ સ્તરે ઉપસી આવી ત્યારે બજેટ માં થોડો વધારો થયો. જ્યારે ભારત ની સ્પેસ ટેક્નોલોજી પા.. પા.. પગલી કરતું હતું ત્યારે તો પરિસ્થિતી ખૂબ કઠણ હતી.

જો સ્પેસ ટેક્નોલોજી ના ફાયદાઓ ની વાત કરીએ તો ભારત માં ટુજી થી શરૂ થયેલ મોબાઇલ કમ્યુનિકેશન તથા બીજા કમ્યુનિકેશન ના માધ્યમો ઇસરો ની જીસેટ શ્રેણી ના ઉપગ્રહો ને આભારી છે. જો ઇસરો ભારત માં જ બનેલ જીસેટ ઉપગ્રહો અવકાશ માં ન તરતા મુકત તો આપણે મોબાઇલ કમ્યુનિકેશન માટે બીજા દેશો નો આધાર લેવો પડત. આપણે જે એક ક્લિક કરતાં ગૂગલ ખૂલે છે તે ઇસરો ના કમ્યુનિકેશન સેટેલાઇટ ને આભારી છે.

તાજેતર માં જ એક ઇસરો ના મેપમાયઈન્ડિયા સાથે થયેલા એમઓયુ ના સમાચાર વહેતા થયા હતા. આજે ભારત પોતાનું ઓનલાઇન મેપ બનાવવા સક્ષમ થયું છે. આ સિદ્ધિ પાછળ ઇસરો નું નાવીક મિશન છે. ભારત આજે નેવિગેશન ક્ષેત્રે પોતાના ખુદ ના ઉપગ્રહો ધરાવે છે. આ નેવિગેશન ક્ષેત્રે ની સફળતા વર્ષો થી થતી આઇઆરએનએસએસ શ્રેણી ના ઉપગ્રહો પાછળ થતાં સખત પરિશ્રમ ને આભારી છે. રસ્તો ભૂલી જતાં તરત જ જ્યારે મોબાઇલ માં રહેલ મેપ ની સુવિધા યાદ આવે છે. કલ્પના કરો કે જો ભારત પાસે પોતાના સેટેલાઇટ હોત જ નહીં તો?

આપણાં રોજિંદા જીવન માં વાતાવરણ વિશે ના તાપમાન, વર્ષા, વાવાઝોડા તથા કોઈ કુદરતી આફતો ના સમાચાર આપણે મેળવતા હોઈએ છીએ. જો ઇસરો પાસે આરઆઇસેટ શ્રેણી ના ઉપગ્રહો ના હોત તો આપણે આબોહવા અને કુદરતી આફતો વિશે આગાહી કરી જ ન શકત. આપણે આપણાં પાડોશી દેશો ને પણ કોઈ વાર આપણાં ઉપગ્રહો થી મળતા ડેટા ના આધાર પર આગાહી જણાવતા હોઈએ છીએ.

નવેમ્બર 29, 2018 ના રોજ ઇસરો એ હાયસીસ નામનું એક મિશન લોંચ કર્યું હતું. મોટા ભાગ ના લોકો આ મિશન પાછળ ના મહત્વ વિશે અજાણ હશે. ભારત આ મિશન બાદ એક એવી ટેક્નોલોજી નું માલિક બની ગયું જેનાથી હવે અંતરિક્ષ પર થી હાઇ રિઝોલ્યુશન ઇમેજ મેળવી શકશે. આ મિશન માં ભારત દ્વારા બનાવેલ કેમેરા ની ટેક્નોલોજી બીજે બધે દુર્લભ છે. આ ટેક્નોલોજી આપણી સીમાઓ પર થતી ગતિવિધિ ના હાઇ રિઝોલ્યુશન ચિત્રો આપી શકે છે. તાજેતર માં ચીન સાથે થયેલ મતભેદ માં ચીન દ્વારા થતી ગતિવિધિઓ ઇસરો ના સેટેલાઇટ દ્વારા જ તપાસવા માં આવી હતી. જો આપણી પાસે આવા પૃથ્વી ના અવલોકન ની શક્તિ ધરાવતા ઉપગ્રહો જ ન હોત તો?

આપણાં અન્નદાતા ગણાતા ખેડૂતો ને પણ ઇસરો ના ઉપગ્રહો મદદ કરી શકે છે. અવકાશ માથી લીધેલ ચિત્રો ખેડૂતો ના પાક માં મોટી માત્રા માં ફેલાતા રોગ ની માહિતી આપી શકે છે. જંગલો માં લાગતી આગ વિશે ની માહિતી ઉપગ્રહો ના ચિત્રો પર થી મેળવી શકાય છે.

હવે જો ચંદ્ર કે પરગ્રહ પર મોકલાતી પ્રણાલીઓ વિશે વાત કરીએ તો તેની પાછળ પણ મનુષ્ય જાતિ ના અસ્તિત્વ ની ઝંખના છે. મંગળ જેવા ગ્રહ પર ફક્ત વસવાટ કરવો કે ત્યાં ફરવા જવા નો જ ધ્યેય નહીં હોતો. જો મંગળ ગ્રહ પર જીવન ની આશંકા મળે, અથવા જીવન ના અવશેષો મળે તો ત્યાં કઈ રીતે જીવન નો નાશ થયો હતો તે વિશે પણ માહિતી મેળવી શકાય છે. આ માહિતી પૃથ્વી ને વિનાશ થી બચાવવા માટે ઉપયોગી નીવડી શકે છે. જો મંગળ ગ્રહ પર જીવન શક્ય બની જાય તો આપણે પૃથ્વી વાસી માથી બહુગ્રહવાસી બની શકીએ.

