Abtak Media Google News

સ્માર્ટ ઘર, એલઆઈજી, ઈડબલ્યુએસ-2 અને મુખ્યમંત્રી આવાસ યોજનાના 593 ફલેટના ડ્રો બાદ કબ્જો ન સંભાળનારની ફાળવણી રદ્દ કરી વેઈટીંગ મુજબ આવાસ ફાળવી દેવાયા

2022 સુધીમાં દેશના દરેક નાગરિકોને ઘરનું ઘર મળી રહે તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાલ શહેરમાં હજ્જારોની સંખ્યામાં આવાસ બની રહ્યાં છે. આવાસ યોજનાના ફલેટ ફાળવવા માટે ડ્રો કરવામાં આવે છે. દરમિયાન ડ્રોમાં લાગેલુ કવાર્ટર મહિનાઓ સુધી લાભાર્થી સંભાળતો ન હોવાના કારણે જે તે સાઈટના એસોસીએશનને મેન્ટેનન્સ પેટે આવક થતી નથી અને કોર્પોરેશનને પણ આર્થિક નુકશાની વેઠવી પડે છે. આવામાં હવે કોર્પોરેશન દ્વારા એક નવીનતમ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

ડ્રો થયા બાદ 6 મહિનામાં જો લાભાર્થી આવાસનો કબજો નહીં સંભાળે તો તે વેઈટીંગમાં રહેલા અન્ય અરજદારને કવાર્ટર ફાળવી દેવામાં આવશે. ગઈકાલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે 1309 આવાસની ફાળવણીનો ડ્રો યોજાયો હતો જેમાં 593 આવાસો એવા હતા જેનો ડ્રો અગાઉ થઈ ચૂક્યો હતો પરંતુ લાભાર્થીએ કબ્જો ન સંભાળતા આ આવાસનો કબજો કોર્પોરેશને પરત કેંચી અન્યને આવાસની ફાળવણી કરી દીધી છે.

આ અંગે આવાસ યોજના વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે કુલ 1309 આવાસ ફાળવણી માટે ડ્રો યોજાયો હતો જેમાં 593 આવાસ એવા હતા કે જેની ફાળવણી અગાઉ કરી દેવામાં આવી હતી પરંતુ ફાળવણી બાદ લાભાર્થીએ કબ્જો ન સંભાળતા કોર્પોરેશને તે ખાલ્સા કરાવ્યા હતા. એલઆઈજી કેટેગરીના 395 આવાસ માટે ગત 31 ઓગષ્ટ 2020ના રોજ ડ્રો યોજાયો હતો. જેની ફાળવણી બાદ લાભાર્થીઓએ કબ્જો સંભાળ્યો ન હોવાના કારણે ખાલ્સા કરાવી વેઈટીંગ લીસ્ટમાં રહેલા લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે.

જ્યારે આ આવાસ સાથે જ ઈડબલ્યુએસ-2 કેટેગરીના 70 આવાસનો ડ્રો યોજવામાં આવ્યો હતો જેની ફાળવણી બાદ લાભાર્થીએ કબ્જો ન સંભાળતા તેને ખાલ્સા કરાવી વેઈટીંગમાં રહેલા લાભાર્થીને ફલેટ ફાળવવામાં આવ્યા છે. સ્માર્ટ ઘરના આવાસ માટે વર્ષ 2019માં પ્રથમવાર ડ્રો યોજાયા બાદ વેઈટીંગ ઓપરેટ 2021માં કરવામાં આવ્યું હોવા છતાં લાભાર્થીઓએ આવાસના પૈસા ન ભરતા તેને ખાલ્સા કરાવી ફરી એક વખત વેઈટીંગમાં રહેલા લાભાર્થીને આવાસ ફાળવવા માટે ડ્રો યોજાયો હતો.

આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર અને કુવાડવા રોડ પર અલગ અલગ 9 સાઈટમાં ઈડબલ્યુએસ કેટેગરીના 42 આવાસનો ડ્રો વર્ષ 2016 યોજાયો હતો. પરંતુ લાભાર્થીઓએ આવાસના હપ્તા ન ભરતા તેની ફાળવણી રદ કરી દેવામાં આવી હતી અને ફરી આવાસની ફાળવણી વેઈટીંગમાં રહેલા લાભાર્થીને ફાળવવા માટે ગઈકાલે ડ્રો યોજવામાં આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહ દરમિયાન આવાસ યોજના વિભાગને ફલેટના હપ્તા પેટે સવા પાંચ કરોડથી પણ વધુની આવક થવા પામી છે. હવેથી કોર્પોરેશન અલગ અલગ આવાસ યોજનાનો પ્રથમ ડ્રો યોજ્યા બાદ નિયત સમય મર્યાદા એટલે કે 4 થી 6 મહિનાની અંદર જો મુળ લાભાર્થી આવાસનો કબ્જો નહીં સંભાળે તો તે  ખાલ્સા કરાવી આ ફલેટ વેઈટીંગમાં રહેલા લાભાર્થીને ફાળવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.