અત્યાર સુધી માં ઇસરો દ્વારા છોડાયેલ 111 મિશન કોઈ ને કોઈ રીતે સામાજિક કલ્યાણ માટે ઉપયોગી હોય છે. ઇસરો એ આજ સુધી ભારતીય સ્પેસ પ્રોગ્રામ ના પિતામહ ડો વિક્રમ સારાભાઇ ના સિદ્ધાંતો જાળવી રાખ્યા છે. એ ઇસરો ના ઉપગ્રહો જ છે જે દેશ ના ખૂણે ખૂણે વસતા લોકો ને એક સાથે જોડે છે. ગામડાઓ માં સ્માર્ટ ક્લાસ ને ચલાવવા ઇસરો ના સેટેલાઇટ ની જરૂર પડે છે. સરહદો ને સુરક્ષિત રાખવા, આબોહવા ની આગાહી કરવા, અને આપણાં રોજિંદા જીવન માં વણાઈ ગયેલ ટેક્નોલોજી ને જીવંત રાખવા ઇસરો ના ઉપગ્રહો ભાગ ભજવે છે. ઇસરો દ્વારા વિકસાવાતી પ્રણાલીઓ લાખો લોકો ને રોજગાર અપાવે છે.

હારનેસસિંગ સ્પેસ ટેક્નોલોજી ફોર સોશિયલ બેનેફિટ્સ

ભારત માં સ્પેસ પ્રોગ્રામ ઉપર લખેલ એક ખૂબ જ ઉમદા પાયા પર ઊભો છે. આ પાયો છે સમાજ કલ્યાણ. ભારત ના સ્પેસ પ્રોગ્રામ ના પિતામહ ડો. વિક્રમ સારાભાઇ એ સૌપ્રથમ જ્યારે ભારત માં સ્પેસ ટેક્નોલોજી ની વિકાસ ની પહેલ કરી હતી, ત્યારે આ પહેલ પાછળ તેમનો ફક્ત એક જ ધ્યેય હતો; સમાજ કલ્યાણ. તેઓ ભારત ના ખૂણે ખૂણા સુધી શિક્ષણ પહોંચાડવા માંગતા હતા. તેમની દૂરદેશી વિચારસરણી ના લીધે આજે ભારત સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. તેમણે જ્યારે સૌપ્રથમ વખત સ્પેસ માં કૃત્રિમ ઉપગ્રહો મોકલવાની વાત કરી હતી ત્યારે આ અતિ ખર્ચાળ યોજના સામે ઘણા અવરોધો આવ્યા હતા. સૌથી પહેલો પ્રશ્ન એ જ હતો કે શા માટે અવકાશ પ્રત્યેની આતુરતા અને ઉત્સાહ માટે જંગી ખર્ચ કરવો? જો ખર્ચ કરી પણ દીધો તો આ યોજના સફળ થવા ની સંભાવના કેટલી? જો આ પ્રયોગ નિષ્ફળ થાય તો જે કરોડો નો ખર્ચ થયો છે તેનો શું ફાયદો?

વર્ષ 1979 માં એસએલવી-3 નું લૌંચિંગ નિષ્ફળ ગયું હતું. આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ અને એક મહાન પ્રતિભા ડો. અબ્દુલ કલામએ તે સમયે તેની જવાબદારી પોતાના પર લીધી. ત્યારે ભારત ના સરકારી ખર્ચ માથી બનેલ એ નિષ્ફળ પ્રયોગ વિશે હજારો પ્રશ્નો ઉઠ્યા હતા. આજે પણ આ જ પ્રશ્નો જીવિત છે.

જો સ્પેસ ને એક મોટી દ્રષ્ટિ થી જોઈએ તો એક ખૂબ જ રસપ્રદ તથ્ય જાણવા મળી શકે…

સ્પેસ એ વિશ્વ ના એકીકરણ નું સાધન બનશે…

તથ્ય કોર્નર

*ઇઓએસ(EOS) શ્રેણી: ઇસરો ના ભવિષ્ય ના અર્થ ઓબ્સરવેશન ઉપગ્રહો આ શ્રેણી અંતર્ગત હશે.

*સીએમએસ(CMS) શ્રેણી: ઇસરો ના ભવિષ્ય ના કમ્યુનિકેશન ઉપગ્રહો આ શ્રેણી અંતર્ગત હશે.

*આઇઆરએનએસએસ(IRNSS)શ્રેણી: નેવિગેશન ક્ષેત્રે ઉપયોગી ઉપગ્રહો

*જીસેટ(GSAT) શ્રેણી: કમ્યુનિકેશન ક્ષેત્રે ઉપયોગી શ્રેણી

*આરઆઇસેટ(RISAT) શ્રેણી: કુદરતી આફત પ્રબંધ તથા અર્થ ઓબ્સરવેશન માટે ઉપયોગી ઉપગ્રહો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.